TOP NEWS : સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ બની શકે, જય શાહ સચિવની રેસમાં

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના નવા અધ્યક્ષ બની શકે છે.

અધ્યક્ષની રેસમાં તેઓ સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

એનડીટીવીની ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે સૌરવ ગાંગુલી સિવાય આ રેસમાં બ્રિજેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

અધ્યક્ષ સિવાય અન્ય પદો જેવાં કે સચિવ અને કોષાધ્યાક્ષના પદ માટે પણ ચૂંટણી થવાની છે.

એનડીટીવીના સૂત્રો પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ નવા સચિવ બની શકે છે. જ્યારે અરુણ ધુમલને બીસીસીઆઈ નવા કોષાધ્યાક્ષ બનાવી શકે છે.

અરુણ ધુમલ કેન્દ્રીય મંત્રી અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરના ભાઈ છે. આ ચૂંટણી માટે નામાંકન દાખલ કરવાનો છેલ્લો દિવસ સોમવાર છે.

સૌરવ ગાંગુલી વર્તમાન સમયમાં ક્રિકેટ ઍસોસિએશન ઑફ બંગાળ (સીએબી)ના અધ્યક્ષ છે. તેઓ અધ્યક્ષ બનશે તો સપ્ટેમ્બર 2020 સુધી અધ્યક્ષપદ પર રહેશે.

વિશ્વબૅન્કે ભારતના વિકાસદરનું અનુમાન ઓછું આંક્યું

આ વખતના નાણાકીય વર્ષમાં ત્રિમાસિક ગાળામાં ઘણાં સૅક્ટરમાં ભારે ઘટાડા બાદ વિશ્વબૅન્કે પણ ભારતીય અર્થવ્યવસ્થાના વૃદ્ધિદરનું અનુમાન 6 ટકા નીચે કર્યું છે.

વર્ષ 2018-19માં ભારતનો વૃદ્ધિદર 6.9 ટકા હતો.

વિશ્વબૅન્કે દક્ષિણ એશિયા ઇકૉનૉમિક ફોક્સના હાલના સંસ્કરણમાં કહ્યું કે ભારત 2021 સુધી 6.9 ટકા વૃદ્ધિદર હાંસલ કરી લેશે અને 2022માં 7.2 ટકા સુધીનું અનુમાન છે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડની વાર્ષિક બેઠક અગાઉ વિશ્વબૅન્કે આ રિપોર્ટ જાહેર કર્યો છે.

ભારતનો વૃદ્ધિદર સતત બીજા વર્ષે પણ સુસ્ત રહ્યો છે. 2018-19માં વૃદ્ધિદર 6.9 ટકા અને એ પહેલાં 2017-18માં 7.2 ટકા હતો.

આ સમયગાળામાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ગ્રોથમાં 6.9 ટકાનો વધારો થયો હતો.

કૃષિમાં 2.9 અને સર્વિસ સૅક્ટરમાં 7.5 ટકાનો વૃદ્ધિદર રહ્યો હતો.

અયોધ્યા મામલે કલમ 144 લાગુ

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં અંતિમ સુનાવણી અને નિર્ણયને જોતા 10 ડિસેમ્બર સુધી અયોધ્યામાં કલમ 144 લાગુ કરાઈ છે.

અખબારે અયોધ્યાના ડીએમ અનુજ કુમારનો હવાલો આપીને લખ્યું છે કે અયોધ્યા મામલે અને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

અયોધ્યા મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે અને આ અઠવાડિયું અંતિમ રહેશે.

અંદાજે એક મહિના બાદ 17 નવેમ્બરે નિર્ણય આવે તેવી શક્યતા છે.

એ દિવસે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પણ નિવૃત્ત થવાના છે.

ઈરાનમાં ઇમરાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રવિવારે એક દિવસ માટે ઈરાન પહોંચ્યા હતા.

દરમિયાન તેઓએ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી હતી. તેમજ અહીંના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયતોલ્લાહ ખમનેઈને પણ મળ્યા હતા.

તેહરાનમાં રાષ્ટ્રપતિ રૂહાની અને ઇમરાન ખાનની સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી.

આ પ્રેસ-કૉન્ફરન્સમાં ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ઇમરાન ખાને કહ્યું, ''કાશ્મીરમાં 80 લાખ લોકો છેલ્લા 68 દિવસથી કર્ફ્યુ કારણે ઘરોમાં બંધ છે. કાશ્મીર મામલે બોલવા પર હું રાષ્ટ્રપતિ રૂહાનીને અભિનંદન આપું છું. ભારતે કાશ્મીરમાં માનવીય સંકટ પેદા કર્યું છે. રાષ્ટ્રપતિ રૂહાનીએ કાશ્મીરમાં માનવાધિકારોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.''

જોકે રાષ્ટ્રપતિ રૂહાનીએ આ કૉન્ફરન્સમાં કાશ્મીર મામલે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો