You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાલાકોટ હુમલા પછી પાકિસ્તાનના વાયુક્ષેત્ર પ્રતિબંધની વિમાનસેવાઓ પર આ અસર થઈ રહી છે
- લેેખક, તાહિર ઈમરાન
- પદ, બીબીસી ઉર્દૂ, ઈસ્લામાબાદ
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળ પર હુમલો અને પછી ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કરેલી ઍરસ્ટ્રાઇકને આશરે ત્રણ મહિનાનો સમય થવા આવ્યો છે.
આનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ છે, તેના પરિણામ સ્વરૂપ પાકિસ્તાને તેના હવાઈક્ષેત્ર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધથી આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ કંપનીઓ પ્રભાવિત થઈ છે.
પાકિસ્તાને આ ઘટનાઓ પછી છેલ્લા ઘણા સમયથી તેના હવાઈક્ષેત્રને ઉડાન માટે બંધ કરી દીધું હતું અને તે પછી જ્યારે આંશિક રીતે તેમાં છૂટછાટ આપી તેમાં પણ ભારત સાથેની હવાઈસીમાનો સમાવેશ નહોતો થતો. હવે પાકિસ્તાને ભારતીય ઉડાનો માટે તેના હવાઈક્ષેત્ર પર લાદેલો પ્રતિબંધ 30 મે સુધી નહીં ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનના આ નિર્ણયને કારણે પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ તરફ જનારી આંતરરાષ્ટ્રીય ઉડાનોમાંથી કેટલીક ઉડાનો પ્રભાવિત થઈ છે.
આને કારણે હવાઈ કંપનીઓના ખર્ચા તો વધ્યા જ છે, ઉડાનનો સમય પણ વધ્યો છે. કેટલીય ઉડાન જે નૉન-સ્ટૉપ હતી તેને ઈંધણ માટે રોકાવું પડે છે જેની ખર્ચ અલગઅલગ છે.
આ પ્રતિબંધથી સૌથી વધારે પ્રભાવિત પાકિસ્તાનના પાડોશી દેશો છે જેમની ઓછા દરની ઉડાનોને હવે લાંબો રસ્તો કાપવો પડે છે. જોકે, આનાથી પૂર્વ તરફ અને અમેરિકા જતી ઉડાનો પર ગંભીર પ્રભાવ પડ્યો છે.
અત્યાર સુધી શું સ્થિતિ છે?
આ સમયે પાકિસ્તાનની પૂર્વ અને ભારતની પશ્ચિમ સીમા પરથી ઉડાનોને પસાર થવાની અનુમતિ નથી. આનાથી દુનિયાભરમાંથી આવતી ઉડાનો આ સીમાથી દૂર રહી ઉડાન ભરે છે.
પાકિસ્તાની સરકારે અત્યાર સુધી આ વિષયમાં કોઈ નિર્ણય નથી કર્યો અને નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણનું કહેવું છે કે તે સરકારે કરેલા આદેશનું પાલન કરે છે અને આગળ પણ સરકારે કરેલા નિર્ણયનો અમલ કરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમયે પાકિસ્તાનના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરી કોઈ પણ વિમાન પશ્ચિમથી પૂર્વ તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ નથી જઈ શકતા. ઉદાહરણ રૂપે કાબુલથી દિલ્હીની ઉડાન હવે પાકિસ્તાનના રસ્તે નથી જઈ શકતી, પણ આ ઉડાને ઈરાનથી અરબસાગર થઈને દિલ્હીનો રસ્તો લેવો પડશે.
પાકિસ્તાન આવનારી ઉડાનો અથવા પાકિસ્તાન ઉપરથી પસાર થઈ ચીન, કોરિયા અને જાપાન જનારી ઉડાનો પાકિસ્તાનના હવાઈક્ષેત્રનો ઉપયોગ કરી શકે છે. જોકે, તેમણે પશ્ચિમી સીમાથી બચીને પાકિસ્તાન ઉપરથી પસાર થઈને જવું પડે છે.
આ વિશે વધુ વાંચો
આ પ્રતિબંધથી પાકિસ્તાનમાં શું અસર?
આ પ્રતિબંધથી પાકિસ્તાનથી પૂર્વ તરફ મુસાફરી કરનારા યાત્રિકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાનથી દૂર આવેલા ઑસ્ટ્રેલિયા જનારા યાત્રિકો મોટા ભાગે થાઈ ઍરવેઝની ઉડાનોથી મુસાફરી કરતા હતા પણ તેમણે આજકાલ તેમની ઉડાનો સ્થગિત કરી દીધી છે.
ક્વાલાલુમ્પુરથી લાહોર માટે સસ્તા દર પર ટિકિટ ઉપલબ્ધ કરાવનારી મલેશિયાની ખાનગી ઉડાન કંપની માલિંડો ઍરની ઉડાનો પણ બંધ છે અને આ હવાઈ કંપની પાસેથી ટિકિટ લેનારા યાત્રિકો પરેશાન છે.
પાકિસ્તાન ભારતીય વિમાનો માટે ખોલશે હવાઈક્ષેત્ર?
ઉડાનો રદ થયા પછી ઍરલાઇન્સે યાત્રિકોને રૂપિયા પરત આપવાની જગ્યાએ એવા વાઉચર આપ્યા જેનો તેઓ બીજી ઉડાનો માટે ઉપયોગ કરી શકે પણ આ વાઉચર પાકિસ્તાન માટે કોઈ કામના નથી કારણ કે પાકિસ્તાન માટે માલિંડોની ઉડાનો બંધ છે.
હોંગકોંગની ઍરલાઇન્સ કેથે પેસિફિક પાકિસ્તાન માટે ઉડાનો શરૂ કરવાની છે પણ હાલની સ્થિતિને કારણે આવું શક્ય બનવું મુશ્કેલ છે.
ઍરલાઇન્સ કંપનીઓ અને યાત્રિકો ઉપરાંત પાકિસ્તાનની પૂર્વીય હવાઈસીમા પર પ્રતિબંધને કારણે નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણને ઓછામાં ઓછા 12થી 15 અરબ રૂપિયાના નુકસાનનો અંદાજ છે.
નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણની કુલ આવક 60થી 70 અરબ રૂપિયા વચ્ચે છે, જેમાંથી અંદાજે 30થી 35 ટકા વિભિન્ન આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ કંપનીઓ તરફથી હવાઈસીમાના ઉપયોગ માટે ભાડા સ્વરૂપે મેળવવામાં આવે છે.
પ્રભાવિતોમાં અન્ય કોણ-કોણ છે?
આ પ્રતિબંધથી જે દેશ પ્રભાવિત થયા છે તે દેશમાંનો એક છે ભારત. જ્યાં પશ્ચિમી દેશોમાંથી આવનારી ઉડાનોની ટિકિટના ભાવ અને મુસાફરીનો સમય વધ્યો છે.
ભારતથી યુરોપ જનારી ઉડાનોના અંતરમાં 913 કિલોમિટરનો વધારો થયો છે જે કુલ યાત્રાના આશરે 22 ટકા છે. આ અંતર વધતાં મુસાફરીનો સમયગાળો આશરે બે કલાક વધી ગયો છે.
લંડનથી મુંબઈ કે દિલ્હી જતાં યાત્રિકો સરેરાશ 300 પાઉન્ડ વધારે ખર્ચ કરી ગંતવ્યસ્થળ સુધી પહોંચે છે. જ્યારે લંડનથી દિલ્હીની ઉડાનની યાત્રાનો સમય ઓછામાં ઓછો બે કલાક વધી ગયો છે.
વર્જીન એટલાન્ટિક ઍરલાઈન્સથી લંડનથી દિલ્હીની મુસાફરી કરનારા યાત્રિકે બીબીસીને કહ્યું કે, "અમને એક ટિકિટ ઓછામાં ઓછા 200 પાઉન્ડ મોંઘી પડી પણ સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે કોઈએ એ ના કહ્યું કે મુસાફરીનો સમય પણ વધ્યો છે."
તેમના મુજબ, "માત્ર ઉડાન સમયે જાહેરાત કરાઈ કે હવાઈક્ષેત્રમાં પ્રતિબંધને કારણે ઉડાનના અંતરમાં વધારો થયો છે. જેના પર ઍરલાઇન્સ માફી ઇચ્છે છે."
એટલું જ નહીં ભારતના પાડોશી દેશ જેવા કે અફઘાનિસ્તાન માટે ઉડાનનું અંતર પણ વધી ગયું છે. જેનાથી યાત્રિકોને સમસ્યાનો સામનો કરવો પડે છે.
અફઘાનિસ્તાનની તમામ ઍરલાઇન્સ જે ભારત માટે ઉડાનો ચલાવે છે, તેની ઉડાનો બંધ કરી દેવાઈ છે અથવા તેની સંખ્યા ઘટાડી દેવાઈ છે, કારણ કે હવે એક કલાકની ઉડાન ઓછામાં ઓછા બે કલાકનો સમય લે છે. જેના કારણે ભાડાંમાં પણ વધારો થયો છે.
આ સિવાય પ્રભાવિત થનારી ઍરલાઇન્સમાં એશિયા, યુરોપ, અમેરિકા અને સુદૂર પૂર્વની ઍરલાઇન્સ કંપની, જેમ કે સિંગાપુર ઍરલાઇન્સ, બ્રિટિશ ઍરલાઇન્સ, લુફ્થાન્સા, થાઇઍરવેઝ, વર્જીન એટલાન્ટિક સામેલ છે.
આંતરરાષ્ટ્રીય ઉડાનોના ઑપરેશન પર નજર રાખનારા ઓ.પી.એસ. ગ્રૂપે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનોના ડેટા પરથી અંદાજ લગાવ્યો કે રોજની 350 ઉડાનો આ પ્રતિબંધને કારણે પ્રભાવિત થાય છે.
ઉદાહરણ તરીકે લંડનથી સિંગાપુરની ઉડાનોમાં, રૂટમાં ફેરબદલને કારણે 451 કિલોમિટરનું અંતર વધી ગયું છે. જ્યારે પેરિસથી બેંગકૉકની ઉડાન માટે 410 મિલનું અંતર વધ્યું છે. કે.એસ.એમ., લુફ્થાન્સા અને થાઈ ઍરવેઝની ઉડાનો પહેલાં કરતા ઓછામાં ઓછા બે કલાકનો વધારે સમય લે છે.
આ સ્થિતિના નિરાકરણ માટે ઍરલાઇન્સ કંપનીઓ વિવિધ વિમાનોનો ઉપયોગ કરે છે. તો વિમાનમાં વજનને લઈને પણ નિયમો કડક કરી દેવાયા છે. જેથી વિમાનો દૂર સુધી ઊડી શકે અને વધારે ઈંધણ લઈ જઈ શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો