એ ગામ જે હજારો વરસનો વારસો લઈને નર્મદાના પાણીમાં ડૂબી ગયું

પૂરનું પાણી
    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

મધ્ય પ્રદેશના ચીખલદાનો વર્તમાન આજે છલોછલ ભરાયેલા સરદાર સરોવર ડેમના પાણીમાં ડૂબી ગયો છે, પરંતુ હજારો વર્ષો પહેલાં અહીં સ્થાયી થયેલા આદિવાસીઓનો ઇતિહાસ હજીય જીવંત છે.

નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમની જળસપાટી 138 મીટર સુધી પહોંચી તેના કારણે મધ્ય પ્રદેશનાં કુલ 178 ગામો ડૂબમાં ગયાં છે.

ગત 3 સપ્ટેમ્બરની રાત્રે, ધાર જિલ્લાના ચીખલદા ગામમાં પણ પાણી ચડવા લાગ્યું હતું.

તે સાથે જ માત્ર એક ગામ નહીં, પરંતુ એવી ઐતિહાસિક ધરતી પણ ડૂબી ગઈ, જ્યાં હજારો વર્ષ પહેલાં તાંબા-પાષાણયુગમાં આપણા પૂર્વજોએ ખેતીની સાથે સામાજિક રીત રિવાજો પણ શીખ્યા હતા.

ચીખલદાની આ કથા મધ્ય પ્રદેશને ગુજરાત સાથે જોડતા સ્ટેટ હાઈવે નંબર 26થી શરૂ થાય છે.

ધાર જિલ્લાના આ ગામ પાસેથી પસાર થતો હાઈવે આજે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. 3500ની વસતિ ધરાવતા ચીખલદા ગામે જળસમાધિ લઈ લીધી છે.

line

જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

પૂરનું પાણી

ગામના માછીમારોની બોટમાં બેસીને અમે ગામમાં પ્રવેશ્યા કે તરત જ પાણીમાં ડૂબી ગયેલાં મકાનોની છત પર ફસાયેલા શ્વાનનો અવાજ સંભળાયો.

ગામની શેરીઓમાં ભરાયેલા પાણી વચ્ચે બપોરના તડકાને કારણે ભારે બફારો લાગતો હતો.

અચાનક ગભરાઈ એક ગાય ક્યાંકથી બોટ તરફ આવવા લાગી. ગાય પાણીમાં ફસાઈ હતી અને માથું જેમતેમ ઊંચું રાખીને બહાર નીકળવાનો માર્ગ શોધી રહી હતી.

વળ ખાતું પાણી તેને આમતેમ ધકેલી રહ્યું હતું. ગાયને બૂચકારવાની કોશિશ થઈ પણ તે ગભરાઈને અંદર તરફ જતી રહી.

બોટમાં બેઠેલા એક ગામવાસીએ ઉદાસી સાથે કહ્યું, "હવે ગાયને બચાવવી મુશ્કેલ છે. આગળ વધારે પાણી ભરેલું છે."

line

ચીખલદાનું પુરાતત્વીય મહત્ત્વ

ચીખલદામાં વસતાં આદિવાસીઓનું પિટહૉલ જેવું ઘર

ઇમેજ સ્રોત, SB OTA

ઇમેજ કૅપ્શન, ચીખલદામાં વસતાં આદિવાસીઓનું પિટહૉલ જેવું ઘર

2017માં જ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના જોઇન્ટ ડાયરેક્ટર જનરલના હોદ્દા પરથી નિવૃત્ત થયેલા અને નેવુંના દાયકામાં ચીખલદામાં કામ કરનારા પુરાતત્ત્વ વિશેષજ્ઞ ડૉક્ટર એસ. બી. ઓટા ચીખલદા કહે છે કે ચીખલદા ડૂબી જવાથી ભારતીય વારસાને મોટું નુકસાન થયું છે.

નર્મદા ખીણના આ નાનકડા ગામમાં આદિમાનવો સાથે સંકળાયેલા કેટલાક પ્રાચીન અવશેષો મળ્યા હતા.

તે વિશે ડૉ. ઓટા કહે છે, "બે કારણસર ચીખલદાનું પુરાતત્ત્વ રીતે મહત્ત્વ હતું. અહીં અમને ચારથી પાંચ હજાર વર્ષ જૂનાં રહેઠાણ મળ્યાં હતાં. તેના પરથી કહી શકાય કે અહીં ગુફામાનવોની વસતિ હતી."

"તામ્ર-પાષાણ યુગના આ ગુફામાનવો જમીનમાં ખાડા કરીને તેમાં રહેતા હતા અને જમીન ઉપર ખેતી પણ કરતા હતા."

"પાષાણ યુગમાં માનવી સમૂહમાં રહેવા લાગ્યો અને ખેતી પણ કરવા લાગ્યો તેના પુરાવા સાથેની આ પણ એક જગ્યા હતી. ખોદીને બનાવેલાં રહેઠાણ ખાસ હતાં, કેમ કે ચિખલદા સિવાય ક્યાંય તે મળ્યાં નથી."

તેઓ વધુમાં કહે છે, "એક વાર આવું પુરાતત્ત્વીય સ્થળ ડૂબી જાય તે પછી તેની સાથે જોડાયેલી માહિતીનો સ્રોત પણ કાયમ માટે ખતમ થઈ જાય છે."

"નર્મદા ખીણમાં તો આર્કિયૉલૉજીની રીતે અભ્યાસની એટલી સંભાવનાઓ હતી, કે તેના અભ્યાસ માટે ઓછામાં ઓછા 100 પુરાતત્ત્વ નિષ્ણાતોની ટીમે વીસ વીસ વર્ષ સુધી કામ કરવું પડે."

line

ભૂતકાળ સાથે ડૂબ્યો વર્તમાન

સ્થાનિક ખેડૂત ગુડ્ડુ
ઇમેજ કૅપ્શન, સ્થાનિક ખેડૂત ગુડ્ડુ

ભૂતકાળના આ અવશેષો સાથે ચિખલદાના સાડા ત્રણ હજાર લોકોનાં જીવન પણ ડૂબી ગયાં છે.

ગામની ઉપરથી અમે બોટમાં પસાર થતા હતા, ત્યારે આમલીના કેટલાક ઝાડની ઉપરની ડાળીઓ પાણીમાંથી ડોકિયું કરતી હતી.

તે વખતે જ બોટમાં બેઠેલા ચીખલદાના રહેવાસી રાજુએ કહ્યું, "અત્યારે આપણે જ્યાંથી પસાર થઈ રહ્યા છીએ, તે પાણીની નીચે મારું ઘર ડૂબેલું છે."

"ગામના આ ભાગમાં 40-45 માછીમારોના પરિવાર રહેતા હતા. બધાનાં મકાન પાણીની નીચે છે. જેવું હતું એવું પણ અમારું ઘર હતું."

"અમે કોઈની દયા પર નહોતા. માછલી પકડી લાવતો તેનાથી ઘર ચાલતું હતું. હવે પાણીમાં જાળ નાખીએ તો ઝાડની ડાળીઓ અને લાકડાના ગઠ્ઠામાં ફસાઈ જાય છે."

"સરકારે વળતરના નામે જેટલા પૈસા આપ્યા તેમાંથી 40 બોરી સિમેન્ટ પણ ના આવે. ઘર કેવી રીતે બનાવવું."

જીવનનાં 51 વર્ષ ગામમાં જ બનેલા પૂર્વજોના ચાર ઓરડાના મકાનમાં વિતાવ્યા પછી ગામના ખેડૂત ગુડ્ડુને આજે ભાડાના મકાનમાં રહેવાની ફરજ પડી છે.

ગુડ્ડુ તેના ઘરની સામેથી બોટ પસાર થઈ ત્યારે રડતાં રડતાં કહેવા લાગ્યા, "આ મકાનમાં અમે રહેતા હતા. મારો જન્મ અહીં થયો, અહીં જ રમ્યા, મોટા થયા."

"હું દરરોજ સાંજે મારા ઘરના દરવાજા પાસે ખુરશી નાખીને બેસતો. આજે દરવાજો પણ ડૂબી ગયો છે. સરકારને શું કહેવું?"

"ફક્ત એટલું જ કહી શકું છું કે અમને પૂરતું વળતર આપે. મારું ઘર પણ ડૂબી ગયું અને ખેતીની જમીન ટાપુ બની ગઈ છે. મને ખેતી કે ઘર કશાનું વળતર મળ્યું નથી."

line

કેળાંના ખેડૂતો પર સંકટ

પાણીમાં ઘરો ડૂબ્યાં

ચીખલદા કેળાં અને પપૈયાં જેવાં ફળોની ઉત્તમ ઊપજ માટે પણ જાણીતું હતું. ડૅમના પાણીમાં જમીન ડૂબી ગયા પછી કેળાંના મોટા ખેડૂતોની હિંમત પણ તૂટી ગઈ છે.

ગામમાં સૌથી વધુ કેળાં પકવતા ખેડૂત સક્કુ દરબારનો એક કરોડનો પાક પાણીમાં ડૂબી ગયો.

કેળાંને સાચવવા 35 લાખના ખર્ચે બનેલા કોલ્ડ સ્ટોરેજની સામે બેઠેલા સક્કુ કહે છે કે, "ચીખલદામાં પાકતાં કેળાં દિલ્હી થઈને ઈરાન અને દુબઈ સુધી જતાં હતાં."

"આ વખતે મેં કેળાંના 30 હજાર છોડ રોપ્યા હતા. બજારમાં 300 રૂપિયાનો એક રોપો મળતો હતો. તે બધા પાણીમાં ડૂબી જતા મને કુલ એક કરોડનું નુકસાન થયું છે."

"લાગે છે કે ચીખલદામાં હવે કેળાંની ખેતી જ બંધ થઈ જશે... વીજળી, પાણી બધું બંધ થઈ ગયું છે."

"અમારી 19 એકર જમીન સામે સરકાર માત્ર 60 લાખ રૂપિયાનું વળતર આપે છે. એટલે અમે વળતર લીધું જ નથી."

"જમીનનો બજારભાવ 3 કરોડ રૂપિયા હોય તો માત્ર 60 લાખનું વળતર શા માટે લઉં?"

line

પ્રાચીન નીલકંઠેશ્વર મંદિર ડૂબી ગયું

પ્રાચીન નીલકંઠેશ્વર મંદિર

ગામમાં આવેલું અગિયારમી સદીનું પ્રાચીન નીલકંઠેશ્વર મંદિર પણ ડૂબી ગયું છે.

ચીખલદાના રહેવાસી અને નર્મદા બચાવો આંદોલનના કાર્યકર રહમત કહે છે, "નીલકંઠેશ્વર મંદિર ચીખલદાની પૌરાણિક ઓળખ હતી. મંદિરનું બાંધકામ અગિયારમી સદીનું છે, પરંતુ તેનું શિવલિંગ સ્વયંભુ માનવામાં આવે છે."

"સરકારે મંદિરને અન્યત્ર ખસેડવાની યોજના ઘડી હતી, પણ પછી મંદિર ડૂબમાં નથી એવું બતાવી દીધું હતું. આજે આ મંદિર પણ ડૂબી ગયું છે."

"આ મંદિર માત્ર ધાર્મિક નહીં, આપણો પ્રાચીન પુરાતત્ત્વીય વારસો હતો. તેને પણ આવી ખતમ કરી દેવાયો."

line

સરકારનો ખુલાસો

ચીખલદા નિવાસી અને નર્મદા બચાવો આંદોલનના કાર્યકર રહમત
ઇમેજ કૅપ્શન, ચીખલદા નિવાસી અને નર્મદા બચાવો આંદોલનના કાર્યકર રહમત

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથે એક નિવેદનમાં ગુજરાત સરકાર પર દોષનો ટોપલો ઢોળીને જણાવ્યું કે પુનર્વસવાટનું કામ પૂર્ણ થયું ના હોવાથી આ વર્ષે બંધ પૂરો ભરવા સામે તેમની સરકારે વિરોધ કર્યો હતો.

મધ્ય પ્રદેશના નર્મદા વેલી ડેવલપમૅન્ટ ઑથોરિટીના પ્રભારી કેબિનેટમંત્રી સુરેન્દ્રસિંહ બઘેલે ડૂબેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

બાદમાં તેમણે તમામ ગામોમાં નવેસરથી સર્વેક્ષણ કરવાનું અને યોગ્ય વળતર આપવાનું વચન જાહેર કર્યું હતું. જોકે ચીખલદા ગામનાં સનાવર મન્સૂરી જેવી મહિલાઓ માટે આ વાયદા ખોખલા જ છે.

સનાવર ડૂબી ગયેલા ઘર અને તેની સાથેની પોતાની દુકાનનો ફોટો સાથે લઈને જ ફરે છે.

પોતાના ઘરના તૂટી ગયેલા હિસ્સા પાસે બોટ પહોંચી ત્યારે તેઓ રડવાં લાગ્યાં.

પછી થેલીમાંથી ઘર અને દુકાનની તસવીર કાઢીને મને દેખાડીને કહ્યું, "આ સામે ઘર દેખાય છે ને, તેની સામે જ અમારી દુકાન હતી."

"મારા પતિના મૃત્યુ પછી દુકાન ચલાવીને મારા બાળકોને મોટા કર્યા હતા. સરકારે મારું મકાન અને દુકાન ડૂબાડી દીધા, પણ નવી દુકાન અને ઘર બનાવવા માટે પૂરતા પૈસા આપ્યા નથી."

સનાવરે પૂરને કારણે પોતાનું ઘર છોડ્યું
ઇમેજ કૅપ્શન, સનાવરે પૂરને કારણે પોતાનું ઘર છોડ્યું

ઘર છોડ્યું તે ઘડી યાદ કરીને સનાવર ઉમેરે છે, "4 સપ્ટેમ્બરે ગામમાં પાણી ભરાવા લાગ્યું ત્યારે મજબૂરીમાં મારે પૂર્વજોનું મકાન ખાલી કરવું પડ્યું. તે દિવસે ભારે વરસાદ પડી રહ્યો હતો."

"નીચેથી પણ પાણી વધી રહ્યું હતું. થોડી વારમાં ઘરની દીવાલ તૂટી પડે. બાળકો રડવાં લાગ્યાં. મેં તરત એક ટેમ્પો બોલાવીને ખાવાપીવાનો થોડો ઘણો સામાન હતો તે લઈને બહાર નીકળી ગઈ."

"હવે તો દુકાન પણ નથી... શું કરીશ, કશું સમજાતું નથી."

ડૂબી ગયેલા ચીખલદામાંથી હવે તૂટેલાં મકાનો અને ભૂખ્યા શ્વાનના ભસવાના જ અવાજો આવે છે. શ્વાનને રડતા સાંભળતી ગાંધીજીની મૂર્તિ ગામના પ્રવેશદ્વારા પાસે જ ઊભી છે.

ઉજ્જડ થઈ ગયેલા વિકાસની પણ તે જાણે એક પ્રતિમા છે. આ વિકાસની કિંમત વર્તમાન ઉપરાંત આપણો સામૂહિક ભૂતકાળ પણ ચૂકવી રહ્યો છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો