ગુજરાત સરકાર જે નાણાવટી પંચનો રિપોર્ટ વિધાનસભા રજૂ કરશે તેમાં શું છે?

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષ 2002ના ગુજરાત-રમખાણો મામલે કરાયેલી તપાસ અંગેનો નાણાવટી-મહેતા પંચનો અહેવાલ ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્ર દરમિયાન રજૂ કરશે.

ગુજરાતના પૂર્વ ડીજીપી આર. બી. શ્રીકુમારે દાખલ કરેલી જાહેરહિતની અરજી પર સરકારે સંબંધિત જવાબ આપ્યો છે.

સરકારે કહ્યું, 'આગામી બજેટ સત્રમાં આ અહેવાલ રજૂ કરવામાં આવશે.'

જોકે, પિટિશનર આર. બી. શ્રીકુમાર માને છે કે આ રીપોર્ટ તાત્કાલિક રજૂ થઈ જવો જોઈતો હતો.

આર. બી. શ્રીકુમારે આ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં PIL(પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન) કરીને નાણાવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માગણી કરી હતી.

તે પિટિશનનો જવાબ આપતા ગુજરાત રાજ્યના સૉલિસિટર જનરલ કમલ ત્રિવેદીએ શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં કહ્યું હતું કે ગુજરાત સરકારે આ વિશે નિર્ણય લઈ લીધો છે. તેઓ આર. બી. શ્રીકુમારે હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશન માટે સરકાર તરફથી રજૂઆતો કરી રહ્યા હતા.

નાણાવટી-મહેતા પંચના રિપોર્ટનો પહેલો ભાગ 25 સપ્ટેમ્બર 2009ના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.

જ્યારે રિપોર્ટનો બીજો ભાગ વર્ષ 2014માં રાજ્યનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેને આગામી બજેટ સત્રમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

જોકે, આ વિશે વાત કરતા શ્રીકુમારે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે Commission Of Inquiry Act-1952 પ્રમાણે કોઈ પણ કમિશનનો રિપોર્ટ સરકારમાં રજૂ થાય તેના 6 મહિનાની અંદર તે રિપોર્ટને વિધાનસભામાં ઍક્શન ટેકન રિપોર્ટની સાથે રજૂ કરવાનો હોય છે.

તેમણે કહ્યું કે 2014માં રિપોર્ટ રજૂ થયા બાદ એક વર્ષ સુધી જ્યારે રિપોર્ટ જાહેર ન થયો ત્યારે મેં 2015માં તે સમયનાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને પત્ર લખ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો.

શ્રીકુમારે પોતાની પિટિશનમાં જણાવ્યું હતું, "સામાન્ય રીતે કમિશનને જાહેર હીતમાં કામ કરવાનું હોય છે અને કમિશન પર ચોક્કસ જવાબદારીઓ પણ હોય છે."

"આ સ્થિતિમાં જો કમિશનનો અહેવાલ લોકો સુધી ન પહોંચાડવામાં આવે તો તે આખું કાર્ય નિષ્ફળ જાય. આ પિટિશન કરતા પહેલાં આવું જ કંઈક મારા મનમાં આવ્યું હતું."

શ્રીકુમાર એવું પણ માને છે કે આ રિપોર્ટ તાત્કાલિક ધોરણે રજૂ કરવાની જરૂર છે, આગામી બજેટ સત્રમાં એટલે કે 6 મહિના બાદ આ રિપોર્ટને જાહેર કરવા કરતાં અત્યારે જ રજૂ કરવાની જરૂર છે.

નાણાવટી કમિશને ગોધરા અને ત્યારબાદના કોમી તોફાનોની તપાસ કરી હતી, કમિશને પોતાની તપાસ બે તબક્કામાં કરી હતી.

પ્રથમ તબક્કામાં કમિશને ગોધરામાં ટ્રેન પર થયેલા હુમલાની તપાસ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એક પૂર્વાયોજિત હુમલો હતો.

જ્યારે રિપોર્ટના બીજા ભાગમાં કમિશને ગોધરા પછીનાં તોફાનોની તપાસ કરી હતી.

રિપોર્ટના બીજા ભાગ અંગે મીડિયા અહેવાલોમાં લખવામાં આવ્યું હતું કે રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપવામાં આવી હતી.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે તોફાનપીડિતોને યોગ્ય સમયે યોગ્ય મદદ આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સનાં સ્ટાનડર્ડ્સ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પહોંચાડવામાં આવી હતી.

શ્રીકુમારનું માનવું છે કે બીજા ભાગના રિપોર્ટને મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પછી જાહેર કરવા પાછળ સરકારનો શું ઇરાદો છે તે સમજાતું નથી.

નાણાવટી કમિશનને કુલ 24 ઍક્સટેન્શન મળ્યાં હતાં અને 12 વર્ષ સુધી તપાસ ચાલુ રહી હતી.

કમિશનની કામ કરવાની પદ્ધતિ અને તેના રિપોર્ટને લઈને ઘણા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

કર્મશીલ ગગન શેટ્ટીએ ગુજરાતના તોફાનપીડિતો સાથે કામ કર્યું છે.

નાણાવટી કમિશન વિશે વાત કરતા તેમણે કહ્યું, "આ કમિશને એક રીતે ધ્યાન હઠાવવાનું કામ કર્યું હતું."

"પીડીતોને આ કમિશનથી ઘણી આશાઓ હતી, પરંતુ લોકોને આ કમિશનથી કંઈ જ મળ્યું નથી.""નાણાવટી કમિશનથી લોકોને કોઈ આશા ન હતી, કારણ કે પહેલાંથી જ ખબર હતી કે તે આઈ-વોશની પ્રક્રિયા છે."

આ કમિશન સમક્ષ આર. બી. શ્રીકુમારે સોગંદનામુ રજૂ કર્યું છે, જેમાં તેઓ જે-તે સમયે ઇન્ટેલિજન્સ બ્યૂરોના ચીફ તરીકે ફરજ બજાવતા હતા અને ત્યારે તેમણે તોફાનોને લગતી માહિતી વિશે સરકારને અવગત કરી હતી તેમ જણાવ્યું હતું.

આ સિવાય સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે પણ કમિશન સમક્ષ ઍફિડેવિટ કરીને નરેન્દ્ર મોદીને તોફાનો માટે જવાબદાર ઠેરવ્યા હતા.

રિટાયર્ડ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ પણ કમિશન સમક્ષ તોફાનો સમયની કૉલ રેકર્ડની સીડી રજૂ કરી છે.

જો કે હવે તો બજેટ સત્રમાં જ ખબર પડશે કે આ રિપોર્ટમાં આમાંથી કઈ વસ્તુઓની નોંધ લેવાઈ છે.

આ મામલે ક્યારે-ક્યારે શું-શું થયું?

6 માર્ચ 2002 - ગુજરાત સરકાર દ્વારા નાણાવટી તપાસ કમિશન રચાયું

21 મે 2002 - કમિશનના સભ્ય તરીકે જસ્ટિસ કે. જી. શાહ નિમાયા. તેમના નિધન બાદ જસ્ટિસ અક્ષય મહેતા સભ્ય તરીકે નિમાયા અને જસ્ટીસ જી. ટી. નાણાવટી તેના ચૅરમૅન તરીકે નિમાયા.

સપ્ટેમ્બર 2009 - કમિશનના રિપોર્ટનો પહેલો ભાગ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના ડબ્બા નંબર 6ને બાળી દેવાની ઘટનાની તપાસનો અહેવાલ પહેલા ભાગમાં મુકાયો હતો. બીજા ભાગનો એટલે કે ગોધરા પછીનાં તોફાનો અંગેનો રિપોર્ટ સરકારને સુપ્રત નહોતો કરાયો.

18 નવેમ્બર 2014 - કમિશને પોતાનો બીજો રિપોર્ટ સરકારને સુપ્રત કર્યો. તોફાનો માટે જેમના પર આરોપ મુકાયા હતા તેવા નરેન્દ્ર મોદીને તેમાં કલીનચિટ અપાઈ હોવાનું મીડિયા અહેવાલોમાં પ્રકાશિત થયું.

18 નવેમ્બર 2015 - આર. બી. શ્રીકુમારે મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને પત્ર લખીને કમિશનનો રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી.

જુલાઈ 2019 - આર. બી. શ્રીકુમારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી કે નાણાવટી કમિશનનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ.

6 સપ્ટેમ્બર 2019 - એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટને જણાવ્યું કે બીજા ભાગનો રીપોર્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો