કાંકરિયા : અમ્યુઝમૅન્ટ પાર્કમાં તમે જે રાઇડમાં બેસો છો એની ચકાસણીની જવાબદારી કોની છે?

કાંકરિયાની તૂટી પડેલી રાઇડ

ઇમેજ સ્રોત, SAGAR D PATEL

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

કાંકરિયાના અમ્યુઝમૅન્ટ પાર્કની ઘટનાના એક દિવસ બાદ એક તરફ એલ. જી. હૉસ્પિટલમાં અકસ્માતનો ભોગ બનેલા લોકોના ઘા હજી રુઝાયા નથી. ત્યારે બીજી તરફ આ ઘટનાની જવાબદારી લેવાની જગ્યાએ ગુજરાત સરકારના અધિકારીઓ એકબીજા પર આરોપો મૂકવામાં વ્યસ્ત છે.

અધિકારીઓની વાત પરથી લાગે છે કે આ પ્રકારના અમ્યુઝમૅન્ટ પાર્કનાં યાંત્રિક સાધનોની મરામતની જવાબદારી માત્ર ખાનગી સંચાલકો પર જ છે અને તેની ચકાસણી કરવા માટે કોઈ સરકારી ખાતું જવાબદાર નથી.

આ સમયે સવાલ એ થાય છે કે નાગરિકો જે રાઇડમાં બેસે છે એની સલામતની જવાબદારી આખરે કોની છે અને કેવી રીતે નક્કી થાય છે.

કાંકરિયા સ્થિત સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ચલાવાતી ડિસ્કવરી રાઇડ 2015થી કાર્યરત છે અને તેનું ઇન્સ્પેક્શન છેલ્લે ડિસેમ્બર 2018માં થયું હતું.

ત્યારબાદ તેનું લાઇસન્સ રિન્યૂ કરવામાં આવ્યું હતું અને તેની અવધિ ડિસેમ્બર 2019 સુધીની કરાઈ હતી.

જોકે, દર મહિને આ સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે યંત્રોનું ઇન્સ્પેક્શન કરતી તેનો રિપોર્ટ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના અમદાવાદ કચેરીના કાર્યપાલક ઇજનેર જી. એ. માલિવાડને સોંપતી.

આ સિવાય આ રિપોર્ટ મ્યુનિસિપલ કૉર્પોરેશનને સોંપવામાં આવે છે. સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પાર્કે પોતાનો છેલ્લો રિપોર્ટ 6 જુલાઈ, 2019ના રોજ સુપરત કર્યો હતો.

line

કોનો શું રોલ હતો?

કાંકરિયાની તૂટી પડેલી રાઇડ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કાંકરિયા તળાવ પાસેની સરકારી જમીન સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને અમ્યુઝમૅન્ટ પાર્ક ચલાવવા માટે આપી હતી.

ટૅન્ડર દ્વારા થયેલી આ પ્રક્રિયા મુજબ અમ્યુઝમૅન્ટ પાર્કનો 10 ટકા નફો એએમસીને આપવામાં આવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ સરકારી જમીન અમ્યુઝમૅન્ટ પાર્ક ચલાવવા માટે આપી હોવાનો સ્વીકાર કર્યો હતો.

દુર્ઘટના અંગે નેહરાએ કહ્યું, "એએમસી પાસે તેવી કોઈ સગવડ કે આવડત નથી કે તે આ યંત્રોની ચકાસણી કરી શકે."

"અમારી પાસે કોઈ એવું ખાતું કે એવા મિકૅનિકલ એન્જિનિયર પણ નથી જે આ પ્રકારના અમ્યુઝમૅન્ટ પાર્કનાં યંત્રોની ચકાસણી કરી શકે."

જોકે, તેમણે ઉમેર્યું હતું કે આ ઘટના બની એના ગણતરીના કલાકોમાં એએમસીના કર્મચારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને લોકોને સમયસર દવાખાને ખસેડ્યા હતા.

line

ઇન્સ્પેક્શનની જવાબદારી કોની?

કાંકરિયાની તૂટી પડેલી રાઇડ

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના પ્રમાણપત્ર બાદ જ સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પાર્કને પોલીસે લાઇસન્સ આપ્યું હતું.

આખા ગુજરાતમાં થતાં કોઈ પણ મેળા, અમ્યુઝમૅન્ટ પાર્ક, ફનફેર, રાઇડ્સ વગેરે જેવા કાર્યક્રમોને માર્ગ અને મકાન વિભાગ પ્રમાણપત્ર આપે છે.

આ પ્રમાણપત્રના આધારે પાર્કના સંચાલકો પોલીસ ખાતામાં લાઇસન્સ માટે અરજી કરી શકે છે.

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરી એસ. બી. વસાવા કહે છે, "અમે તો માત્ર મશીન ઇન્સ્ટૉલ થતું હોય ત્યારે એક પ્રમાણપત્ર આપીએ છીએ. આ કંપનીને અમે પ્રમાણપત્ર આપ્યું હતું, પરંતુ તેનું ઇન્સ્પેક્શન અમારી જવાબદારી નથી."

"આ ઇન્સ્પેક્શન તો જે સંસ્થા લાઇસન્સ આપતી હોય (એટલે કે આ ઘટનાના સંદર્ભમાં પોલીસ વિભાગ) તેની હોય છે. ડિસ્કવરી નામની આ રાઇડનું ઇન્સ્પેક્શન માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ષ 2015માં થયું હતું."

જોકે, વસાવાએ એવું પણ કહ્યું કે જો આ પ્રકારની રાઇડના સંચાલક અને મૅન્યુફૅચરરની જરૂરિયાત હોય તો, તેઓ સમયાંતરે ઇન્સ્પેક્શન કરતા હોય છે, પરંતુ ડિસ્કવરી રાઇડ માટે આવી કોઈ જરૂરિયાત નહોતી."

line

આરોપ-પ્રત્યારોપ

કાંકરિયા

અમદાવાદ શહેર પોલીસનો ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અમ્યુઝમૅન્ટ પાર્ક અને રાઇડનાં લાઇસન્સ આપતો હોય છે.

આ લાઇસન્સ માર્ગ અને મકાન વિભાગનાં પ્રમાણપત્ર, ફાયર ઍન્ડ ઇમર્જન્સી સર્વિસના NOCના આધારે આપવામાં આવે છે.

આ મુદ્દે બીબીસી સાથે વાત કરતાં અમદાવાદ શહેર ટ્રાફિક શાખાના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ જે. આર. મુથલિયા કહે છે કે સરકારના માર્ગ અને મકાન વિભાગે વખતોવખત યાંત્રિક ચકાસણીઓ કરવી જોઈએ.

તેમણે કહ્યું, "અમે માર્ગ અને મકાન વિભાગનાં યાંત્રિક સાધનોના રિપોર્ટને માન્ય રાખીને લાઇસન્સ આપીએ છીએ. અમ્યુઝમૅન્ટ પાર્કને લાઇસન્સ આપવાની સત્તા શહેર પોલીસની લાઇસન્સ શાખા પાસે છે."

સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 6 જુલાઈના રોજ ઇન્સ્પેક્શન કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટૅન્ડરની શરતો પ્રમાણે સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ પાર્કે દર અઠવાડિયે સોમવારે પોતાના જ એક મિકૅનિકલ એન્જિનિયર દ્વારા તમામ યંત્રોની ચકાસણી કરાવવાની હોય છે.

ચકાસણીનો માસિક રિપોર્ટ એએમસીને દર મહિને સુપરત કરવાનો રહેશે. આ અમ્યુઝમૅન્ટ પાર્ક જ્યાં કાર્યરત હતો તે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની જગ્યા છે, જેના સુપરિન્ટેન્ડેન્ટ આર. કે. સાહુ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સાહુ કહે છે, "6 જુલાઈના રોજ અમને જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો તેમાં જણાવ્યું છે કે નટ-બોલ્ટ બદલવાની જરરૂર હતી અને તે તેમણે બદલી નાંખ્યા છે."

"જોકે, પ્રાથમિક તપાસથી એએમસીના અધિકારીઓને જાણવા મળ્યું કે આ ઘટના નટ-બોલ્ટને કારણ નહીં, પરંતુ આખી રાઇડ તૂટી જવાને કારણે ઘટી છે."

સાહુએ વધુમાં ઉમેર્યું, "આ રિપોર્ટ અમારી પાસે આવે છે, પરંતુ અમારી પાસે તેને ક્રૉસ-ચેક કરવા માટે કોઈ ટેકનિકલ સ્ટાફ નથી. બીજું કે અમારી પાસે કોઈ મિકૅનિકલ એન્જિનિયર પણ નથી."

તેમણે એવું પણ જણાવ્યું કે કંપનીના અગાઉના રિપોર્ટમાં ક્યાંય પણ એવી વાતનો ઉલ્લેખ નથી જેનાથી આ પ્રકારના અકસ્માતનો અંદાજ આવી શકે.

તેમનું કહેવું છે, "આ રિપોર્ટમાં દર્શાવેલી માહિતીઓ અમને ખોટી લાગી અને ત્યારબાદ એએમસીએ પોતે ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ કરી."

line

શું કહે છે મિકૅનિકલ એન્જિનિયર?

કાંકરિયા

આ વિશે વાત કરતા એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. એન. એમ. ભટ્ટ કહે છે કે આ પ્રકારની રાઇડમાં રિલેટિવ મોશનનો સિદ્ધાંત કામ કરે છે. આવી વિશાળ રાઇડ સતત ફરતી રહેતી હોય તો સ્વભાવિક છે કે તેનાં યંત્રોમાં ઘસારો વધતો જાય."

ભટ્ટ ઉમેરે છે, "ડિસ્કવરી રાઇડ પ્રકારના મૅટલ સ્ટ્રક્ચરમાં રૉડ અથવા ક્રેમ્પ ઘસાઈ જવાથી મૅટલની જાડાઈ ઓછી થઈ જાય છે જેથી તેની મજબૂતી ઘટી જાય અને સમયાંતરે તે વજન ઉઠાવવાની ક્ષમતા ગુમાવી દે છે."

"આ પ્રકારની રાઇડમાં જરૂરી છે કે રૉડ તેમજ ક્રેમ્પ જેવાં મૅટલનાં યંત્રોની જાડાઈ સમયાંતરે ચકાસવામાં આવે. જો કોઈ રૉડના ઘસારાના કારણે તેનું ડાયામિટર ઓછું થઈ જાય તો સમજવું કે તેની ક્ષમતા ઘટી ગઈ છે."

"આ સમયે તુરંત જ આ પ્રકારની રાઇડ બંધ કરી દેવી પડે. આ પ્રકારની રાઇડનાં યંત્રોનું ખાસ કરીને રૉડ તેમજ ક્રેમ્પનું ઇન્સ્પેક્શન ત્રણથી છ મહિનામાં થવું જરૂરી છે.

જોકે, કાંકરિયાના કેસમાં આ રાઇડ જ્યારે ફિટ કરવામાં આવી ત્યારે 2015માં અને તે પછી 2018 ડિસેમ્બરમાં ચકાસણી કરવામાં આવી હતી.

line

પોલીસ તપાસ

કાંકરિયા

આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં IPC 304 અને 114ની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે અને હજી બીજા લોકોની ધરપકડ કરી શકે છે.

સોમવારે એફએસએલની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માતનાં કારણો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, બીબીસી ગુજરાતીએ જ્યારે ધરપકડ કરાયેલી વ્યક્તિઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો પોલીસે વાત કરવા દીધી નહોતી.

સુપરસ્ટાર અમ્યુઝમૅન્ટ કંપનીના ડિરેક્ટર ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, કંપનીના મૅનેજર તુષાર ચોક્સી, ડિસ્કવરી રાઇડના ઑપરેટર વિકાસ લાલા, કિશન મોહંતી તેમજ હેલ્પર મનીષ વાઘેલાની પોલીસે ધરપકડ કરી છે.

જોકે, હજી સુધી કોઈ પણ સરકારી અધિકારીનું નામ પોલીસ ચોપડે નોંધાયું નથી.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો