Top News : સલમાન ખાનના કેસથી નારાજ થઈ જજની ચેમ્બર લૉક કરી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક અજાણી વ્યક્તિએ સલમાન ખાનને મળેલા જામીનથી નારાજ થઈ જજની ચૅમ્બરને તાળું મારી દીધું હતું.
ધ હિંદુમાં પ્રકાશિત અહેવાલ મુજબ મૅજિસ્ટ્રેટ એસ. બી. પવાર બપોર જમવા ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ એમની ચેમ્બરને તાળું મારી દીધું હતું.
તાળું મારનારે ત્યાં એક ચિઠ્ઠી મૂકીને લખ્યું કે ''સલમાન ખાનને 5 વર્ષથી મુંબઈની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. એમને હાઈકોર્ટમાંથી 3 કલાકમાં જામીન મળી જાય છે અને હું ન્યાય માટે એક દરવાજેથી બીજા દરવાજે ધક્કા ખાઉં છું.''
''હું કરદાતા છું. હું કર ચૂકવું છું, જેથી માનનીય ન્યાયાધીશને પગાર મળે અને જો મને ન્યાય ન મળતો તો મને તાળું મારવાનો અધિકાર છે.''
પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

'ઇમરાનને ચીનના મુસલમાનોની ચિંતા કેમ નહીં?'

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું છે.
દક્ષિણ અને મધ્ય એશિયા મામલાના રાજદૂત એલિસ વેલ્સે પૂછ્યું છે કે ઇમરાન ખાનને માત્ર કાશ્મીરના મુસલમાનોની ચિંતા કેમ છે. તેઓ ચીનના મુસલમાનોની ચિંતા કેમ નથી કરતાં?
એલિસ વેલ્સે આ વાત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા અધિવેશન દરમિયાન એક ખાસ વાતચીતમાં કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ચીનના વીગર મુસલમાનોની દયનીય સ્થિતિ પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની ચુપકીદીને લઈને સવાલ ઉઠાવ્યા હતા.
વેલ્સે કહ્યું, "હું ઇચ્છું છું કે પશ્ચિમી ચીનમાં બંધ એ મુસલમાનો માટે પણ એવી ચિંતા વ્યક્ત કરવામાં આવે. કે જેઓ જેલ જેવી જગ્યાએ રહેવા માટે મજબૂર છે. જો આપણે મુસલમાનોના માનવાધિકારની વાત કરીએ તો એ માત્ર કાશ્મીર પૂરતી સીમિત નથી."

હુમલાની આશંકાનો ઇન્કાર નહીં

ઇમેજ સ્રોત, Reuters
ભારતીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે પડોશી દેશના આતંકીઓ દ્વારા ભારતના સાગર અને તટીય વિસ્તારનો આતંકી હુમલા માટે ઉપયોગ થઈ શકે છે.
રક્ષામંત્રીએ કહ્યું કે અમે તટીય અને સમૃદ્રી રક્ષા માટે પ્રતિબદ્ધ છીએ.
રાજનાથ સિંહે એમ પણ કહ્યું કે જે ભારતને પરેશાન કરશે તેને તેઓ ચેનથી રહેવા નહીં દે.
તેમણે કહ્યું, "એક રક્ષામંત્રીના રૂપમાં હું તમને વિશ્વાસ અપાવું છું કે આપણા દેશની સમૃદ્રી રક્ષા સંપૂર્ણ સુરક્ષિત છે."

રાજસ્થાનમાં અકસ્માતમાં 16નાં મોત
એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે રાજસ્થાનના જેસલમેર-જોધપુર માર્ગે પર શુક્રવારે અકસ્માત થયો હતો.
એક મિની બસ અને બોલેરો વચ્ચેની ટક્કરમાં અંદાજે 16 લોકોનાં મૃત્યુ થયાં છે.
મૃતકોમાં નવ પુરુષ અને છ મહિલાઓનો સમાવેશ થાય છે.
અકસ્માત થયાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકની બાલેસર હૉસ્પિટલ લઈ જવાયા હતા.
પોલીસે જણાવ્યું કે બાલેસરના એક નિવાસી શ્રવણસિંહ પોતાના સંબંધીને ત્યાં અંતિમ સંસ્કારમાં હાજરી આપીને જીપમાં પરત ફરી રહ્યા હતા. જેમાં બે પુરુષ અને બે મહિલાઓ હતાં અને ચારેયનાં મૃત્યુ થયાં છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

અફઘાનિસ્તાનમાં આજે ચૂંટણી

અફઘાનિસ્તાનમાં હિંસાની સતત વધતી ઘટનાઓ વચ્ચે આજે રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાશે.
અમેરિકાએ વર્ષ 2001માં તાલિબાનને અફઘાનિસ્તાનની સત્તામાં દૂર કર્યું હતું, બાદમાં અહીં ચોથી વાર રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે.
ચૂંટણીમેદાનમાં કુલ 16 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય ટક્કર વર્તમાન રાષ્ટ્રપતિ અશરફ ગની અને 2014માં સીઈઓ બનાવેલા અબ્દુલ્લાહ વચ્ચે માનવામાં આવે છે.
તાલિબાને ચેતવણી આપી છે કે ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માટે તેઓ મતદાનકેન્દ્રોને નિશાન બનાવશે.
આથી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ઘણા વિસ્તારોમાં તેને મતદાન શક્ય નહીં બને.
અફઘાનિસ્તાન અંદાજે ચાર દશકથી જંગ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












