ગાંધીજીને ઝેર આપતાં પહેલાં જ્યારે બતખમિયાં રડી પડ્યા અને હત્યાનો પ્લાન નિષ્ફળ ગયો

    • લેેખક, મધુકર ઉપાધ્યાય
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

મહાત્મા ગાંધીનું જીવન ખુલ્લા પુસ્તક સમાન હતું. તેમનું કોઈ કામ કોઈનાથી છુપાવીને કરવું, કોઈનેય જાણ કર્યા વગર કરવું, એ અશક્ય હતું.

પરંતુ આ પારદર્શકતાના કારણે ગાંધીના જીવનને જોખમ પણ ઓછું નહોતું.

ઇતિહાસમાં નોંધાયા પ્રમાણે તેમની પર છ વખત જીવલેણ હુમલા થયા હતા. છઠ્ઠી વખતના હુમલામાં તેમનું મૃત્યુ જ થઈ ગયું અને આ પહેલાંના પાંચ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.

પહેલો હુમલો 1934માં પુણેમાં થયો હતો. તેમને એક સમારંભમાં જવાનું હતું, ત્યારે જ ત્યાં એક જેવી બે ગાડીઓ આવી.

એકમાં આયોજકો હતા અને બીજીમાં ગાંધીજી અને કસ્તૂરબા યાત્રા કરવાના હતાં. આયોજકોની કાર જતી રહી અને ગાંધીની કાર એક રેલવે ફાટક પર રોકાઈ ગઈ.

જે કાર આગળ જતી રહી હતી, તેનો એક ધડાકામાં ખુરદો બોલી ગયો. ગાંધી એ હુમલામાં ટ્રેન મોડી પડવાના કારણે બચી ગયા.

બીજો હુમલો

1944માં આગા ખાં પૅલેસમાંથી મુક્ત થયા બાદ ગાંધી પંચગણી જઈને રોકાયા હતા અને ત્યાં કેટલાક લોકો તેમની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા.

ગાંધીએ તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પૈકી કોઈ પણ વાતચીત કરવા માટે રાજી નહોતા.

છેલ્લે એક વ્યક્તિ હાથમાં ચપ્પુ લઈને ગાંધી તરફ દોડી આવી. ગાંધીજી સુધી પહોંચતા પહેલાં જ તેને પકડી લેવાઈ. આમ આ હુમલો પણ નિષ્ફળ રહ્યો.

ત્રીજો હુમલો

1944માં જ પંચગણીની ઘટના બાદ ગાંધી અને ઝીણાની મુંબઈ ખાતે વાર્તા થવાની હતી. મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના લોકો આ કારણે નારાજ હતા. ત્યાં પણ ગાંધી પર હુમલો કરવાનો પ્રયત્ન કરાયો, જે નિષ્ફળ રહ્યો.

ચોથો હુમલો

1946માં પાકિસ્તાનના નેરૂલ પાસે ગાંધી જે રેલગાડીમાં યાત્રા કરી રહ્યા હતા, તેના પાટા ઉખાડી લેવાયા. ટ્રેન પલટી ખાઈ ગઈ, એન્જિન પણ ક્યાંક ટકરાઈ ગયું, પરંતુ ગાંધીનો આ અકસ્માતમાં પણ આબાદ બચાવ થઈ ગયો.

પાંચમો હુમલો

1948માં બે વખત હુમલા થયા. પહેલાં મદનલાલ બૉમ્બ ફોડવા માગતા હતા, જે ફૂટ્યો નહીં અને આ કાવતરાના આરોપમાં કેટલાક લોકોની ધરપકડ થઈ ગઈ.

30 જાન્યુઆરી, 1948ના રોજ છઠ્ઠી વાર નાથુરામ ગોડસેએ ગોળી ચલાવી અને ગાંધીજીનું મોત નીપજ્યું.

એમાં એક ખાસ વાત એ છે કે એક વ્યક્તિ આ પૈકીના ચાર હુમલાવાળી જગ્યાએ હાજર હતો. તેનું નામ હતું નાથુરામ ગોડસે.

બતખ મિયાંનો કિસ્સો

પરંતુ આ છ હુમલા સિવાય ગાંધીજીના પ્રાણ લેવાના વધુ બે વખત પણ પ્રયાસો કરાયા હતા. એ બંને પ્રયાસો 1917માં ચંપારણમાં થયા હતા.

મહાત્મા ગાંધી એ સમયે મોતીહારીમાં હતા. ત્યાં ગળીની ફૅકટરીઓના મૅનેજરોના નેતા ઇરવિને તેમને વાતચીત કરવા માટે બોલાવ્યા અને એવું વિચાર્યું કે જો ગાંધીને આ મુલાકાત દરમિયાન ખાવાપીવાની કોઈ વસ્તુમાં એવું ઝેર આપી દેવાય જેની અસર થોડા સમય બાદ થાય, તો તેમની નાકમાં દમ લાવનાર આ માણસનો જીવ પણ જતો રહેશે અને તેમનું નામ પણ નહીં આવે.

ઇરવિનને ત્યાં કામ કરનાર બતખમિયાં અંસારીને આ વાતની જાણ કરાઈ.

બતખમિયાંને કહેવાયું કે તમે એ ટ્રે લઈને ગાંધીજી પાસે જશો. બતખમિયાંનો પરિવાર ખૂબ નાનો હતો, તેઓ એક નાના ખેડૂત હતા, નોકરી કરતા હતા.

તેમણે આ કામ કરવાની ના ન પાડી. તેઓ ટ્રે લઈને ગયા, પરંતુ જ્યારે તેઓ ગાંધીજીની પાસે પહોંચ્યા ત્યારે ગાંધીજી સામે ટ્રે મૂકવાની તેમની હિંમત જ ના થઈ.

ગાંધીજીએ જ્યારે માથું ઊંચકીને બતખમિયાં તરફ જોયું ત્યારે તેઓ રડવા લાગ્યા. આવી રીતે આખી વાત ખુલ્લી પડી ગઈ કે ભોજનમાં શું હતું અને તેનાથી શું થવાનું હતું.

'કહી દો હું આવી ગયો છું અને એકલો છું'

આ બનાવનો ઉલ્લેખ મહાત્મા ગાંધીની આત્મકથામાં ક્યાંય નથી.

ચંપારણનો સૌથી પ્રમાણિક ઇતિહાસ મનાતા રાજેન્દ્ર પ્રસાદના પુસ્તકમાં પણ આ વિશે કોઈ જ ઉલ્લેખ નથી.

પરંતુ લોકસ્મૃતિમાં બતખમિયાં એક નામાંકિત વ્યક્તિ છે અને કહેવાય છે કે જો તેઓ ન હોત તો ખબર નહીં આ દેશનું ભવિષ્ય કેવું હોત.

બતખમિયાંનું નામ લેનાર કોઈ નથી બચ્યું, તેમને જેલની સજા થઈ ગઈ. તેમની જમીનો લિલામ થઈ ગઈ.

1957માં જ્યારે રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ મોતીહારી ગયા હતા. ત્યાં એક જનસભામાં તેમણે ભાષણ આપ્યું હતું.

તેમને લાગ્યું કે તેઓ દૂર ઊભેલા એક માણસને ઓળખે છે. તેમણે ત્યાંથી જ પૂછ્યું - બતખભાઈ કેમ છો?

બતખમિયાંને સ્ટેજ પર બોલાવાયા અને આ કિસ્સો લોકોને જણાવ્યો ત્યાર બાદ તેમને પોતાની સાથે લઈ ગયા.

બતખમિયાંના પુત્ર જાનમિયાં અંસારીને તેમણે થોડાક દિવસ માટે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવ્યા અને ત્યાં જ રોકી રાખ્યા.

સાથે જ રાષ્ટ્રપતિભવન દ્વારા બિહાર સરકારને એક પત્ર દ્વારા સૂચના પણ અપાઈ કે, બતખમિયાંની જમીનો જતી રહી હોવાના કારણે તેમને 35 એકર જમીન આપવામાં આવે.

આ વાત 65 વર્ષ પહેલાંની છે. એ જમીન બતખમિયાંના ખાનદાનને આજ સુધી નથી મળી શકી.

જ્યારે મેં ત્યાંના એક જિલ્લાધિકારીને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે આ અંગેની ફાઇલ ચાલી રહી છે.

એક બીજો કિસ્સો પણ છે. જ્યારે ચંપારણમાં ગાંધીની હત્યાનો પ્રયાસ નિષ્ફળ થઈ ગયો ત્યારે અન્ય એક અંગ્રેજ મિલમાલિકને ખૂબ જ ગુસ્સો આવ્યો.

તેમણે કહ્યું કે ગાંધી મને એકલો મળી જાય તો હું તેમને ગોળી મારી દઈશ. આ વાત ગાંધીજી સુધી પહોંચી ગઈ.

ગાંધીજી એ જ વિસ્તારમાં હતા. બીજા દિવસે વહેલી સવારે તેઓ આ અંગ્રેજની કોઠી પર પહોંચી ગયા.

તેમણે કોઠીના ચોકીદારને કહ્યું કે એ મિલમાલિકને જણાવી દો કે હું આવી ગયો છું અને એકલો છું, પરંતુ ના કોઠીનો દરવાજો ખૂલ્યો કે ના અંગ્રેજ બહાર આવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો