અંબાજી અકસ્માત : 'પાકા મકાનની પ્રાર્થના કરવા અંબાજી ગયો અને મોત ભરખી ગયું'

ઇમેજ સ્રોત, JAY BRAHMBHATT
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
'પેટ પર પાટા બાંધીને એક દીકરાને ભણાવ્યો અને મોટો કર્યો, માંડમાંડ કમાતો થયો ત્યાં ભગવાને એની પાસે બોલાવી લીધો. હવે આ ઘડપણમાં અમારે એનાં છોકરાં પણ મોટાં કરવાનાં આવશે. દેવું કરીને ભણાવેલો છોકરો અમારાં સપનાં પૂરાં કરવાં નોકરીની સાથે ભણતો હતો, પણ ભગવાનને ના ગમ્યું એટલે એને ઉપાડી લીધો.
આ શબ્દો છે અંબાજી પાસેના ત્રિશૂલિયા ઘાટ પર થયેલા આ અકસ્માતમાં દીકરો ગુમાવી દેનારાં 67 વર્ષીય કોકીબહેન પઢિયારના.
અંબાજી દર્શન કરીને પરત આવી રહેલી એક ખાનગી બસ ઊંધી વળી જતાં તેમાં 21 લોકોનાં મોત થયાં હતાં અને 35થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.
ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા મંગળભાઈ અને કોકીબહેન પહેલાંથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.
એમનો મોટો દીકરો વિક્રમ ભણતો હતો ત્યારે ખેતમજૂરીએ ગયેલા મંગળભાઈ પઢિયારની સાઇકલને કોઈ ટક્કર મારીને જતું રહ્યું હતું અને એમના માથામાં ગંભીર ઈજા થઈ.
મહિનાઓ સુધી દવાખાનામાં રહ્યા. આ અરસામાં મોટા દીકરા વિક્રમે 10માં પછી ભણવાનું છોડી દીધું .
બાપદાદાની નાનકડી જમીનનો ટુકડો ખેડીને મોટા દીકરાએ ઘર ચલાવવાનું શરૂ કર્યું. એ સમયે કોકીબહેન પણ ખેતમજૂરીએ જતાં હતાં.
ઘરમાં જે ભેંસ હતી એનું જરૂર પૂરતું દૂધ રાખી બાકીનું વેચીને ઘર ચલાવતાં હતાં. ભગવાનની કૃપા થઈ કે ગમે- તે મંગળભાઈ સાજા થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ખેતીનું ભારે કામ કરી શકતા નહોતા, પણ એમણે ખેતમજૂરી ચાલુ રાખી. હવે એમનો બીજો દીકરો કિશન પણ મોટો થઈ ગયો હતો.
ખડોલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી એને આગળ ભણવું હતું. આથી એમનાં માતાપિતા અને ભાઈએ નક્કી કર્યું કે એને આગળ ભણાવવો.

'કિશન મહિને 15,000 કમાતો થઈ ગયો હતો'

ઇમેજ સ્રોત, JAY BRAHMBHATT
એમના પિતા મંગળભાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે અમારી પાસે તો પૈસા હતા નહીં એટલે એને ભણવા માટે અમારા ગામથી રોજ ત્રણ કિલોમિટર ચાલીને આંકલાવ જવું પડતું હતું.
તેઓ કહે છે, "કિશન આંકલાવ ચાલતો જતો હતો. ઘરેથી રોટલો અને મરચું લઈ સ્કૂલે જતો અને એણે સારા માર્ક સાથે 12મું પાસ કર્યું."
"એને આગળ ભણવું હતું પણ અમારી પાસે પૈસા નહોતા અને કૉલેજ કરવા ભાદરણ જવું પડે. પણ એને નક્કી કર્યું કે ભાદરણ જઈને કૉલેજ કરવી."
"એણે જાતે બસનો પાસ કઢાવ્યો અને ભાદરણ કૉલેજમાં જઈને ભણવા લાગ્યો. આ સમયમાં મારી તબિયત પણ સારી રહેતી નહોતી એટલે એનાં લગ્ન કરાવ્યાં."
"એને હવે નંદેસરીમાં નોકરી મળી ગઈ હતી. એ મહિને 15,000 કમાતો થઈ ગયો. આ સમયમાં કિશનને ત્યાં દીકરાનો જન્મ થયો. એ મોટો થવા લાગ્યો એટલે એને ભણાવવાનું આયોજન કરતો હતો."
"સરકારી યોજનાથી અમને કયાકયા લાભ મળે એની પણ તપાસ કરતો હતો. અમારે કાચું મકાન છે. એ અમને હૈયાધારણ આપતો કે પાકું મકાન મળશે."
"એણે અમને કહ્યું કે એ નોકરી કરવાની સાથેસાથે આગળ ભણીને સાહેબ થશે. એટલે એ આગળ ભણતો હતો."

આર્થિક સ્થિતિ થોડી સુધરી પણ ફરી આફત આવી

ઇમેજ સ્રોત, JAY BRAHMBHATT
દીકરાના મોત બાદ શોકમાં બેઠેલા મંગળભાઈને એ પણ ખબર નથી કે એ શું ભણતો હતો.
પોતાના નાના ભાઈના મોતથી આઘાત પામેલા વિક્રમે બીબીસીને કહ્યું કે એ બીએસસી કર્યા પછી કૅમિસ્ટ્રીમાં એમએસસી કરવા માગતો હતો અને મોટો સાહેબ બની પરિવારને આર્થિક રીતે સધ્ધર બનાવવા માગતો હતો.
કિશનના મોતથી તેમનાં અભણ પત્ની હિનાબહેન પણ આઘાતમાં છે. હિનાબહેન એક દીકરાનાં માતા છે અને હાલમાં ગર્ભવતી છે. પણ એ કિશન વિશે કોઈ વાત કરી શકતાં નથી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં માત્ર એટલું જ કહ્યું, "એ ક્યાં નોકરી કરતા હતા અને કેટલું કમાતા હતા એની એમને ખબર નથી, એમના ભવિષ્યનું શું થશે એની પણ ખબર નહોતી."
દીકરાના અવસાનથી મંગળભાઈ અને એમના મોટા દીકરા વિક્રમે ભલે આંસુ રોકી રાખ્યાં હોય, પણ કોકીબહેન પોતાની લાગણી રોકી ન શક્યાં.
બીબીસી સાથે વાતચીત કરતાં તેઓ હૈયાફાટ રુદન કરવાં લાગ્યાં.

'અંબાજી જઈને પાકા ઘર માટે પ્રાર્થના કરવાનો હતો'

ઇમેજ સ્રોત, JAY BRAHMBHATT
પરિવારની વાત કરતાં કોકીબહેન કહે છે કે કિશનની ચોપડીઓ અને નોટો માટે એમના બાપા એમના ઓળખિતાપાળખિતા પાસેથી પૈસા ઉધાર લાવતા. અમે દેવું ચૂકવે કરવા ખેતરમાં મજૂરીએ જતાં હતાં.
તેઓ કહે છે, "એ કૉલેજથી આવે એ પહેલાં ઘરે પાછાં આવી જતાં. એ ભણતો હતો ત્યાં સુધી અમે સારું લૂગડું પણ પહેર્યું નથી. એના બાપા આજે પણ ફાટેલું પાટલૂન પહેરીને ફરે છે."
"કિશનની નોકરી લાગ્યા પછી અમારું દેવું પૂરું થયું અને માંડમાંડ ગાડી પાટે ચડી હતી. કિશનની વહુને બીજું બાળક આવવાનું હતું એટલે બધા ખુશ હતા."
કોકીબહેન કહે છે, "એ અમારું ઝૂંપડા જેવું ઘર સરખું કરાવીને પાકું ઘર મેળવવા સરકારમાં અરજી કરવા જવાનો હતો. રાત્રે એ અંબાજી દર્શન કરવા ગયો."
"એ અમને સરકારી યોજના અંતર્ગત ઘર મળે એની પ્રાર્થના કરવાનો હતો. એ ભણેલો હતો અને અમારા ગામમાં કોઈ ભણેલું નહીં એટલે એને જોડે લઈ ગયા હતા. પણ અમને ક્યાં ખબર હતી કે ભગવાન એને પોતાની પાસે બોલાવી લેશે."

ઇમેજ સ્રોત, SOCIAL MEDIA
"આખી જિંદગી અમે છોકરા મોટા કરવામાં કાઢી. હવે અમારે જતી જિંદગીએ કિશનનાં છોકરાં મોટાં કરવાં પડશે. હવે અમારો કેટલો ભરોસો."
"વહુને સારા દિવસો છે અને બીજા છોકરાને પણ ઉછેરવાનો છે. નાની ઉંમરમાં ધણી ગુમાવનારી મારી વહુ કેવી રીતે જન્મારો કાઢશે એ એક સવાલ છે."
"હવે તો પાકું ઘર એક સપનું થઈ ગયું છે. ક્યારે પૂરું થશે એ ખબર નથી. અમે માંડ એક તકલીફમાંથી બહાર આવ્યા ત્યાં બીજી તકલીફ આવી ગઈ."
"ખબર નહીં, ભગવાને અમને મુશ્કેલી વેઠવા જ જન્મ આપ્યો છે કે શું એ નથી સમજાતું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












