Exit Polls: રાજકીય પંડિતોને ઍક્ઝિટ પોલ પર કેમ ભરોસો થઈ રહ્યો નથી?

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિવિધ સર્વે કંપનીઓ અને ન્યૂઝ ચેનલ્સ તરફથી કરાવવામાં આવેલા ચૂંટણીના સર્વેમાં NDA સરકાર પરત ફરશે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે, પરંતુ વિરોધ પક્ષો સિવાય રાજકીય વિશ્લેષકોને પણ આ સર્વે વાસ્તવિક્તાથી અલગ દેખાઈ રહ્યો છે.

જાણકારો પ્રમાણે, છેલ્લાં કેટલાક વર્ષોમાં ઉત્તરપ્રદેશના જ નહીં, પરંતુ અન્ય રાજ્યો અને લોકસભા ચૂંટણીના સર્વે પણ વાસ્તવિકતાથી ઘણા દૂર રહ્યા હતા. એટલા માટે આ વખતે તે કેટલા સાચા હશે, તેના પર વિશ્વાસ કરવો અઘરો છે.

લખનઉ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના રાજકીય સંપાદક સુભાષ મિશ્ર કહે છે કે વાસ્તવમાં જે વલણ છે તેને ધ્યાનમાં લઈએ તો બેઠકોની આ સંખ્યા ક્યારેય વાસ્તવિક લાગતી નથી.

તેમના મુજબ, "ઉત્તરપ્રદેશમાં જે પ્રમાણે જાતીય અને ક્ષેત્રીય વિવિધતા છે, મતદાનની રીત અને તેના વલણમાં ઘણી વિષમતા છે, તેના આધારે આ રીતે બેઠકોનું અનુમાન કરવું ખૂબ જ મુશ્કેલ છે."

"વધારે સર્વેમાં ભાજપના પક્ષમાં એકતરફી પરિણામ જોઈ શકાય છે જે શક્ય નથી લાગી રહ્યું. મેં યૂપીમાં જે કંઈ ગ્રાઉન્ડ ઉપર જોયું છે, તેના આધારે કહી શકું છું કે ગઠબંધન સારું રહેશે."

તમે આ વાંચ્યું કે નહીં?

'સ્પૉન્સર્ડ હોય છે સર્વે'

જોકે કેટલાક સર્વેમાં સપા-બસપા-રાલોદ ગઠબંધનને ઉત્તરપ્રદેશમાં ઘણા આગળ દેખાડવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગના સર્વેમાં ભાજપની સામે તેમનો ઘણો મોટો સંઘર્ષ જોવા મળી રહ્યો છે અથવા ભાજપને ઘણો આગળ દર્શાવવામાં આવ્યો છે.

સુભાષ મિશ્ર કહે છે કે હાલમાં ત્રણ રાજ્યોમાં જે ચૂંટણી થઈ છે, મોટા ભાગે ચૂંટણી સર્વે ક્યાંય પણ સાચા નીકળ્યા નથી. એટલે બહુ વધારે ભરોસો કરવો યોગ્ય નથી.

એટલું જ નહીં, મોટા ભાગના વિશ્લેષકો પોતે ચૂંટણી સર્વેની વચ્ચે આવી રહેલી વિવિધતાના કારણે પણ તેની પ્રક્રિયા અને તેના પરિણામ પર શંકા વ્યક્ત કરે છે.

વરિષ્ઠ પત્રકાર અમિતા વર્માએ અત્યાર સુધીમાં ઘણી ચૂંટણી કવર કરી છે.

તેઓ કહે છે, "શરૂઆતમાં આવેલા ચૂંટણી સર્વે સત્યતાની ઘણી નજીક હતા. એનું કારણ એ હતું કે જેમાં સેફૉલૉજીમાં (મતદાનના વલણના અભ્યાસ માટેનું આંકડાકીય શાસ્ત્ર) વપરાતી પદ્ધતિઓનું મોટા પ્રમાણમાં પાલન કરવામાં આવતું હતું."

"જો ઍક્ઝિટ પોલના તારણ યોગ્ય આવતા નથી, તો આનું એક મોટું કારણ એ છે કે સર્વે સ્પૉન્સર્ડ હોય છે અને આવી સ્થિતિમાં યોગ્ય પરિણામ આવવાની આશા રાખવી જોઈએ નહીં."

અમિતા વર્માનું માનવું છે કે ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન તેમને જે જોવા મળ્યું છે તે આ ચૂંટણી સર્વેમાં જોવા મળી રહ્યું નથી.

તેઓ કહે છે, "ઉત્તર પ્રદેશમાં સપા અને બસપાની વચ્ચે જે પ્રકારે વોટ ટ્રાન્સફર થયા છે, તેમને જોઈને મહાગઠબંધન ઘણું મજબૂત રહ્યું છે."

"હા, એ પણ યોગ્ય છે કે ભાજપને જે પ્રકારે મોટા નુકસાનની વાત કરવામાં આવી રહી છે, તેવું થશે નહીં. પરંતુ ઍક્ઝિટ પોલ પર ભરોસો કરવો થોડો મુશ્કેલ બની રહ્યો છે."

જ્યારે વરિષ્ઠ પત્રકાર શ્રવણ શુક્લએ યૂપીમાં ભાજપના પક્ષમાં માહોલને જોયો છે છતા પણ તેમને ચૂંટણીના સર્વે પર ભરોસો થઈ રહ્યો નથી.

તેમનું કહેવું છે, "2017ની જ વિધાનસભાની ચૂંટણીને જોઈ લો, કોઈએ નહોતું કહ્યું કે ભાજપ આટલી મોટી બહુમતીથી જીતશે, પરંતુ જમીન પર માહોલ ભાજપના પક્ષમાં મોટા પ્રમાણમાં હતો."

"ચૂંટણી પહેલાંના સર્વેક્ષણમાં આટલી બેઠકો જોવા મળી ન હતી. આ સર્વેક્ષણના અનુમાન લોકોના વ્યક્તિગત અનુમાનથી વધારે અલગ જોવા મળતાં નથી."

"ખરેખર, આ સર્વેમાં અપનાવવામાં આવતી પ્રક્રિયા વાસ્તવિક સ્થિતિને ઓળખી શકતી નથી."

"ઉત્તર પ્રદેશના મતદારો ઘણા પરિપક્વ છે. તે આટલી જલદી પોતાના પરિણામને કોઈની સામે જાહેર કરતા નથી અને આ વખતે ચૂંટણીમાં તો આ વાત ઘણી રીતે જોવા મળી છે."

ખરેખર, ચૂંટણીની પ્રક્રિયાને પાયાથી કવર કરનાર તમામ પત્રકાર પર ચૂંટણીના પરિણામ પર અલગ-અલગ મત છે, પરંતુ તે લોકો પણ ચૂંટણી સર્વે પર ભરોસો કરી રહ્યા નથી.

જમીની સ્તર પર ગઠબંધન જોવા મળતું નથી

લખનઉમાં એક વરિષ્ઠ પત્રકારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે ભાજપ ગઠબંધનથી ઘણી આગળ રહેશે, પરંતુ કયા સર્વેની વધારે નજીક રહેશે તેના પર તેમણે કોઈ કૉમેન્ટ ન કરી.

શ્રવણ શુક્લ કહે છે કે ચૂંટણી પહેલાંના સર્વેમાં કેટલું અંતર છે, જે એ જણાવવા માટે પર્યાપ્ત છે કે કોઈ એક સર્વમાન્ય પ્રક્રિયાનું પાલન આમાં કરવામાં આવતું નથી.

શ્રવણ શુક્લનું માનીએ તો સપા-બસપા ગઠબંધન જે પ્રકારે ઉચ્ચ સ્તર પર દેખાઈ રહ્યું છે તે રીતે જમીની સ્તર પર જોવા મળી રહ્યું નથી.

શ્રવણ શુક્લ સ્પષ્ટ કહે છે કે ચૂંટણીના સર્વેનાં પરિણામોને યૂપીના સંદર્ભમાં બિલકુલ જોઈ શકાય તેમ નથી.

તે પ્રમાણે, "આ આખી રમત ચેનલોની ટીઆરપીની છે, આ સિવાય કંઈ નથી. 2007, 2012 અને માત્ર 2017ની વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારે પૂર્ણ બહુમત વાળી સરકાર બની છે, તેણે તમામ ચૂંટણી સર્વેને રદ કર્યા હતા."

"અહીં સુધી કે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ. એવામાં મને લાગતું નથી કે ચૂંટણી સર્વેના પરિણામ પર બહુ ભરોસો કરવામાં આવે."

જોકે, સોશિયલ મીડિયા પર પણ આ સર્વેની જોરદાર ચર્ચા ચાલી રહી છે અને લોકો પોતાની રીતે મૂલ્યાંકન કરી રહ્યા છે.

સાથે એ સલાહ પણ આપવામાં આવી રહી છે કે વાસ્તવિક પરિણામ આવવામાં હવે બે દિવસ જ તો બાકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો