આંધ્ર પ્રદેશની ગોદાવરી નદીમાં બોટ ડૂબી, 11 લોકોનાં મોત

આંધ્ર પ્રદેશના ઇસ્ટ ગોદાવરી જિલ્લાના દેવપટનમમાં ગોદાવરી નદીમાં બોટ ઊંધી વળી જવાની ઘટના બની છે. જેમાં 11 લોકોનાં મોત થયાં છે. જ્યારે 27ને ઈજા થઈ છે.

પ્રવાસીઓથી ભરેલી આ બોટમાં કુલ 61 લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.

એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો લોકોને બચાવવાના કાર્યમાં જોડાયેલી છે.

સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે બોટમાં 50 પ્રવાસીઓ હતા અને 11 બોટમૅન હતા.

અધિકારીઓના કહેવા પ્રમાણે જ્યાં આ દુર્ઘટના થઈ છે તેની આસપાસ જંગલ છે અને તેની સંપર્ક થવામાં સમય લાગ્યો હતો.

મુખ્ય મંત્રી જગનમોહન રેડ્ડી સરકારના મંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.

મુખ્ય મંત્રીએ પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને અધિકારીઓને ઝડપથી રાહત-બચાવ કામગીરી કરવા માટે આદેશ આપી દીધા છે.

રેડ્ડીએ અધિકારીઓને નેવીના હેલિકૉપ્ટરની મદદ લેવાની પણ સૂચના આપી દીધી છે.

તો થઈ જશે પાકિસ્તાનના ટુકડા : રાજનાથ સિંહ

સરંક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવું જોઈએ. જો આવું ન થયું તો કોઈ પણ તેને તૂટતાં નહીં અટકાવી શકે.

ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તેમના તરફથી લોકો નિયંત્રણ-રેખા પાર કરશે તો ભારતીય સૈન્ય તેમને પરત નહીં જવા દે.

રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પોતાના લોકોને યોગ્ય સલાહ આપી છે કે તેઓ નિયંત્રણ-રેખા પાર ન કરે, કારણ કે ભારતીય સૈન્ય તૈયાર છે અને તે તેમને પરત નહીં જવા દે.

12 બાળમજૂરો સહિત 94 બંધવા મજૂરોને છોડાવાયા

અમદાવાદમાં પોલીસે એક ફાર્મહાઉસમાંથી 12 બાળમજૂરો સહિત 94 બંધવા મજૂરોને છોડાવ્યા છે.

આસામ, નાગાલૅન્ડ અને પશ્ચિમ બંગાળના આ મજૂરો પાસે વળતર અપાયા વિના જ કામ કરાવવામાં આવતું હતું.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ આ મજૂરોમાંની જ એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી કે તેમને કઠવાડા જી. આઈ. ડી. સી.નાં વિવિધ કારખાનાંમાં જબરદસ્તી કામ કરાવવામાં આવી રહ્યું છે.

પીડિતોને અહીં કોઈ પણ પ્રકારનું વળતર કે રજાઓ નહોતી અપાતી. આ કેસમાં પોલીસ નરોડામાં રહેતા મુકેશ ભરવાડ, આસામના શિનોહીલ પુત્તી તેમજ નાગાલૅન્ડના હોતાન્બી ક્રિશ્ચનની ઓળખ કરી ચૂકી છે તેમજ ભરવાડની ધરપકડ થઈ ચૂકી છે.

ડીસીપી ઝોન-5ના અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે તેમના માટે પણ આ ઘટના આશ્ચર્યજનક હતી. મજૂરોએ તેમને જણાવ્યા મુજબ તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી આ સ્થિતિમાં કામ કરી રહ્યા હતા.

આરોપી મુકેશ ભરવાડનાં પત્ની નાગાલૅન્ડનાં હોવાનું પણ પોલીસતપાસમાં જાણવા મળ્યું છે. તેઓ નાગાલૅન્ડના લોકોને નોકરી અપાવવા માટેની એક કંપની ચલાવે છે, જે અંતર્ગત ત્રણ મહિનાના કૉન્ટ્રેક્ટ પર મજૂરોને ગુજરાતમાં લાવવામાં આવતા હતા.

2 ઑક્ટોબરથી ગુજરાતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ

મહાત્મા ગાંધીની 150મી જયંતીની ઉજવણીના ભાગરૂપે 2 ઑક્ટોબરથી ગુજરાત સરકાર 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક' પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે.

ગુજરાત દેશમાં સૌથી મોટું 'સિંગલ યૂઝ પ્લાસ્ટિક'નું ઉત્પાદક છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ સરકાર દ્વારા પ્લાસ્ટિક એકઠું કરીને તેને અલગ પાડવા માટેનો એક પ્લાન પણ શરૂ કરવામાં આવ્યો છે.

ગુરુવારે મળેલી કૅબિનેટની બેઠકમાં પ્લાસ્ટિકનાં ઉપયોગ અને ઉત્પાદન પર નિયંત્રણ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

2 ઑક્ટોબરથી મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ સહિત વિવિધ સંસ્થાઓ અને વિભાગો પ્લાસ્ટિક કલેક્શન સેન્ટર્સ શરૂ કરશે.

આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતીને માર મરાયો

અમદાવાદમાં એક દંપતીને ધોળા દિવસે માર મારવામાં આવ્યો હોવાની ઘટના ઘટી છે. આ ઘટના પાછળ આંતરજ્ઞાતિય લગ્ન જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ નવરંગપુરા પોલીસસ્ટેશનથી માત્ર 400 મિટરના અંતરે આ ઘટના ઘટી છે. યુવતીના પરિવારજનોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું અહેવાલ જણાવે છે.

માર મારીને પરિવારજનો યુવતીને પોતાની સાથે લઈ ગયા છે. અખબારના જણાવ્યા અનુસાર ચશ્માની દુકાન ચલાવતા ભાવિન અતુલ શાહ સાથે પલક દેસાઈનાં લગ્ન થયાં હતાં. પરંતુ જ્ઞાતિ અલગ હોવાથી પલકના પરિવારે આ લગ્નને મંજુરી આપી નહોતી.

પોલીસ યુવતીના અપહરણ પાછળ જીતુ દેસાઈ, વસુ રબારી અને જીગર દેસાઈનો હાથ હોવાનું માને છે, જોકે, હજુ સુધી પલકની ભાળ મળી શકી નથી.

યૂએનમાં બેઠક પહેલાં ટ્રમ્પ અને મોદી હ્યુસ્ટનમાં મળે તેવી શક્યતા

યૂએનની સામાન્ય સભા 22 સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે યોજાવા જઈ રહી છે. જે માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જઈ રહ્યા છે.

'ઇન્ડિયન એકેસ્પ્રેસ'ના અહેવાલ મુજબ પહેલાં તેઓ હ્યુસ્ટન જશે. જ્યાં એનઆરઆઈને સંબોધશે તેમજ યૂએસની ઍનર્જી કંપનીઓના સીઈઓ સાથેની પરિષદમાં ભાગ લેશે.

તેમના આ 'ઇન્ડિયન ડાયસ્પોરા' કાર્યક્રમમાં લગભગ 50 હજાર લોકો હાજર રહેશે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહે તેવી શક્યતા છે.

જો આવું થયું તો આ પ્રકારના કાર્યક્રમમાં હાજર રહેનારા ટ્રમ્પ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હશે.

સોનાનું ટૉયલેટ ચોરી

18 કૅરેટ સોનાનું બનેલું ટૉયલેટ ઑક્સફોર્ડશાયરના બ્લેનહૅમ પૅલેસમાંથી સવારે ચોરાઈ ગયું છે.

થેમ્સ વૅલી પોલીસના મતે એક ગૅંગ ઑક્સફોર્ડશાયરના આ પૅલેસમાં ઘૂસી અને આ કલાકૃતિ ચોરી ગઈ.

ગુરુવારે શરૂ થયેલા એક પ્રદર્શનમાં ઇટાલીના કલાકાર મોરિજિયો કેટેલનની આ રચના મુકવામાં આવી હતી.

હજુ સુધી ટૉયલેટ મળ્યું નથી પણ ચોરીના આરોપસર 66 વર્ષની એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો