You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુકુલ વાસનિક : રાહુલ ગાંધી પછી બનશે કૉંગ્રેસ અધ્યક્ષ?
રાહુલ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું એ પછી દેશભરમાં નવા અધ્યક્ષ કોણ બનશે એની ચર્ચાએ જોર પકડ્યું.
આ પદ માટે જાહેરમાં કોઈએ અરજી કરી નહોતી, એટલે કૉંગ્રેસ અધ્યક્ષ માટે અનેક સંભવત: નામો આવવાં લાગ્યાં.
આ નામોમાં મોખરાનું નામ મુકુલ વાસનિકનું છે.
સૌથી યુવા સંસદસભ્ય તરીકે દિલ્હીમાં ઍન્ટ્રી
મુકુલ વાસનિકને દિલ્હીમાં મહારાષ્ટ્રના એક 'દલિત ચહેરા' તરીકે ઓળખવામાં આવે છે.
યુવા સંસદસભ્ય રહેલા મુકુલ વાસનિક કેન્દ્રીય મંત્રીમંડળમાં રહ્યા છે અને હાલમાં તેઓ કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ છે.
મુકુલ વાસનિકને રાજકીય વારસો પરિવારમાંથી મળ્યો, તેમના પિતા બાળકૃષ્ણ વાસનિક ત્રણ ટર્મ સુધી સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેઓ કૉંગ્રેસના વગદાર નેતા મનાતા હતા.
બુલડાણા લોકસભા બેઠક 2009 પહેલાં અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક હતી.
જ્યારે વિદર્ભમાં કૉંગ્રેસનું એકહથ્થું શાસન હતું, ત્યારે બાળકૃષ્ણ વાસનિકે બુલડાણા બેઠકથી ઉમેદવારી નોંધાવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પછી બુલડાણા બેઠકથી ઉમેદવારી કરવાની તક બાળકૃષ્ણ વાસનિકના પુત્ર મુકુલ વાસનિકને મળી.
પચીસ વર્ષની વયે તેઓ 1984માં ચૂંટાઈને લોકસભામાં ગયા, તે લોકસભામાં તેઓ સૌથી યુવાન સભ્ય હતા.
એક પછી એક જવાબદારી સોંપાઈ
સંસદસભ્ય બન્યા એ પછી મુકુલ વાસનિકને એક પછી એક જવાબદારીઓ સોંપવામાં આવી.
1985માં વાસનિકને કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સાથે જ દિલ્હીમાં તેમનું મહત્ત્વ વધ્યું અને રાષ્ટ્રીય રાજકારણમાં પણ તેમનો પ્રવાસ શરૂ થયો.
1991માં ફરીથી તેઓ લોકસભામાં ચૂંટાયા અને એ સાથે જ તેમની મંત્રીપદ મળ્યું. 34 વર્ષની વયે તેઓ કેન્દ્રીય મંત્રી બન્યા.
પી. વી. નરસિમ્હારાવના મંત્રીમંડમાં વાસનિકને 1993માં માનવસંસાધન મંત્રીનું પદ મળ્યું.
2009માં મુકુલ વાસનિક રામટેક બેઠકથી જીત્યા અને કેન્દ્રીય કૅબિનેટમાં તેમને મંત્રીપદ મળ્યું.
મનમોહન સિંઘની સરકાર વખતે મંત્રીમંડળમાં વાસનિકને કેન્દ્રીય સમાજિક ન્યાયમંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી.
2009માં તેમને કૉંગ્રેસના મહાસચિવનું પદ મળ્યું અને આજ સુધી તે આ પદ પર છે.
ગાંધી પરિવારનો વિશ્વાસ
1984માં ચૂંટાયા બાદ સંસદસભ્ય વાસનિકે દિલ્હીના રાજકીય વર્તુળમાં પોતાની જગ્યા કરી.
રાજીવ ગાંધી વડા પ્રધાન હતા એ વખતે મુકુલ વાસનિકનો દિલ્હીના રાજકારણમાં પ્રવેશ થયો હતો.
એ વખતથી તેઓ ગાંધી પરિવારની નજીક હોવાનું મનાય છે.
રાજીવ ગાંધી એ પછી સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધીના પક્ષે હોવું એ વાસનિકનું જમાપાસું છે.
મુકુલ વાસનિકની વય 59 વર્ષ છે, એ પણ તેમનું જમાપાસુ ગણી શકાય.
એક તરફ સચીન પાઇલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવા નેતા છે અને બીજી તરફ મલ્લિકાર્જુન ખડગે જેવા વરિષ્ઠ નેતાઓની તુલનામાં વાસનિક બરોબર વચ્ચે છે.
દૈનિક લોકમતની નાગપુર આવૃત્તિના નિવાસી તંત્રી ગજાનન જાનભોર કહે છે:
"નિષ્ઠાવાન અને મૃદુ સ્વભાવ મુકુલ વાસનિક એ તેમનાં જમાં પાસાં છે."
ભાજપમાં વક્તા અને પ્રવક્તાનું મહત્ત્વ હોય છે, જ્યારે કૉંગ્રેસમાં ઓછું બોલનાર અને શાંત રહીને કામ કરનારનું મહત્ત્વ વધારે હોય છે.
એ. કે. ઍંટની, અહમદ પટેલ, મોતીલાલ વોરા, જનાર્દન દ્વિવેદી સહિતના કૉંગ્રેસના મહત્ત્વના નેતાઓ જવલ્લે જ ટીવી ચૅનલ પર બેફામ ભાષામાં બોલતા દેખાશે.
વાસનિક માટે કપરા ચઢાણ
ગજાનન જાનભોર કહે છે, "એઆઈસીસીમાંથી એક જૂથ તેમનો વિરોધ કરે છે. સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી તરીકે તેમણે ઘણાં નોંધનીય કામો કર્યાં છે."
"અધ્યક્ષ બનવા માટે ગ્રાઉન્ડ લેવલ પર આક્રમક રીતે કામ કરવાની જરૂર છે, જેના માટે તેમને ખૂબ મહેનત કરવી પડશે."
જાનભોર કહે છે, "સીતારામ કેસરી પછી કૉંગ્રેસના અધ્યક્ષપદ પર કોઈ દલિત વ્યક્તિ આવી નથી."
"તેમને અધ્યક્ષપદ આપવાની માગ ઊઠી એનું એક કારણ એવું પણ છે કે મહારાષ્ટ્રમાં દલિત સમુદાયનો રાજકારણ પર પ્રભાવ છે."
મહારાષ્ટ્ર ટાઇમ્સના દિલ્હી પ્રતિનિધિ સુનીલ ચાવકે કહે છે, "કૉંગ્રેસ પક્ષ કેવી રીતે કામ કરે છે એની વાસનિકને ઝીણવટભરી માહિતી છે."
"દિલ્હીના રાજકારણનો તેમને યુવાવયથી અનુભવ રહ્યો છે."
"તેઓ લાંબા સમય સુધી મહાસચિવ પણ રહ્યા છે. પાર્ટીના સંગઠનમાં તેમની સારી પકડ છે."
"માત્ર ગાંધી પરિવાર જ નહીં પક્ષના દિગ્ગજ નેતાઓ સાથે પણ તેમના સારા સંબંધ છે."
"ગ્રાસરુટ સુધી તેમનો સંપર્ક ઓછો છે. તેથી વિવિધ રાજ્યોના કૉંગ્રેસ નેતાઓને સંભાળવા એ તેમના માટે મોટી કસરત હશે."
ચાવકે કહે છે, "કૉંગ્રેસમાં જ્યારે-જ્યારે ગાંધી પરિવાર બહારની વ્યક્તિ અધ્યક્ષ બની છે ત્યારે-ત્યારે પક્ષમાં વિદ્રોહ થયા છે."
"કૉંગ્રેસમાં ગાંધી પરિવાર પાસે જે અધિકારો છે તે વાસનિકને મળી શકવાના નથી."
વાસનિક કૉંગ્રેસના અધ્યક્ષ બનશે કે કેમ એ CWCની બેઠક પછી સ્પષ્ટ થશે. પણ જો વાસનિક અધ્યક્ષ બનશે તો તેમના માથે પહેલી જવાબદારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની આવશે.
તેઓ જે રાજ્યમાંથી આવે છે, ત્યાં કૉંગ્રેસની સ્થિતિ કંઈ બહુ સારી નથી.
કૉંગ્રેસની બાગડોર સંભાળીને મોદી-શાહના શક્તિશાળી વિજયરથ સામે કૉંગ્રેસને ફરી ઊભી કરવાની જવાબદારી પણ તેમના પર આવશે.
પણ કૉંગ્રેસ તેમને અધ્યક્ષ તરીકે સ્વીકારે છે કે કેમ એ જોવું રહ્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો