અનુચ્છેદ 370 નાબૂદી : 'ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં કાળો દિવસ'

    • લેેખક, રાધા કુમાર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાંચમી ઑગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિએ જાહેર કરેલો હુકમ અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડો જે રીતે દાખલ કરી દેવાયો તે આપણા લોકતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે અને બંધારણની અનેક જોગવાઈઓનો તેનાથી ભંગ થયો છે.

હું શા માટે આવું કહી રહ્યો છું? દુનિયાના બધા લોકતંત્રની જેમ આપણા લોકતંત્રમાં પણ અને બંધારણમાં પણ લોકોની ઇચ્છા સર્વોપરી હોય છે.

અહીં જે નિર્ણય લેવાયો છે તેની સીધી અસર રાજ્યના નાગરિકોને થશે.

સલામતીથી માટેની સેવાની બાબતો સુધીની સર્વ બાબતમાં વ્યાપક અસર થશે. આમ છતાં તેમને પૂછવામાં જ આવ્યું નથી.

તાત્કાલિક હજારો દળોને વિમાન માર્ગે ખીણમાં ઉતારી દેવાયા તેનાથી જુદો જ સંદેશ અપાયો કે તમારે વિરોધ કરવાની હિંમત કરવાની નથી.

સામાન્ય પ્રણાલી પ્રમાણે આવી નાટકીય અસરો ધરાવતા બંધારણીય સુધારા માટે સ્થાપિત પ્રણાલી પ્રમાણેની પ્રક્રિયા અપનાવવી જોઈએ.

સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વાટાઘાટો પછી ખરડાનો મુસદ્દો તૈયાર થવો જોઈએ; તે ખરડાને સંસદ અને રાજ્યના ધારાગૃહોમાં દાખલ કરવો જોઈએ; ત્યાં તેની લાંબા સમય સુધી તેની ચર્ચા થવી જોઈએ, સાંસદોને તે માટે જનમત કેળવવાનો સમય મળવો જોઈએ અને તેની જુદી-જુદી અસરો વિશે વિચારવા નાગરિકોને સમય મળવો જોઈએ. તે પછી જ તેને પસાર કરવા માટે મતદાન થવું જોઈએ.

આ કિસ્સામાં બધી જ પ્રણાલીઓને ઊંઘે માથે નાખી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિનો આદેશ કલમ 370ની બધી જ જોગવાઈઓને ભંગ કરે છે.

તેમાં સલામતી કરવામાં આવેલી જોગવાઈ કે તેમાં રાજ્યની બંધારણસભાની મંજૂરીથી ફેરફાર થવો જોઈએ તેને પણ ફગાવી દેવામાં આવી છે.

આ બંધારણસભાને 56 વર્ષ પહેલાં જ વિખેરી નાખવામાં આવી છે. તેના બદલે રાષ્ટ્રપતિએ આદેશ કર્યો કે આ બાબતને રાજ્યની ધારાસભા સમક્ષ લાવવો જોઈએ. રાજ્યની ધારાસભા તો છે જ નહિ, કેમ કે ત્યાં રાષ્ટ્રપતિનું શાસન લાગેલું છે.

સરકારનું બિનલોકશાહી પગલું

શાસક પક્ષના પ્રવક્તાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના આદેશ અનુસાર ગર્વનર ધારાસભાની જગ્યાએ કામગીરી કરી શકે છે, પરંતુ ધારાસભ્યો રાજ્યના લોકોએ ચૂંટેલા હોય છે, જ્યારે ગર્વનર ચૂંટાયેલા હોતા નથી.

તેમની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હોય છે અને તેઓ બિનકાશ્મીરી છે. તેઓ જમ્મુ અને કાશ્મીરના લોકોની ઇચ્છાનું પ્રતિનિધિત્વ ના કરી શકે અને તેમણે કરવું પણ ના જોઈએ.

બીજું, કેન્દ્ર સરકારે પણ જમ્મુ અને કાશ્મીર રાજ્યની પુનઃરચનાના ખરડા માટે પણ કોઈ નોટિસ આપી નહોતી. સંસદમાં ચર્ચા માટે યાદીમાં તેની નોંધ કરાઈ નહોતી.

રાજ્યસભામાં (ટૂંકી ચર્ચા બાદ) તેને પસાર કરી દેવાયો અને બાદમાં તેને નીચલા ગૃહ લોકસભામાં લાવવામાં આવ્યો.

ફરી એકવાર લોકતાંત્રિક સિદ્ધાંતોનો ભંગ થયો. પ્રથમ ચૂંટાયેલા સભ્યોએ ખરડો પસાર કરવો જોઈએ અને બાદમાં નિમાયેલા સભ્યોનો, પણ તેનો ભંગ થયો.

ગૃહપ્રધાને ખરડો દાખલ કરવા માટે કારણો આપ્યા તેની સામે પણ સવાલો થઈ શકે તેમ છે.

તેમણે એવું જણાવ્યું કે કલમ 370, રાજ્ય ભારતમાં જોડાયું તે માટેના ઇન્સ્ટ્રુમૅન્ટ ઑફ ઍસેશન (જોડાણ કરાર) સાથે સંબંધ ધરાવતું નથી.

કલમ 370 મારફત જ આ જોડાણ કરારની બધી જોગવાઈઓને ભારતીય બંધારણમાં દાખલ કરવાની હતી.

સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાયની તમામ બાબતોમાં બધા જ નિર્ણયો રાજ્ય સરકાર પાસે રહેશે તે અંગેની આ જોગવાઈઓ હતી.

જો જોડાણ કરારની આ જોગવાઈઓને આપણે કાઢી નાખીએ તો પછી જોડાણ અંગે જ સવાલો ઊભા થાય તે માટેનો માર્ગ આપણે મોકળો નથી કરી રહ્યા?

જોકે કેટલાકની દલીલ છે કે કલમ 370ને બંધારણમાંથી હટાવી દેવાઈ નથી.

તેની સામે અન્ય લોકો એવી દલીલ કરી શકે છે કે જોડાણ કરાર સાથે જોડાયેલી બંધારણીય જોગવાઈઓનો ભંગ કરવામાં આવે તો તેનો અર્થ એ થયો કે જોડાણ કરાર અને બંધારણ બંનેનો ભંગ થયો છે.

ટીવી પર મોટા ભાગના ઍન્કરોએ આ મુદ્દાઓને બાજુએ રાખી દીધા છે અને એવું જણાવી રહ્યા છે કે આ બે નિર્ણયોથી ભારત રાજ્યની 70 વર્ષ જૂની ઐતિહાસિક સમસ્યાને ઉકેલી શકશે.

રાજ્ય સાથેની અને રાજ્યની અંદર રહેલી સમસ્યાને ઉકેલી શકાશે, ખીણમાં નવેસરથી ઊભી થયેલી સુરક્ષાની બાબત સંભાળી શકાશે અને અર્થતંત્ર સુધારી શકાશે એમ કહેવાય રહ્યું છે.

આમાં 70 વર્ષ જૂના ઇતિહાસની વાત માત્ર જોડાણ કરાર અને કલમ 370ને સ્પર્શે છે.

સલામતીની વાત કરીએ તો સરહદ પારથી અને રાજ્યની અંદર નવેસરથી ખતરો ઊભો થયો છે તેવી સરકારની વાત સાચી હોઈ શકે છે.

જોકે ગુપ્તચર તંત્રે આપેલી માહિતી હું જાણતો નથી અને તે માહિતી આપવામાં આવી પણ નથી.

વ્યૂહાત્મક રીતે જરૂરી વિગતોને ખાનગી રાખીને અપાતી સામાન્ય પ્રકારની માહિતી પણ અપાય નથી.

સ્થિતિ નહીં સુધરે

કેન્દ્રમાંથી સીધા શાસનને કારણે સલામતી વ્યવસ્થા સુધરી જશે તેવી દલીલ પણ ખોટી છે. ગવર્નર શાસન કે રાષ્ટ્રપતિ શાસનનો અગાઉનો ઇતિહાસ તે વાતની ખાતરી આપતો નથી.

બીજું તેમાં એ બાબતનો વિચાર નથી કરાયો કે કેન્દ્રશાસિત વહીવટને કારણે શું થઈ શકે છે.

તેના કારણે કાશ્મીર ખીણ અને જમ્મુના મુસ્લિમ બહુમતી ધરાવતા (11માંથી 8) જિલ્લાઓમાં લોકોનો અસંતોષ અને રોષ ખૂબ વધી શકે છે.

તેના કારણે ઉદ્દામવાદને સમર્થન, આશરો અને મદદ - ઇશ્વરને પ્રાર્થના કે એવું ના થાય - પણ વધી શકે છે.

વિકાસ અને દેશના ઉદ્યોગો ત્યાં રોકાણ કરશે એવી વાતો થઈ રહી છે, પણ આપણું અર્થતંત્ર અત્યારે મુશ્કેલીમાં જ છે.

ભારતના ઉદ્યોગગૃહો અત્યારે ભારતના શાંત રાજ્યોમાં પણ રોકાણ કરવા માટે અચકાય રહ્યા છે, ત્યારે જમ્મુ અને કાશ્મીરની તો વાત જ જવા દો.

ઐતિહાસિક પુરાવાઓ એવું બતાવે છે કે અગાઉની સરકારે કલમ 370 ખોખલી સાબિત થાય તેવું કરવા માટે લીધેલા નિર્ણયો, (કે જે હાલના હિંમતભર્યા નિર્ણય કરતાંય આકરા હતા) તેના કારણે ઉલટાના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો તંગ બન્યા હતા.

તેના કારણે જ આગળ જતા 1990ના દાયકામાં સશસ્ત્ર ઉગ્રવાદને પ્રોત્સાહન મળ્યું હતું. તેની હવા ધીમે-ધીમે શમી જવામાં 15 વર્ષ લાગ્યા હતા.

આપણા સુરક્ષા દળો થોડા સમય માટે કાશ્મીરના રોષને દબાવી રાખવામાં સફળ થશે, પણ કેટલો લાંબો સમય અને કેટલા સુરક્ષા દળો આપણે ત્યાં રાખી શકીશું?

ઐતિહાસિક પુરાવા એવું પણ દર્શાવે છે કે 2000થી 2010 દરમિયાન કાશ્મીરીઓમાં ફરી આશા જાગી હતું, તેનું કારણ કાશ્મીરી અસંતુષ્ટો થતી વાતચીત હતી.

રાજ્ય સરકારને વધારે સત્તા, સરકારી તંત્રમાં સુધારા, નાગરિકોને રોજબરોજનું નડતર દૂર કરનારી વધારે સારી આધુનિકીકરણ સાથેની સલામતી વ્યવસ્થા તે બધાને કારણે આશાનો સંચાર થયો હતો.

દેશમાં આ પગલાંને લોકોમાંથી અને મીડિયામાંથી સમર્થન મળી રહ્યું છે તે જોતા એવું લાગે છે કે આપણે ઇરાદાપૂર્વક હકીકતોની જગ્યાએ પ્રચારને સ્વીકારી રહ્યા છીએ.

આ પગલાંથી સૌથી વધુ અસર જેમને થઈ છે, તે રાજ્યના લોકો શું ઇચ્છે છે તેની કોઈ ચિંતા કરી રહ્યા નથી.

એટલા જ દુખની વાત એ છે કે આપણે મૂળભૂત લોકતાંત્રિક ધારાધોરણો અને સિદ્ધાંતોને પણ કોરાણે મૂકી રહ્યા છીએ.

શું આપણે ખરેખર એવું માની શકીએ કે કા પ્રક્રિયા માત્ર જમ્મુ અને કાશ્મીર પૂરતી મર્યાદિત રહેશે? બિલકુલ નહીં.

હું ખોટો છું એવું સાબિત થઈ શકશે તો મને આનંદ થશે. પણ અત્યાર સુધીમાં સરકારના એક પણ પ્રવક્તાએ આ સવાલોનો યોગ્ય પ્રતિસાદ આપ્યો નથી.

(રાધા કુમારયૂપીએના કાર્યકાળમાં કાશ્મીર અંગે એક કમિટી બની હતી, જેમાં તેઓ સભ્ય હતાં. પેરેડાઇઝ ટ વૉરઃ અ પોલિટિકલ હિસ્ટરી ઑફ કાશ્મીર પુસ્તકના લેખિકા છે. આ લેખિકાના અંગત વિચાર છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો