મ્યુરલ આર્ટ દ્વારા રાજકોટની દીવાલો ઉપર રંગ પૂરતા પિતા-પુત્ર

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, બિપીન ટંકારિયા
- પદ, બીબીસી ગુજરાતી માટે
સામાન્ય રીતે આવાસ યોજનાની દીવાલોની વાત આવે એટલે એક જ પ્રકારના રંગે રંગાયેલી સામાન્ય પ્રકારની શુષ્ક અને રંગ'હીન' દીવાલોની કલ્પના થાય. પરંતુ રાજકોટની બે આવાસ યોજનાઓ કંઈક અલગ જ ભાત ઉપસાવે છે.
અહીં પિતા-પુત્રની જોડી આવાસ યોજનાની બેરંગ દીવલો ઉપર મ્યુરલ આર્ટ દ્વારા રંગ ભર્યા છે. આ પેઇન્ટિંગ્સનું કદ 75 ફૂટ * 20 ફૂટ જેટલું છે.
જેના દ્વારા 'જળ એ જ જીવન', 'સ્કૂલ ચલે હમ', 'વૃક્ષો વાવો, વરસાદ લાવો' અને 'પ્રદૂષણ નિયંત્રણ' જેવા સંદેશ આપવાનો પ્રયાસ થયો છે.
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીનું કહેવું છે કે 'ચિત્રો દોરવાં પાછળ કૉર્પોરેશનને કોઈ ખર્ચ નથી થયો તથા યોજનાનું કામ કરનારી એજન્સીએ જ ખર્ચ ભોગવ્યો છે.'

પિતા, પુત્ર અને પીંછી

ઇમેજ સ્રોત, Bipin Tankaria


ઇમેજ સ્રોત, RMC
મૂળ મહેસાણાના સુધીર ગોહિલે મવડી રોડ ઉપર આવેલી બે આવાસ યોજનાઓની દીવાલો ઉપર ચિત્ર દોર્યાં છે. આ કામમાં તેમને 17 વર્ષીય પુત્ર ઋતિકકુમાર પણ સાથ આપે છે.
ગોહિલ કહે છે, "આટલી ઊંચાઈએ પેઇન્ટિંગનું કામ કરવું પડકારજનક કામ છે. આ સિવાય હવા પણ ચિત્રને બગાડી શકે છે."
આ માટે તેઓ કડિયાકામ તથા બાંધકામના સામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટનો ઉપયોગ કરે છે.
ગોહિલ પિતા-પુત્રે આઠ ઇમારતમાં સાત માળની દીવાલો ઉપર ચિત્ર બનાવ્યાં છે. એક ચિત્ર બનાવવા માટે બેથી ત્રણ દિવસનો સમય લાગે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ગોહિલ પિતા-પુત્રની આર્થિક સ્થિતિ સામાન્ય છે. ઋતિકે ધો.10 સુધી અભ્યાસ કર્યો છે. પિતા ફી નહીં ભરી શકતા તેમણે અભ્યાસ છોડવો પડ્યો હતો.
ગોહિલ કહે છે કે તેઓ ચિત્ર અને રંગકામનું કામ કરીને છૂટક રીતે આજીવિકા રળે છે. આ ચિત્ર તેમણે ટોકન એમાઉન્ટમાં બનાવ્યાં છે.
ગોહિલ ત્રણેક વર્ષથી રાજકોટની દીવાલો ઉપર રંગ ભરી રહ્યા છે. તેમણે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત અનેક સરકારી ઇમારતોની દીવાલો ઉપર પણ ચિત્રો દોર્યાં છે.

Mural વિરુદ્ધ Graffiti

ઇમેજ સ્રોત, Bipin Tankaria
કૉર્પોરેશનનાં સિટી એંજિનયર (હાઉસિંગ) અલ્પના મિત્રાના કહેવા પ્રમાણે, "કોરી ઊંચી દિવાલો શુષ્ક લાગતી હતી, એટલે તેની સાથે કંઈક 'હટકે' કરવાનો વિચાર આવ્યો, જેમાંથી આ પ્રોજેક્ટનો જન્મ થયો."
પશ્ચિમી વિશ્વમાં ઇમારતોની દીવાલ ઉપર ચિત્ર દોરવાની કળા ખૂબ જ પ્રચલિત છે જેને મ્યુરલ આર્ટ તરીકે ઓળખવામાં આવે છે.
ગોહિલના કહેવા પ્રમાણે, "ઇમારતો ઉપર વૉટરપ્રૂફ કલરથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, જેની ઉપર વરસાદની અસર થતી નથી અને આ પ્રકારનાં ચિત્રોનું આયુષ્ય અંદાજે 10 વર્ષ સુધી ટકી રહે છે."
જો કોઈ માલિકની મંજૂરી વિના ઇમારતની દીવાલો ઉપર કોઈ ચિત્ર દોરવામાં આવે કે લખાણ લખવામાં આવે તો તેને ગ્રૅફિટી (Graffiti) તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે સામાજિક કે રાજકીય મુદ્દે આક્રોશ ઠાલવવા કે વિચારો અભિવ્યક્ત કરવા તેનો ઉપયોગ થાય છે.

ઘર : ધરતીનો છેડો

ઇમેજ સ્રોત, RMC


ઇમેજ સ્રોત, Bipin Tankaria
રાજકોટના મવડીમાં અંબિકા ટાઉનશિપ રોડ ઉપર આર્થિક રીતે પછાત વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ (1176 ઘર) તથા સ્લમ રિડેવલપમૅન્ટ પ્રોજેક્ટ હેઠળ ભારતનગર 7-બી (314 ઘર તથા 20 દુકાન)નું નિર્માણ કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે આવેદન મળ્યાં છે અને દિવાળી પૂર્વે લાભાર્થીઓને ફાળવણી કરી દેવાની કૉર્પોરેશનની યોજના છે.
આ ટાઉનશિપમાં લગભગ છ હજારથી વધુ લોકો રહેવા આવશે, તેવો અંદાજ છે.
તા. 20મી જુલાઈએ મુખ્ય મંત્રી વિજય રુપાણી દ્વારા ભારતનગર 7-બીનું લોકાર્પણ કરવામાં આવશે. લગભગ 1600થી વધુ રહેવાસીને તેનો લાભ મળશે.
રુપાણી રાજકોટ પશ્ચિમ બેઠક ઉપરથી ધારાસભ્ય છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












