#IPL2019FINAL : મુંબઈ આઈપીએલ-12નું ચૅમ્પિયન, એક રનથી ચેન્નઈને હરાવ્યું

મુંબઈ ઇન્ડિયન્સ

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ-12ની હૈદરાબાદમાં રમાયેલી રોમાંચક ફાઈનલ મૅચમાં એક રનથી હરાવી દીધી.

મુંબઈની ટીમે ચોથી વખત આઈપીએલની ટ્રૉપી જીતી છે. ચેન્નઈ માટે શૅન વૉટસને 80 રન બનાવ્યા. જોકે, તેમની મહેનત એળે ગઈ. વૉટસન આઉટ થયા ત્યારે ચેન્નઈ જીતથી ચાર રન જ દૂર હતું.

જોકે, અંતિમ બે દડામાં ચેન્નઈની ટીમ માત્ર બે જ રન બનાવી શકી.

અંતિમ ઓવરમાં ચેન્નઈને જીત માટે નવ રનની જરૂર હતી. મલિંગાની આ ઓવરના પ્રથમ ત્રણ દડામાં ચાર રન બન્યા. પણ ચોથા દડે વૉટસન આઉટ થઈ ગયા.

શાર્દુલ ઠાકુર પણ પાંચમા દડે બે જ રન બનાવી શક્યા. અંતિમ દડા પર ચેન્નઈને જીત માટે બે રનની જરૂર હતી અને ઠાકુર અંતિમ દડે આઉટ થઈ ગયા.

ચેન્નઈ સામે જીતવા માટે 150 રનનો લક્ષ્યાંક મૂકનારી મુંબઈની ટીમેનો આધાર શૅન વૉટસનના ખભે આવી ગયો હતો. એ પહેલાં ચેન્નઈના કૅપ્ટન ધોની બે રન કરીને રન આઉટ થઈ ગયા હતા.

મેચની 13મી ઓવરમાં રન લેવાના પ્રયાસમાં તેઓ રન આઉટ થયા.

ચેન્નઈના ઓપરન ફૉફ ડૂ પ્લૅસી મોટી ઇનિંગ ના રમી શક્યા પણ તેમણે ટીમને ઝડપી શરૂઆત અપાવી. ડૂ પ્લૅસી 13 દડામાં 26 રન બનાવી કુણાલ પંડ્યાનો શિકાર બન્યા. તેમણે શૅન વૉટસન સાથે પ્રથમ વિકેટ માટે ચાર ઓવરમાં 33 રન જોડ્યા.

સાતમી ઓવરમાં મિચેલ મૅક્લાઘનના દડે અમ્પાયરે સુરેશ રૈનાને આઉટ જાહેર કર્યા. એ વખતે રૈના ચાર રન પર રમી રહ્યા હતા. તેમના વિરુદ્ધ વિકેટકિપરે કૅચની અપીલ કરી હતી. જોકે, રૈનાએ રિવ્યૂ લીધો અને તેઓ નૉટઆઉટ જાહેર કરાયા.

મુંબઈ ઇન્ડિયન્સે જીતવા માટે ચેન્નઈ સામે 150 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 149 રન બનાવ્યા.

પોતાનો 33મો જન્મદિન મનાવી રહેલા મુંબઈના બૅટ્સમૅન કૅરૉન પૉલાર્ડ ચેન્નઈને બૉલરોને ધોયા. પૉલાર્ડ લયમાં લાગ્યા અને 25 દડામાં 41 રન કર્યા. આ પહેલાં મુંબઈએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી. કૅપ્ટન રોહિત શર્માએ ક્વિંટન ડી કૉક સાથે મળીને ટીમને સારી શરૂઆત અપાવી. બન્નેએ પ્રથમ વિકેટ માટે 4.5 ઓવરમાં 45 રનની ભાગીદારી નોંધાવી.

આ પહેલાં કેપ્ટન રોહિત શર્મા 15 રન બનાવીને દીપક ચહરનો શિકાર બન્યા હતા. જ્યારે ડી કૉક 17 બૉલમાં 29 રન બનાવીને આઉટ થયા હતા. જેમાં ચાર સિક્સ પણ સામેલ છે.

દીપક ચહરની પહેલી ઓવરમાં માત્ર બે જ રન બન્યા. જોકે, બીજી ઓવરમાં મુંબઈના બૅટ્સમૅન આઠ રન કરવામાં સફળ રહ્યા.

કૅપ્ટન રોહિત શર્માએ આ ઓવરમાં એક છગ્ગો પણ ફટકાર્યો. તો ત્રીજી ઓવરના પહેલા દડે ડી કૉકે પણ છગ્ગો ફટકાર્યો.

આ પહેલાં ટૉસ જીતીને મુંબઈએ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો તો ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંઘ ધોનીએ ટૉસ હાર્યા બાદ કહ્યું કે જો તેમણે ટૉસ જીત્યો હોત તો પણ બૉલિંગ જ પસંદ કરી હોત.

ગત આઈપીએલની ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વર્ષ 2010, 2011માં પણ ફાઇનલ જીતી ચૂકી છે. આ ઉપરાંત ચેન્નઈની સુપર કિંગ્સ ચાર વખત રનર અપ પણ રહી ચૂકી છે.

એ પણ યોગાનુયોગ છે કે ચેન્નઈ સુપર કિંગ્સને બે વખત ફાઇનલમાં પરાજય પણ મુંબઈ ઇન્ડિયન્સે જ આપ્યો હતો.

બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ વર્ષ 2013, 2015 અને 2017માં ચૅમ્પિયન બની હતી. જોકે, ચેન્નઈની ટીમ 2016 અને 2017 દરમિયાન આઈપીએલમાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી.

આ રીતે જોઈએ તો ચેન્નઈની ટીમ 10માંથી 8 વખત ફાઇનલમાં પહોંચી છે પણ હવે તેમની સામે ચૅમ્પિયનનો ખિતાબ બચાવવાનો પડકાર છે.

line

વિક્રમમાં મુંબઈ આગળ

લસિથ મલિંગા

ઇમેજ સ્રોત, Getty Images

આ વખતે આઈપીએલમાં રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ફાઇનલ પહેલાં ચેન્નઈની ટીમને ત્રણ વાર હરાવી ચૂકી છે.

મુંબઈએ પ્રથમ તો લીગ રાઉન્ડની બે મૅચમાં ચેન્નઈની ટીમને હરાવી. ત્યારબાદ પ્રથમ ક્વૉલિફાયરમાં પણ ચેન્નઈને 6 વિકેટે સરળતાથી હરાવી.

હવે જો બેઉ ટીમની સરખામણી કરવામાં આવે તો ચેન્નઈમાં અનુભવી ખેલાડીઓની ખોટ નથી.

ખુદ કૅપ્ટન ધોની ઉપરાંત શૅન વૉટસન, સુરેશ રૈના, હરભજન સિંઘ, ઇમરાન તાહિર, રવિન્દ્ર જાડેજા અને ડ્વૅન બ્રાવોએ આઈપીએલનો રંગ સારી રીતે જોયેલો છે.

બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સ પાસે પણ યુવા અને અનુભવી ખેલાડીઓનું શ્રેષ્ઠ સંમિશ્રણ છે. વળી, મુંબઈના કૅપ્ટન રોહિત શર્મામાં સૌને સાથે લઈને ચાલવાની આવડત છે.

લસિથ મલિંગા અને કૅરેન પૉલાર્ડ પાસે વિશાળ અનુભવ છે તો સાથે જસપ્રીત બૂમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ઈશાન કિશન અને રાહુલ ચહર જોશીલા યુવાનો છે.

line

લય અને જોશ

કૃણાલ પંડ્યા

ઇમેજ સ્રોત, AFP

આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સને લય પકડવામાં ભલે થોડી વાર લાગી પરંતુ એક વાર તેણે જીતવાનું શરૂ કર્યું તો અટકવાનું નામ ન લીધું.

પૉઇન્ટ ટેબલમાં તેઓ સૌથી શ્રેષ્ઠ સરેરાશ અને 18 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહીને પ્લૅ ઑફમાં પહોંચ્યા છે.

બીજી તરફ ચેન્નઈએ શરૂઆતમાં સતત જીત મેળવી અન્ય ટીમો સામે સરસાઈ મેળવી પરંતુ પાછળથી ફાઇનલ સુધી પહોચવામાં તેને કપરાં ચઢાણો ચઢવાં પડ્યાં.

લાઇન
લાઇન
line

બૅટિંગ તાકાત

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, AFP/Getty Images

આઈપીએલની આખી સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીના દમ પર જ એણે સફર ખેડી.

જો કોઈ મૅચમાં ધોનીનું બૅટ ન બોલ્યું તો એમણે શાનદાર કપ્તાનીને જોરે ટીમને જીત અપાવી.

આજે પણ ધોની વિકૅટ પાછળ ઊભા હોય ત્યારે કોઈ બૅટ્સમૅન આગળ વધીને રમવાની હિંમત નથી કરી શકતો. કારણ કે જો તેમણે સહેજ પણ ચૂક કરી તો ધોની પાંપણના પલકારે બૅલ્સ ઉડાવી દે છે.

હવે જો બેઉ ટીમના બૅટ્સમૅનની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સના ઑપનર કિટન ડી કૉક શાનદાર ફૉર્મમાં છે.

કિટન અત્યાર સુધી 15 મૅચમાં ચાર અડધી સદીની મદદથી 500 રન બનાવી ચૂક્યા છે. ગત આઈપીએલમાં એમણે ફક્ત 201 રન બનાવ્યા હતા.

કૅપ્ટન રોહિત શર્મા મોડે- મોડે પણ ચમક્યા ખરા. એમણે 14 મૅચમાં બે અડધી સદીની મદદથી 390 રન બનાવ્યા છે.

તો સૂર્યકુમાર યાદવે પણ ખૂબ જ સમજદારીપૂર્ણ રમત રમી બતાવી છે.

ખાસ કરીને પ્રથમ ક્વૉલિફાયરમાં એમણે ચેન્નઈના દરેક બૉલર્સની હિંમત તોડીને જે રીતે 71 રન બનાવ્યા અને ટીમને જીત અપાવી એનાથી એમનું કદ વધ્યું છે.

સૂર્યકુમાર શરૂઆતમાં ઝડપી રમે છે પરંતુ પાછળથી ધીમા પડી જાય છે પરંતુ કૅપ્ટન રોહિત શર્માને એમના પર પૂર્ણ ભરોસો છે.

line

પૉલાર્ડનો પાવર અને જસપ્રીતનો જોશ

જસપ્રીત બૂમરાહ

ઇમેજ સ્રોત, Getty Images

સામે મુંબઈ ઇન્ડિયન્સની બૅટિંગને તાકાત કૃણાલ અને હાર્દિક બંધુઓ સાથે કિરેન પૉલાર્ડની ત્રિપુટીથી મળે છે.

આ ત્રણે બૅટ્સમૅન કે પછી કહો કે ઑલરાઉન્ડર્સ ગમે તેવા બૉલર્સનો બૉલ બાઉન્ડ્રીની બહાર ચોગ્ગા-છગ્ગામાં ફેરવી દેવાની ક્ષમતા ધરાવે છે.

રોહિત શર્માની ગેરહાજરીમાં કપ્તાન તરીકે પૉલાર્ડે જે રીતે 10 છગ્ગાઓ સાથે 83 રન બનાવ્યા હતા એ મૅચને કોણ ભૂલાવી શકે?

પૉલાર્ડને આ વખતે એક પણ વિકેટ નથી મળી પરંતુ એમના બૅટથી ચેન્નઈએ સાવધાન રહેવું પડશે.

હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી 15 મૅચમાં 386 રન બનાવ્યા અને એ સાથે 14 વિકેટ્સ પણ લીધી છે.

આ જ રીતે કૃણાલ પંડ્યાએ 15 મૅચમાં 11 વિકેટ ખેરવી અને કેટલીક મૅચમાં ઉપયોગી રન કરી કૅપ્ટનનો ભાર પણ હળવો કર્યો.

પરંતુ કૅપ્ટન રોહિત શર્માનું સૌથી મોટું હથિયાર છે યૉર્કરના મહારથી જસપ્રીત બૂમરાહ છે. એમણે 15 મૅચમાં 17 વિકેટ્સ લીધી છે.

આ રીતે મુંબઈની ટીમને સહેજ પણ નબળી ધારી શકાય એમ નથી.

line

હોમ ગ્રાઉન્ડ અને સ્પિનર્સ ત્રિપુટી

ઈમરાન તાહિર

ઇમેજ સ્રોત, Getty Images

હવે રહી વાત ચેન્નઈની તો એની સફળતાનું કારણ એનું પોતાનું મેદાન છે. હોમ ગ્રાઉન્ડ પર રમતી વખતે તેઓ સિંહ બની જાય છે.

પહેલા બૉલથી જ ટર્ન લેતી ચેન્નઈની પીચ પર હરભજન સિંઘ, ઈમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાની ત્રિપુટીનો જાદુ ખૂબ ચાલે છે.

ઈમરાન તાહિર અત્યાર સુધી 15 મૅચમાં 23 વિકેટ લઈ સૌથી સફળ બૉલર્સની યાદીમાં બીજા ક્રમે છે.

હરભજને 10 મૅચમાં 16 અને જાડેજાએ 15 મૅચમાં 15 વિકેટ લઈને ચેન્નઈને ફાઇનલ સુધી પહોંચાડવામાં અગત્યનું યોગદાન આપેલું છે.

રહી વાત બૅટ્સમેન્સની તો શૅન વૉટસન અને ફૉફ ડૂ પ્લૅસીએ જે પ્રકારે બીજી ક્વૉલિફાયર મૅચમાં દિલ્હી સામે બૅટિંગ કરી એવી જો મુંબઈ સામે ફાઇનલમાં કરે તો ટીમને જલસા પડી જાય.

બીજી ક્વૉલિફાયરમાં બેઉએ અડધી સદી કરી હતી. જોકે, શૅન વૉટસનનું બૅટ જેવી આશા હતી એવું નહોતું બોલ્યું.

અલબત્ત, 16 મૅચમાં બે અડધી સદીની મદદથી 318 રન બનાવ્યા છે.

યાદ રહે કે ગત સિઝનમાં હૈદરાબાદ સામે ફાઇનલમાં સદી કરીને શૅન વૉટસને એકલા હાથે મૅચ જીતાડી હતી.

ફૉફ ડૂ પ્લૅસીએ પણ 11 મૅચમાં 370 રન કર્યા છે. હવે વધ્યા સુરેશ રૈના, અંબાતી રાયડૂ અને ધોની.

રૈનાએ 16 મૅચમાં 3 અડધી સદી સાથે 375, રાયડૂએ 16 મૅચમાં 281 અને ધોનીએ 14 મૅચમાં 414 રન કર્યા.

ધોની એ ધોની છે. એમનામાં એકલપંડે મૅચ જીતાડવાની ક્ષમતા છે. એમની કપ્તાનીની ક્ષમતાઓ સહુ જાણે છે.

સામે મુંબઈ મોટી ટીમ ગણાય છે.

આમ આ મુકાબલો બેઉ બળિયાંનો છે. સુપર સન્ડે કોને ફળશે એ તો જલ્દી જ ખબર પડી જશે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો