JIO FIBER: શું તેના આવવાથી ડિજિટલ માર્કેટમાં મૉનોપૉલીનું જોખમ વધી જશે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, મહેશ ઉપ્પલ
- પદ, નિયામક, કોમફર્સ્ટ
રિલાયન્સ દ્વારા કંપનીની 42મી વાર્ષિક સભામાં કેટલીક જાહેરાતો કરવામાં આવી. મુંબઈના બિરલા માતોશ્રી સભાખંડમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ તેમની મહત્ત્વાકાંક્ષી યોજના જિયો ફાઈબર વિશે આ વાતચીત કરી.
ભારતમાં ફાઇબર ઇન્ટરનેટ જગતમાં ધરખમ પરિવર્તન લાવવું તે કંપનીનું મુખ્ય ધ્યેય છે. અગાઉ કંપનીએ આ યોજનાને જિયો ગીગા ફાઈબર નામ આપ્યું હતું, જે હવે બદલીને જિયો ફાઇબર રાખવામાં આવ્યું છે.
આ યોજનાનો ઉદ્દેશ ઘરેઘરે ફાઈબર ઇન્ટરનેટની સગવડતા પૂરી પાડવાનો છે. જેમાં 100 MBPSથી લઈને 1 GBPS સુધીની સ્પીડ ગ્રાહકોને પ્રાપ્ત થશે.
તેની સાથે ગ્રાહકને ટીવી સેટટૉપ બૉક્સ અને લૅન્ડલાઈન કનેક્શન પણ આપવામાં આવશે.
સેટટૉપ બૉક્સને જિયો ફાઇબર સાથે જોડી શકાશે જેથી ટેલિવિઝન ચેનલો ઉપરાંત નેટફ્લિક્સ, ઍમેઝોન, જિયો સિનેમા જેવા ડિજિટલ પ્લેટફોર્મનો ગ્રાહક લાભ લઈ શકશે.
ઉપરાંત લૅન્ડલાઈન ફોન દ્વારા અનલિમિટેડ કૉલ થઈ શકશે.
કંપની ઇન્ટરનેશનલ કૉલની સેવાઓ ગ્રાહકોને સસ્તાદરે પૂરી પાડવા કટિબદ્ધ છે.
એજીએમ મિટિંગમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ ભારતીય ગ્રાહક મહિને 500 રૂપિયાના ભાવે અમેરિકા તેમજ કેનેડા અનલિમિટેડ કૉલ કરી શકશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એજીએમમાં કંપનીના ચૅરમૅન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, 'ગયા વર્ષે ભારતનાં 1600 શહેરોનાં પાંચ લાખ ઘરોમાં જિયો ફાઇબર ઇન્સ્ટૉલ કરવામાં આવ્યું અને કંપનીનું લક્ષ્ય બે કરોડ ઘરો સુધી આ સેવાઓ પહોંચાડવાનું છે.'
કંપનીનો દાવો છે કે, 'જિયો ફાઇબર માટે અંદાજે 15 કરોડ ગ્રાહકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.'
મુકેશ અંબાણીએ જિયો ફાઈબર પ્લાનની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે '700 રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીનો માસિક પ્લાન રહેશે.'
જિયોની ત્રીજી વર્ષગાંઠ એટલે કે 5 સપ્ટેમ્બરના રોજ જિયો ફાઇબરનું કૉમર્શિયલ લૉન્ચિંગ કરશે.

બ્રૉડબૅન્ડ સર્વિસમાં પરીવર્તન આવશે

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીની આ જાહેરાત બાદ કહી શકીએ કે આ યોજનાથી ભારતનું બ્રૉડબૅન્ડ જગત બદલાઈ જશે.
માત્ર બ્રૉડબૅન્ડની દુનિયામાં જ નહીં પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રી, ફિક્સ્ડ લાઇન ટેલિફોન ઇન્ડસ્ટ્રી, ઑનલાઇન ઇન્ટરનેટ અને તે પછી ઈ-કૉમર્સ ઇન્ડસ્ટ્રીમાં ધરખમ પરીવર્તનો જોવાં મળશે.
રિલાયન્સ એક મોટા ગજાની અને મહત્ત્વાકાંક્ષી કંપની છે, જે બધા પ્રકારના સ્રોતો ધરાવે છે, જેથી તે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો સિદ્ધ કરી શકશે.
જિયોએ ત્રણ વર્ષ પહેલાં જ્યારે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું ત્યારે તેનું સ્થાન ક્યાં હતું અને આજે ક્યાં છે, તે આપણે સૌ જાણીએ છીએ.
આજે આ કંપની ભારત દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની બની ગઈ છે, જે 34 કરોડ ગ્રાહકો ધરાવે છે.
ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં જિયોના આવ્યા બાદ ઘણી ટેલિકૉમ કંપનીઓ બજારમાંથી ફેંકાઈ ગઈ.
દાખલા તરીકે યુનિનોર, ઍરસેલ, એમટીએસ, રિલાયન્સ કૉમ્યૂનિકેશન જેવી કંપનીઓને તાળાં વાગી ગયાં છે. જ્યારે આઇડિયા અને વોડાફોન જેવી કંપનીઓને હાથ મિલાવવા પડ્યા છે.

સફળતાનું પુનરાવર્તન થશે?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
હવે સવાલ એ થાય છે કે, શું જિયો ફોનની જેમ જ જિયો ફાઇબર પણ સફળતાનું પુનરાવર્તન કરી શકશે?
મારું માનવું છે કે જિયો ફાઇબરનો વિસ્તાર જિયો ફોન જેટલો ઝડપી થવો મુશ્કેલ છે.
કારણ કે મોબાઈલનું સિમકાર્ડ બદલાવી નાખવું સરળ છે પરંતુ ઘરેઘરે ફાઇબર કેબલ પહોંચાડવા થોડા મુશ્કેલ છે.
જિયો ફાઇબરની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી.
એક વર્ષમાં આ સેવા જેટલાં ઘરો સુધી પહોંચી છે તેના આધારે અનુમાન કરી શકીએ છીએ કે ઘરેઘરે ફાઇબર સર્વિસ પહોંચાડવામાં કેટલી મુશ્કેલી પડશે.

સેવાદર પરવડશે ?

ઇમેજ સ્રોત, Getty Images
જિયો ફાઇબર ઇન્ટરનેટ, ટેલિફોનની સાથે સાથે ટીવી સેટટૉપ બૉક્સની પણ સુવિધા પૂરી પાડશે.
તેના લીધે અત્યાર સુધી ગ્રાહકોએ વાઈ-ફાઈ, ટીવી અને લૅન્ડલાઈન પાછળ અલગ-અલગ ખર્ચ કરવો પડતો હતો, તે હવે નહીં કરવો પડે.
જિયો કંપની સસ્તા દરે લોકોને સેવાઓ પૂરી પાડવા માટે જાણીતી છે.
આ સંજોગોમાં એ વાતને નકારી ન શકાય કે જિયોની આ સેવાની અસર DTH કંપનીઓ પર પડશે.
એટલું જ નહીં બીએસએનએલ જેવી કંપનીઓએ નુકસાન વેઠવું પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.
જે-જે ક્ષેત્રોમાં બીએસએનએલ સેવાઓ પૂરી પાડે છે, તે ક્ષેત્રોમાં જિયો ફાઇબર ઝંપલાવી રહ્યું છે એટલે લૅન્ડલાઈન ફોનના વપરાશકર્તાઓને પણ પોતાની તરફ આકર્ષશે.
બીએસએનએલ કંપની અત્યારે નબળા તબક્કામાંથી પસાર થઈ રહી છે.
કંપનીની સ્થિતિ હાલ બહુ આશાસ્પદ નથી પરંતુ તેનો વ્યાપ વિશાળ છે.
આ સંજોગોમાં જો તેને જિયો ફાઇબર તરફથી પડકારનો સામનો કરવાનો આવ્યો તો બીએસએનએલને સીધું નુકશાન થશે.

ઑનલાઈન સ્ટ્રીમિંગનું વિશ્વ બદલાઈ જશે

ઇમેજ સ્રોત, Getty Images
જિયો ફાઇબર દ્વારા ટીવી પર ઍપ પણ ચાલશે એટલે કે ડિજિટલ પ્લેટફૉર્મની વેબ સિરીઝ, ટીવી કાર્યક્રમો અને ફિલ્મો ટીવી પર જોઈ શકાશે.
જિયો ઍપ સહિતની ઍપનું માર્કેટ અત્યાર સુધી મોબાઈલ પૂરતું સિમિત હતું પણ હવે એ મર્યાદા દૂર થઈ જવાથી ઑનલાઈન સ્ટ્રીમિંગની દુનિયામાં મહત્ત્વના ફેરફાર જોવા મળશે.
જેમ-જેમ આ માર્કેટમાં તેજી આવશે તેમ-તેમ ફિલ્મ નિર્માણ કંપનીઓ પણ આ ક્ષેત્રમાં ઝંપલાવશે.
જિયો ફાઇબરની સ્પીડ 1 GBPS સુધીની રહેશે.
અત્યાર સુધી લોકો 4જી સ્પીડમાં વેબસીરીઝ જોતા હતા હવે જિયો ફાઇબરના આવ્યા બાદ હાઈ સ્પીડ ઇન્ટરનેટને લીધે ગ્રાહકોને હાઈ ક્વૉલિટી વ્યૂઈંગ ઍક્સપિરિયન્સ મળશે.
બફરિંગની માથાકૂટમાંથી છુટકારો મળશે.

મૉનોપૉલીનું જોખમ
જિયોએ ટેલિકૉમ સેક્ટરમાં પ્રવેશ મેળવતાની સાથે જ તેની વ્યૂહરચના મુજબ સસ્તા દરે સેવાઓ આપવાનું શરૂ કરી દીધું હતું, જેની અસર ઍરટૅલ, આઈડિયા જેવી મોટી-મોટી કંપનીઓ પર પડી હતી.
હવે જિયો ફાઇબરના આવવાથી ડીટીએચ, વાઈ-ફાઈ અને લૅન્ડલાઈન ટેલિફોન ઇન્ડસ્ટ્રી પર અસર પડશે તે દીવા જેવું સ્પષ્ટ છે.
આગામી સમયમાં કંપની ડિજિટલ માર્કેટ પર સંપૂર્ણપણે પોતાનું વર્ચસ્વ મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
આ સંજોગોમાં મૉનોપૉલીનું જોખમ વધશે. તે માટે સરકાર જાગૃત રહે તે જરૂરી છે.
સરકારી નિયામક-એકમોએ ગ્રાહકોના હિતમાં યોગ્ય પગલાં ઉઠાવવાં પડશે જેથી બજારમાં એક કરતાં વધુ કંપનીઓ એકબીજાની પ્રતિસ્પર્ધી રહે અને તંદુરસ્ત હરીફાઈ કરી શકે.
(બીબીસી સંવાદદાતા અભિમન્યુકુમાર સાહા સાથેની વાતચીતને આધારે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














