Top News : રાહુલ અને સોનિયા ગાંધી સાથે માયાવતી મુલાકાત કરશે

લોકસભા ચૂંટણીનાં પરિણામો 23મેના રોજ જાહેર થનાર છે. પરિણામ આવે એ પહેલાં સોમવારે કૉંગ્રેસનાં મુખ્ય નેતા સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સાથે બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી મુલાકાત કરશે.

રવિવારે આવેલાં ઍક્ઝિટ પોલ્સનાં અનુમાનો બહાર આવ્યાં બાદ આ મુલાકાત થઈ રહી હોવાથી તેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી અને ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુએ શનિવારે માયાવતી અને સપા નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.

આ પહેલાં નાયડુએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના શરદ પવાર અને લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ સાથે પણ દિલ્હીમાં મુલાકાત કરી હતી.

સરકાર બનાવવા માટે કૉંગ્રેસ હવે યૂપીએ સિવાયના એનડીએમાં નથી એવા પક્ષો સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસો કરે છે.

અમરિન્દરસિંઘ - સિદ્ધુ સામે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાર્યવાહી થાય

પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંઘનું કહેવું છે કે તેમની સરકારના પ્રધાન નવજોતસિંઘ સિદ્ધુ તેમને હઠાવીને મુખ્ય મંત્રી બનવા માગે છે. અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.

કૅપ્ટન અમરિન્દર સિંઘના કહેવા પ્રમાણે, "મારા તથા પંજાબ કૉંગ્રેસના નેતૃત્વ સામે સિદ્ધુએ કરેલી કસમયની ટિપ્પણીઓને કારણે પાર્ટીને નુકસાન થયું છે."

"તેઓ મહત્ત્વકાંક્ષા ધરાવે છે, તેની સામે મને કોઈ વાંધો નથી. પરંતુ જો તેઓ ખરાં કૉંગ્રેસી હોત, તો તેમણે પંજાબમાં મતદાન પૂર્વે ટિપ્પણીઓ કરવાને બદલે બીજા કોઈ સમયે કરવી જોઈતી હતી."

કૅપ્ટન સિંઘે માગ કરી છે કે સિદ્ધુ સામે કાર્યવાહી કરવામાં આવે.

પૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિદ્ધુનાં પત્ની નવજોત કૌર સિદ્ધુના કહેવા પ્રમાણે, તેમને ચંડીગઢની ટિકિટ ન મળી તેની પાછળ કૅપ્ટન અમરિન્દર સિંઘનો હાથ છે.

ભટિંડામાં ચૂંટણીપ્રચાર દરમિયાન સિદ્ધુએ કહ્યું હતું કે ગુરૂગ્રંથ સાહેબના અપમાન મુદ્દે કેટલાક લોકો અકાલીદળ સાથે 'ફ્રૅન્ડલી મૅચ રમી રહ્યા છે, પરંતુ તેમને મતદાતા માફ ન કરે.'

'યુદ્ધ માટે સાઉદી અરેબિયા તૈયાર'

સઉદી અરેબિયાનું કહેવું છે કે તાજેતરમાં તેની પાઇપલાઇન્સ ઉપર થયેલા હુમલા પાછળ યમનના હૂતી બળવાખોરોનો હાથ છે.

સાઉદી અરેબિયાનો આરોપ છે કે ઈરાનના ઇશારે આ હુમલો કરવામાં આવ્યો હતો, જોકે, ઈરાને આરોપોને નકારી કાઢ્યા છે.

સમગ્ર ઘટનાક્રમ અંગે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી અદેલ અલ-ઝુબૈરે પત્રકાર પરિષદમાં જણાવ્યું, "સાઉદી અરેબિયા કોઈ પણ પ્રકારે સંઘર્ષ નથી ઇચ્છતું અને તેને ટાળવા માટે શક્ય તમામ પ્રયાસ કરશે, પરંતુ જો યુદ્ધ માટે ઉશ્કેરવામાં આવશે તો જવાબ દેવા માટે તૈયાર છે."

સંયુક્ત આરબ અમિરાતે નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સાઉદી અરેબિયા તથા ખાડી દેશોમાં તાજેતરમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે, તેનો સામનો સાથે મળીને કરવાનો છે.

યૂએઈનાં ઑઇલટૅન્કર્સ ઉપર હુમલો થયો હતો, પરંતુ તેણે કોઈની ઉપર આરોપ નહોતો લગાવ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

આવતીકાલે ધોરણ-10નું પરિણામ

'હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ગુજરાત સેકંડરી અને હાયર સેકંડરી બોર્ડ દ્વારા મંગળવારે 21 મેના રોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.

gseb.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનાં પરિણામો જોઈ શકશે.

7 થી 19 માર્ચ દરમિયાન ધોરણ-10ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. જીએસઈબી દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે, મંગળવારે સવારે 8 વાગ્યાથી વેબસાઇટ પર પરિણામો જોઈ શકાશે.

10મી મેના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-12(વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 71.9 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો