ગુજરાતમાં જ્યારે મગર પરની આસ્થાને કારણે લોકો વનવિભાગ સામે સંઘર્ષમાં ઊતર્યા

ઇમેજ સ્રોત, Daxesh Shah
- લેેખક, દક્ષેશ શાહ
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહિસાગર જિલ્લાના કોઠંબાની પાસે આવેલા પાલા ગામે ખોડિયાર મંદિરમાં મગર પ્રવેશી ગયો હતો, જેના 'દર્શન' માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. લોકોની આસ્થાને કારણે મગરના રૅસ્ક્યૂ ઑપરેશનમાં અવરોધ ઊભો થયો હતો.
મળતી માહિતી પ્રમાણે, શનિવારે મોડી રાત્રે સ્થાનિક યુવકોને અંદરથી અવાજ સંભળાયો હતો. જ્યારે તેઓ અંદર પ્રવેશ્યા અને જોયું તો ત્યાં મગર દેખાયો હતો.
લોકોએ આ ઘટનાને આસ્થા સાથે જોડી હતી અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા.
જોકે, વન વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મગર જોવા મળે છે અને આ સમગ્ર ઘટનાક્રમ 'અસામાન્ય' નથી.

મંદિરમાં મગર ઉશ્કેરાયો

ઇમેજ સ્રોત, Daxesh Shah
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઠંબા પાસે પાલામાં લગભગ 200 વર્ષ જૂનું ખોડિયાર માતાનું મંદિર આવેલું છે.
જ્યાં બે દિવસ અગાઉ જ ચોરી થઈ હતી. શનિવારે અંદરથી અવાજ આવતા સ્થાનિક યુવકોને ફરીથી ચોર પ્રવેશ્યા હોવાની શંકા ગઈ હતી.
યુવકોએ અંદર પ્રવેશીને જોયું તો મૂર્તિ પાસે 'ઘડિયાલ' પ્રજાતિનો મગર જોવા મળ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખોડિયાર માતાનું વાહન મગર હોવાથી આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પૌરાણિક મંદિરમાં મગરનાં 'દર્શન' કરવા માટે આવ્યા હતા.
લોકએ મગરને ઘી, અબીલ, ગુલાલ અને હાર સહિતની ચીજો ચડાવી અને આરતી કરી હતી. સેંકડો લોકોની ભીડ તથા પૂજા સામગ્રીને કારણે મગર ઉશ્કેરાઈ ગયો હતો.

ક્યાંથી આવ્યો મગર?

ઇમેજ સ્રોત, Daxesh Shah
મંદિરમાં પ્રવેશ અંગે વન વિભાગને જાણ થઈ હતી, જેના પગલે લુણાવાડાના ઇન્ચાર્જ ફૉરેસ્ટ ઓફિસર રોહિત પટેલના નેતૃત્વમાં એક ટીમ મગરના રૅસ્ક્યૂ માટે પહોંચી હતી.
પટેલના કહેવા પ્રમાણે, "આ માદા મગર 'ઘડિયાલ' પ્રજાતિની હતી. લગભગ છ ફૂટની માદા મગરનું વજન અંદાજે 17 કિલોગ્રામ હતું."
વન વિભાગના અંદાજ મુજબ મગરની ઉંમર આશરે ત્રણ વર્ષ હશે. મંદિરની પાસે તળાવ આવેલું છે. મગર ત્યાંથી આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
પટેલનું કહેવું છ કે 'આ વિસ્તારમાં આ રીતે મગરનું માનવસતિમાં આવી જવું 'અસામાન્ય' નથી.
તેમણે કહ્યું, સરેરાશ દર અઠવાડિયે એક મગરનું રૅસ્ક્યૂ હાથ ધરવામાં આવે છે, પરંતુ ખોડિયાર માતાના મંદિરમાં ચોરી બાદ મગરના પ્રવેશને કારણે લોકોએ સમગ્ર ઘટનાને આસ્થા સાથે જોડી હતી.'

મંદિર, મગર અને રૅસ્ક્યૂ
મગર આસ્થાનો વિષય હોવાથી વન વિભાગે બચાવ કામગીરીમાં સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
તેઓ મગરને મંદિરમાંથી બહાર કાઢવા દેવા તૈયાર ન હતા, પરંતુ લગભગ બે કલાકની વન વિભાગની સમજાવટના અંતે મંદિરથી લગભગ 100 મીટર દૂર આવેલા તળાવમાં મગરને છોડવા માટે સ્થાનિકો તૈયાર થયા હતા.
સ્થાનિકોના કહેવા પ્રમાણે, તળાવમાં અન્ય બે-ત્રણ મગર પણ રહે છે અને હવે આ 'પવિત્ર મગર' પણ તેમની સાથે જ રહેશે.
વન્ય જીવ સંરક્ષણ ધારા, 1972ના શિડ્યુલ એક હેઠળ મગરને સંરક્ષિત પ્રજાતિ હેઠળ મૂકવામાં આવ્યા છે.
નિષ્ણાતો કહે છે કે મગરને જ્યાં છોડી દેવામાં આવે ત્યાં તેઓ રહેતા નથી. તે પોતાના મૂળ નિવાસે પરત ફરવા કોશિશ કરતા હોય છે. તેના કારણે માર્ગમાં વચ્ચે નિર્દોષ લોકોનો ભેટો થઈ જાય તો તેમના પર જોખમ ઊભું થઈ શકે છે.
આ વિસ્તારમાં મગર અને મનુષ્ય વચ્ચે થઈ રહેલા સંઘર્ષમાં વધારો થઈ શકે છે.

મહિસાગર નદીમાં મગર

ઇમેજ સ્રોત, Daxesh Shah
ભારતમાં ત્રણ પ્રકારના ક્રોકોડાઇલ જોવા મળે છે, તેમાંથી આ એક પ્રકારના મગર છે.
સાબરમતી અને મહી નદીની વચ્ચે આવેલા 4,000 ચોરસ કિલોમિટર (1,544 ચોરસ માઇલ)માં હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરતા હોવાનો અંદાજ છે.
- હિંદીમાં ક્રોકોડાઇલ માટેનો શબ્દ 'મગરમચ્છ' છે તેના પરથી ગુજરાતીમાં 'મગર' શબ્દ આવ્યો છે.
- મગર મધ્યમ કદના ક્રોકોડાઇલ છે, જેમાં પુખ્ત વયના મગરની લંબાઈ ત્રણથી ચાર મીટરની હોય છે.
- મગર ભારતીય ઉપખંડમાં મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળતા હતા. 1950 અને 1960ના દાયકામાં તેમની સંખ્યા ઝડપથી ઘટવા લાગી. કેમ કે, શિકારીઓ ચામડાં અને માંસ માટે તેમનો શિકાર કરવા લાગ્યા. લોકો તેમનાં ઈંડા શોધીને ખાવા લાગ્યા હતા.
- મગરને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરાયા તે પછી હવે ભારતમાં 3,000થી 4,200 મગર બચ્યા હોવાનું મનાય છે. પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઈરાનમાં પણ મગર જોવા મળે છે.
આ વિસ્તારમાં આવેલાં તળાવોમાં મગર નિવાસ કરે છે અને વિહરતા જોવા મળી રહે છે. તેઓ બચ્ચાંના ઉછેર માટે જળસ્રોતમાં રહેલી માછલીઓ ઉપર આધાર રાખે છે.
આ વિસ્તારના લગભગ દરેક તળાવ પાસે 'મગરથી સાવધાન' રહેવા માટેની ચેતવણીના બોર્ડ લગાવેલાં છે.
(આ અહેવાલ માટે દિલ્હીથી જયદીપ વસંતના ઇનપુટ્સ મળેલા છે.)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













