ભીમા કોરેગાંવ કેસમાં આરોપી નરેન્દ્ર મોદીના ગુરુ સંભાજી ભીડે નાસાના વિજ્ઞાની છે?

સંભાજી અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, RAJU SANADI/GETTY IMAGES

    • લેેખક, યાકૂત અલી
    • પદ, ફૅક્ટ ચેક ટીમ, બીબીસી ન્યૂઝ

દાવો - સંભાજી ભીડે નાસાની સલાહકાર સમિતિમાં કામ કરતા હતા અને એમને વિજ્ઞાનના ક્ષેત્રમાં 100થી વધારે સન્માન મળી ચૂક્યાં છે. સંભાજી ભીડે ઍટમિક ફિઝિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છે.

આટલું જ નહીં, એમના વિશે એ પણ કહેવાય છે કે તેઓ નાસાની સલાહકાર સમિતિમાં કામ કરતા હતા. તેઓ 67 ડૉક્ટરેટ અને પોસ્ટ ડૉક્ટરેટ સંશોધનમાં ગાઇડ રહી ચૂક્યા છે. હાલ મહારાષ્ટ્રમાં સમાજસેવા કરે છે અને તેમના 10 લાખથી વધારે ફૉલોઅર્સ છે.

ફૅક્ટ ચૅક - બીબીસીએ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહેલી આ ખબરની સચ્ચાઈ જાણવાની કોશિશ કરી. સંભાજી ભીડેના સંગઠનના પ્રવક્તા નીતિન ચૌગુલેએ દાવાઓને ખોટા જણાવ્યા છે. પુણે વિશ્વવિદ્યાલયે પણ એમની સાથે સંલગ્ન કૉલેજમાં ભીડે પ્રોફેસર કે વિદ્યાર્થી હોવાની જાણકારી ન હોવાનું જણાવ્યું છે.

line

વાઇરલ મેસેજ શું છે?

સ્કીન ગ્રેબ

ઇમેજ સ્રોત, TWITTER

સોશિયલ મીડિયા પર સંભાજી ભીડે સાથે જોડાયેલી એક ખોટી ખબર ફેલાવવામાં આવી રહી છે, જેના અનુસાર તેઓ ઍટમિક ફિઝિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છે અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા છે.

વાઇરલ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એમને 100થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયેલાં છે.

ભીડે સાથે વડા પ્રધાનની તસવીર રજૂ કરીને આ તમામ વિગતો રજૂ કરવામાં આવી રહી છે.

જો આપણે ગૂગલ પર સંભાજી ભીડે સર્ચ કરીએ તો કંઈક આ પ્રકારની માહિતીઓ મળે છે.

સ્કીન ગ્રેબ

ઇમેજ સ્રોત, Google

line

કોણ છે સંભાજી ભીડે?

સ્કીન ગ્રેબ

ઇમેજ સ્રોત, Facebook

મહારાષ્ટ્રના સાંગલી તાલુકાના રહેવાસી સંભાજી 80 વર્ષના છે અને મહારાષ્ટ્રના હિંદુ સંગઠન શ્રી શિવ પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા કાર્યકર્તા છે.

સંભાજી આરએસએસના મોટા કાર્યકર બાબારાવ ભીડેના ભત્રીજા છે. સંભાજી પોતે પણ આરએસએસ સાથે સંકળાયેલા હતા, પરંતુ પાછળથી વિવાદ થતા તેમણે આરએસએસની સમાંતર સંગઠનનું નિર્માણ કર્યું.

સંભાજી ભીડેએ 1984માં શ્રી શિવ પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. આ સંગઠનની વેબસાઇટ પર લખ્યું છે કે એમનું લક્ષ્ય હિંદુઓને શિવાજી અને સંભાજીના બ્લડ ગ્રૂપ જેવા બનાવવાનું છે.

1 જાન્યુઆરી, 2018માં ભીમા કોરેગાંવમાં થયેલી એક હિંસામાં શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાનના સંસ્થાપક સંભાજી અને હિંદુ એકતા અઘાડીના મિલિન્દ એકબોટે પર પુણેના પિંપરી પોલીસ સ્ટેશનમાં એક કેસ દાખલ કરવામાં આવેલો છે.

આ બેઉ હિંદુવાદી નેતાઓ પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. આને લીધે સંભાજી ભીડેનું નામ ચર્ચામાં આવ્યું હતું.

2014માં લોકસભાની ચૂંટણીના પ્રચાર વખતે નરેન્દ્ર મોદીની સંભાજી ભીડે સાથે રાયગઢના કિલ્લામાં મુલાકાત થઈ હતી.

આ સમયે નરેન્દ્ર મોદીએ મંચ પરથી સંભાજી ભીડેનાં વખાણ કર્યાં હતાં.

મોદીએ કહ્યું હતું કે હું ભીડે ગુરુજીનો ખૂબ આભારી છું, કેમ કે એમણે મને નિમંત્રણ નહોતું આપ્યું પરંતુ મને હુકમ આપ્યો હતો. હું ભીડે ગુરુજીને ઘણાં વર્ષોથી આળખું છું અને અમે જ્યારે સમાજ માટે કામ કરવાના સંસ્કાર મેળવી રહ્યા હતા ત્યારે અમને સામે ભીડે ગુરુજીનું ઉદાહરણ આપવામાં આવતું હતું.

એમણે કહ્યું કે કોઈ ભીડે ગુરુજીને બસ કે રેલવેના ડબ્બામાં મળી જાય તો તે કલ્પના પણ ન કરી શકે કે તેઓ કેટલા મહાપુરુષ છે, કેટલા મોટા તપસ્વી છે.

line

વાઇરલ થઈ રહેલી વાતોનું સત્ય

બીબીસીએ આ સંદેશાની તપાસ કરી.

સંભાજી ભીડેના સંગઠન શ્રી શિવ પ્રતિષ્ઠાના પ્રવક્તા નીતિન ચૌગુલેએ એ વાતનો દાવો કર્યો કે સંભાજી ભીડે ઍટોમિક ફિઝિક્સમાં ગોલ્ડ મેડલિસ્ટ છે.

સાથે જ એમણે એ દાવો પણ કર્યો કે તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા છે.

ભીડે હાલ સમાજસેવા કરી રહ્યા છે અને એમના 10 લાખ ફૉલોઅર્સ છે એ વાતમાં પણ એમણે છેલ્લે સહમતી આપી.

પરંતુ એમણે નીચેની વાતો ખોટી જણાવી -

  • એમને 100થી વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો મળ્યાં છે.
  • તેઓ નાસાની સલાહકાર સમિતિમાં સભ્ય હતા.
  • તેઓ 67 ડૉક્ટરેટ અને પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચમાં ગાઇડ રહી ચૂક્યા છે.

પરંતુ બીબીસીએ કૉલેજની વેબસાઇટ જોઈ તો જાણવા મળ્યું કે કૉલેજમાં ઍટોમિક ફિઝિક્સનો કોઈ પણ કોર્સ જ નથી.

સ્કીન ગ્રેબ

ઇમેજ સ્રોત, FERGUSSON.EDU

આ પછી અમે પુણેની વિશ્વવિદ્યાલયના એક અધિકારી સાથે વાત કરી. અધિકારીએ કહ્યું કે ફર્ગ્યુસન કૉલેજ પાસેથી મળેલી જાણકારી મુજબ ભીડે ત્યાં વિદ્યાર્થી કે પ્રોફેસર હતા એવું સાબિત કરનારા કોઈ દસ્તાવેજ તેમની પાસે નથી.

બીબીસીએ ફર્ગ્યુસન કૉલેજના આચાર્ય રવીન્દ્ર પરદેશી સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેમની વાત થઈ શકી નહીં.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ફર્ગ્યુસન કૉલેજ ચલાવનારી સંસ્થાના સભ્ય કિરણ શાલીગ્રામે કહ્યું હતું કે ભીડે ત્યાં પ્રોફેસર હતા, પરંતુ તેઓ કયા વર્ષમાં હતા તેની કોઈ જાણકારી તેમણે આપી નહોતી.

સંભાજી ત્યાં પ્રોફેસર કે વિદ્યાર્થી હતા એ વાતની બીબીસી પણ પૃષ્ટિ નથી કરી શકતું, કેમ કે કૉલેજ પાસે એનો કોઈ રેકર્ડ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો