TOP NEWS : ટ્રાફિકના નિયમોના દંડ મુદ્દે કેન્દ્ર અને ગુજરાત સરકાર સામસામે

ટ્રાફિક નિયમન કરાવતા પોલીસ

ઇમેજ સ્રોત, Getty Images

દેશભરમાં ટ્રાફિકના નવા નિયમોને લઈને ચર્ચા ચાલી રહે છે. કેટલાંક રાજ્યોમાં અમલ થયો છે, કેટલાંકે વિરોધ નોંધાવ્યો છે.

ગુજરાતમાં ભાજપનું શાસન છે અને મુખ્ય મંત્રી રૂપાણીની સરકારે ટ્રાફિકભંગ બદલ કરાતા દંડમાં કેટલોક ઘટાડો કર્યો છે.

ધ હિન્દુના અહેવાલ પ્રમાણે ટ્રાફિકના નિયમો અને તેના દંડની જોગવાઈને લઈને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર સામસામે આવી ગઈ છે.

કેન્દ્ર સરકાર મોટર વ્હિકલ (MV) સંશોધન અધિનિયમ 2019 લઈને આવી છે.

ગુજરાત સરકારના માર્ગ પરિવહન વિભાગે ટ્રાફિકના દંડમાં કેટલોક ઘટાડો કર્યો છે.

તેમજ કાયદામાં નિર્ધારિત દંડની રકમ સિવાય ઓછો દંડ રાજ્ય સરકારો લઈ શકે કે કેમ એ અંગે કાયદા મંત્રાલયનો અભિપ્રાય માગ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતે અમુક દંડમાં ઘટાડા સહિત કાયદો પસાર કર્યો છે તો અમુક રાજ્યોની સરકારોએ પણ આ દંડની રકમ ઓછી કરવા રજૂઆત કરી છે. પશ્ચિમ બંગાળે તો નાગરિકો પર બોજ પડે તેમ હોવાથી અમલ નહીં કરી શકીએ એમ પણ કહ્યું છે.

ભાજપ પ્રશાસિત રાજ્યોમાં પણ દંડની રકમ અંગે મતભેદ જોવા મળ્યો છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ ગુજરાતે દંડમાં ઘટાડા સહિત કાયદો પસાર કરતા નિવેદન આપ્યું હતું.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ એ મતલબનું નિવેદન આપ્યું હતું કે કેન્દ્ર સરકારે રજૂ કરેલા કાયદામાં સુધારો કરી અમલ કરવાનો રાજ્ય સરકારને અધિકાર છે. આ નિવેદન સાથે તેમણે અમુક જોગવાઈઓમાં દંડ ઓછો કરી કાયદો લાગુ કર્યો છે જે આગામી 16 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.

line

અર્થવ્યવસ્થા પાંચ અબજ ડૉલર સુધી પહોંચવાની આશા નથી

મનમોહન સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું કે જો દેશની અર્થવ્યવસ્થાની આ સ્થિતિ રહેશે તો 2024-25 સુધી દેશની અર્થવ્યવસ્થાને પાંચ અબજ ડૉલર સુધી લઈ જવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય સિદ્ધ થવાની ઉમેદ નથી.

મનમોહન સિંહે અર્થવ્યવસ્થાની મંદીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે સરકારને અર્થવ્યવસ્થાની મંદીનો અહેસાસ નથી એ ખતરનાક બાબત છે.

મનમોહન સિંહે કહ્યું કે રિયલ સ્ટેટ હોય કે કૃષિ ક્ષેત્ર- દરેક ક્ષેત્રમાં આવેલા ઘટાડાને કારણે અર્થવ્યવસ્થા સતત નીચે ગબડી રહી છે.

સાથે જ તેઓએ એમ પણ કહ્યું કે સરકારે જે વાયદાઓ કર્યા હતા એના પર કામ નથી થઈ રહ્યું અને સરકાર પાસે કોઈ યોજના હોવાના સંકેત પણ મળતા નથી.

line

દેશને મળશે નવું સંસદભવન

સંસદભવન

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે મોદી સરકારે નવા સંસદભવનને લઈને પોતાનો ડ્રીમ પ્લાન તૈયાર કરી દીધો છે.

મોદી સરકારની ઇચ્છા છે કે દેશ 15 ઑગસ્ટ, 2022માં જ્યારે પોતાનો 75મો આઝાદીદિન ઊજવે તો સાંસદો નવા સંસદભવન બેઠા હોય.

આ મામલે કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ જાહેર કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે.

આ અરજીમાં કંપનીઓ પોતાની ડિઝાઇન, બાંધકામ, પ્લાનિંગ વગેરે અંગે સરકારને જણાવશે.

નવું સંસદભવન બનશે એ નક્કી છે, પણ વર્તમાન ભવનને તોડીને બનાવાશે કે અલગથી નવું બનાવાશે એ નક્કી નથી.

મોદી સરકારના ડ્રીમ પ્લાનમાં માત્ર સંસદભવન નહીં પણ કેન્દ્ર સરકારનાં બધાં જ મંત્રાલય અને ઑફિસનો પણ સમાવેશ થાય છે.

line

દિલ્હીમાં સૌથી મોટો દંડ વસૂલાયો

દિલ્હીમાં ગત રાતે એક ટ્રક ડ્રાઇવર પાસેથી 2 લાખ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.

મોટર વ્હિકલ સંશોધન અધિનિયમ 2019 અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

મુકરબા ચોકથી ભલસ્વા તરફ જતાં હરિયાણાની નંબર પ્લેટવાળા ટ્રકના ડ્રાઇવર પાસેથી ઑવરલોડિંગના 56 હજાર, લાયસન્સ નહીં હોવાના 5 હજાર , રજિસ્ટ્રેશન સર્ટિફિકેટના 10 હજાર સહિત અલગઅલગ નિયમોના ભંગ બદલ 2 લાખ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ લાયસન્સ વિના ગાડી ચલાવવા પર 500 રૂપિયા દંડ હતો.

જ્યારે નવા નિયમ પ્રમાણે લાયસન્સ વિના ગાડી ચલાવવા પર હવે 5000 રૂપિયાનો દંડ ભરવો પડે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો