રડાર બંધ, તો પણ તોડી પાડ્યાં ભારતનાં બે વિમાન : પાકિસ્તાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાલનું રડાર અંગેનું નિવેદન ચર્ચામાં છે, ત્યારે પાકિસ્તાને પણ આ નિવેદનનો જવાબ આપ્યો છે.

એક પત્રકારપરિષદમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમદ કુરેશીએ મોદીના આ નિવેદનનો વળતો જવાબ આપ્યો હતો.

પત્રકારપરિષદમાં તેમને મોદીના તાજેતરના નિવેદન વિશે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે હવામાન ખરાબ હોવાને કારણે અમારાં રડાર કામ કરી રહ્યાં ન હતાં છતાં અમે ભારતનાં બે વિમાન તોડી પાડ્યાં.

તેમણે કહ્યું, "મારો મોદી સાહેબને સવાલ છે કે અમારાં રડાર કામ કરતાં હોત તો ભારત સાથે શું થાત જરા વિચાર કરી લો."

ઇંદિરા ગાંધીની જેમ મારી હત્યા થઈ શકે છે : કેજરીવાલ

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન અગાઉ આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ મારા જ સુરક્ષા અધિકારીઓ દ્વારા હત્યા કરાવી શકે છે.

આ માહિતી એમણે પંજાબમાં સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં આપી અને પછી ટ્ટીટ પણ કર્યું.

કેજરીવાલે લખ્યું, "ભાજપ મને શું કામ મારી નાખવા માગે છે, મારો વાંક શું છે? આખરે હું શાળાઓ અને હૉસ્પિટલ્સ જ બનાવી રહ્યો છું. પહેલીવાર આ દેશમાં શાળાઓ અને હૉસ્પિટલ્સની રાજનીતિ શરૂ થઈ છે. ભાજપ એને ખતમ કરવા માગે છે પણ હું આખરી દમ સુધી દેશ માટે કામ કરતો રહીશ."

કેજરીવાલની ટિપ્પણી પર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરન રિજ્જુએ ટ્ટીટ કરીને કહ્યું કે તેમણે રાજકીય ઉન્માદ અને માણસ તરીકેની સંવેદનાની તમામ સીમાઓ વટાવી દીધી છે. કોઈ મુખ્ય મંત્રી કેવી રીતે આવો આરોપ મૂકી શકે? અમે રાજકીય હરીફ છીએ, દુશ્મન નથી. દેશ અને જનતાની સુરક્ષા સરકારની જવાબદારી છે.

ભારતનાં ફાસ્ટેસ્ટ મહિલા લેસ્બિયન હોવાનો સ્વીકાર કર્યો

100 મિટર દોડમાં રેકર્ડ ધરાવતાં અને 2018માં ભારતને એશિયન ગૅમ્સમાં બે સિલવર મેડલ અપાનાર દુતી ચાંદે પોતે લેસ્બિયન હોવાનું ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું છે.

અખબાર લખે છે કે દુતી ચાંદ સજાતીય સંબંધનો જાહેરમાં સ્વીકાર કરનારાં પ્રથમ રમતવીર બન્યાં છે.

દુતી ચાંદે કહ્યું, "મને મારો જીવનસાથી મળી ગયો છે. હું માનું છું કે દરેકને કોની સાથે રહેવું એ અધિકાર છે."

એમણે એમ પણ કહ્યું, "મેં કાયમ સજાતીય સંબંધમાં રહેનારા લોકોના અધિકારોની તરફેણકરી છે. આ એક વ્યકિતગત પસંદગીની બાબત છે."

દુતી ચાંદ હાલ વર્લ્ડ ચૅમ્પિયનશિપની અને આગામી ઑલિમ્પિકની તૈયારી કરી રહ્યાં છે.

એમણે કહ્યું કે ત્યારબાદ તેઓ એમના જીવનસાથી સાથે સ્થાયી થવાનું વિચારશે.

ઓડિશાના ગોપાલપુરમાં જન્મેલાં દુતી ચાંદ મહિલા રમતવીરોના અધિકારોની લડત માટે પણ જાણીતાં છે.

ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે 3.8 કરોડ ડૉલરની ઉઘરાણી

વિવિધ દેશોમાં શાંતિ માટેના સૈન્ય ઑપરેશનમાં થયેલા ખર્ચ પેટે ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસેથી 3.8 કરોડ ડૉલરની ઉઘરાણી કરી છે.

યૂએનમાં ભારતના કાયમી મિશનના સેક્રેટરી મહેશ કુમારે આ અંગે વહીવટ અને બજેટની પાંચમી સમિતિ આગળ રજૂઆત કરી હતી.

એમણે કહ્યું કે શાંતિ સ્થાપના માટેની ટુક્ડીઓનું ચૂકવણું સમયસર થાય તેવી અપેક્ષા વાજબી છે.

મહેશ કુમારે એમ પણ કહ્યું કે હાલ કુલ એરિયર્સ 3.6 બિલિયન ડૉલર છે.

ઉલ્લેખનીય છે કે ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ટીસીસી (સેના પૂરી પાડનારાં દેશો)માં સમાવિષ્ટ છે અને ભારતીય સેના યૂએનના મિશનમાં પણ કામગીરી કરતી હોય છે.

ટર્મિનેટર સ્ટાર પર થયો હુમલો

ટર્મિનેટર સ્ટાર તરીકે જાણીતા આર્નોલ્ડ શ્વાર્ઝનેગર પર આફ્રિકામાં હુમલો થયાની ઘટના બની છે.

71 વર્ષીય આર્નોલ્ડ એમના પ્રશંસકો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે એમને પાછળથી લાત મારવામાં આવી હતી.

જોકે, તેમને કોઈ ઈજા થઈ નહોતી. આ ઘટનાનો વીડિયો ખૂબ વાઇરલ થયો હતો.

તેમણે ટ્ટિટર પર લખ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

હુમલો કરનારાને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો