You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૉન્સન ઍન્ડ જૉન્સનનું બેબી શૅમ્પૂ બાળક માટે નુકસાનકારક છે?
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે દેશના ચાર રાજ્યોને (ઝોનના આધારે) બૅબી પ્રૉડક્ટ બનાવતી બહુરાષ્ટ્રીય કંપની જૉન્સન ઍન્ડ જૉન્સનને એક પ્રૉડક્ટ - શૅમ્પૂના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે.
'એનસીપીસીઆર'નો આ આદેશ કહે છે કે આ માત્ર નવા સ્ટૉક માટે નહીં, પણ દુકાનોમાં રહેલા જૂના સ્ટૉકને પણ લાગુ પડશે.
રાજસ્થાનની ડ્રગ્સ ટૅસ્ટિંગ લૅબોરેટરીના રિપોર્ટ પછી 'એનસીપીસીઆર'એ આ આદેશ આપ્યો છે.
જૉન્સન ઍન્ડ જ્હૉન્સનની પ્રતિક્રિયા
જોકે, કંપનીએ આ આરોપોને ખોટા ગણાવ્યા છે. જૉન્સન ઍન્ડ જ્હૉન્સને રાજસ્થાન સરકારની પ્રયોગશાળામાં થયેલા તપાસ અહેવાલને ખોટો ગણાવ્યો છે.
જૉન્સન ઍન્ડ જૉન્સન મૂળે અમેરિકાની કંપની છે, જે બાળકો માટે કૉસ્મેટિક્સ અને બીજી ચીજ બનાવે છે. કંપનીનું કહેવું છે કે તેમના ઉત્પાદનમાં ખતરનાક તત્ત્વો હોવાની વાત ખોટી છે.
જોકે, 'એનસીપીસીઆર'એ તેના આદેશમાં સીપીસીઆર ઍક્ટ, 2005ની સૅક્શન 13(1)(j)નો ઉલ્લેખ કર્યો છે.
એનસીપીસીઆરના ચેરપર્સન પ્રિયાંક કાનૂનગોએ બીબીસીને કહ્યું કે 2016માં જૉન્સન એન્ડ જૉન્સનના કેટલાંક ઉત્પાદનોમાં બાળકો માટે ખતરનાક તત્ત્વો હોવાના અહેવાલ મળ્યા હતા.
કાનૂનગો કહે છે, 'આયોગે તે જ સમયે સંજ્ઞાન લઈને રાજ્યોને આદેશ આપ્યો હતો કે તે તેમને ત્યાં વેચાતાં ઉત્પાદનનો ગુણવત્તાનો રિપોર્ટ આપે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમને કહેવામાં આવ્યુ હતું કે તે સૅમ્પલ લઈ તેના ટેસ્ટ રિપોર્ટ મોકલે. આ વિશે આયોગે અનેકવાર પૂછ્યું પણ કોઈ નક્કર રિપોર્ટ ન મળ્યા."
"તે પછી રાજ્યના સંબંધિત અધિકારીઓને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બાદમાં તે હાજર રહ્યા પણ તે સંબંધિત અધિકારીઓએ શૅમ્પૂનાં સૅમ્પલના રિપોર્ટ નહોતા લીધા, માત્ર પાવડરના રિપોર્ટ જ લીધા હતા."
આપને આ પણ વાચવું ગમશે
માત્ર શૅમ્પૂ પર જ પ્રતિબંધ
કાનૂનગો કહે છે કે પાઉડરનો રિપૉર્ટ તો સંતોષકારક હતો, પણ શૅમ્પૂનો કોઈ રિપોર્ટ નહોતો આવ્યો. માત્ર રાજસ્થાનથી જ શૅમ્પૂનાં સૅમ્પલ ટેસ્ટ રિપોર્ટ મળ્યા હતા. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે શૅમ્પૂમાં 'ફાર્મિલ્ડિહાઇડ' છે અને તે દૂર કરવામાં આવે.
કાનૂનગો ઉમેરે છે, ''આ રિપોર્ટના આધારે જ બધા રાજ્યોના મુખ્ય સચિવોને લખવામાં આવ્યું કે રાજસ્થાનથી આવેલાં શૅમ્પૂના સૅમ્પલ ટેસ્ટનો રિપોર્ટ કહે છે કે તે ખતરનાક છે. તેથી તમે તેના પર પ્રતિબંધ લાદો અને વેચાણ અટકાવો.
જોકે, રાજ્યોને એવું પણ કહેવામાં આવ્યું કે જો તેમને ત્યાં સૅમ્પલના અલગ રિપોર્ટ આવ્યા હોય તો આયોગને જાણ કરે.
આપને આ પણ વાચવું ગમશે
કંપની રિપોર્ટ માનવા તૈયાર નથી
જૉન્સન ઍન્ડ જૉન્સને બીબીસીને એક મેઇલમાં કહ્યું કે તે કોઈ રાજ્યની આ પ્રકારની આંતરિક તપાસના રિપૉર્ટને સ્વીકારતી નથી.
કંપનીનું કહેવું છે કે તે ફરી તપાસ કરશે અને સેન્ટ્રલ ડ્રગ્સ લૅબોરેટરીમાં થનારા રિપોર્ટની રાહ જોશે. કંપનીએ કહ્યું કે તેમને એનસીપીસીઆરના કોઈ દિશા-નિર્દેશ મળ્યા નથી.
કંપનીએ તેના જવાબમાં દાવો કર્યો છે કે તેના ઉત્પાદનો સંપૂર્ણ સુરક્ષિત છે અને ઉચ્ચ ગુણવત્તાવાળાં છે.
ખતરો શેનો છે?
પ્રિયાંક કાનૂનગો કહે છે કે આ પ્રતિબંધ શૅમ્પૂમાં રહેલાં ફોર્મિલ્ડિહાઇડ રસાયણને કારણે લાદવામાં આવ્યો છે. ફોર્મિલ્ડિહાઇડ બાળકો માટે ખતરનાક છે. તેથી આ નિર્ણય લેવાયો છે.
ખરેખર, ફોર્મિલ્ડિહાઇડ એક રંગહીન, તેજ ગંધવાળુ અને જ્વલનશીલ રસાયણ છે. તેનો ઉપયોગ ઘણાં વપરાતાં ઘણાં ઉત્પાદનોમાં થાય છે.
આ ઉપરાંત તેનો ઉપયોગ ફૂગ અને કિટાણુનાશકના સ્વરુપે પણ થાય છે. ક્યારેક તેનો પ્રયોગ પ્રિઝર્વેટિવ તરીકે પણ કરવામાં આવે છે.
હવામાં પણ કેટલાક પ્રમાણમાં ફોર્મિલ્ડિહાઈડ હોય છે, પણ જો તેનું પ્રમાણ વધી જાય તો આંખ, નાક અને ગળામાં બળતરા થાય છે.
તેના કારણે ઉધરસ થઈ શકે અને ચક્કર પણ આવી શકે છે. ઘણી વાર કેટલાક લોકોને ચામડીમાં ઇન્ફૅક્શન લાગી શકે છે.
કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે છે કે ફોર્મિલ્ડિહાઈડનું વધુ પ્રમાણ કૅન્સરનું કારણ બની શકે છે.
નેશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, ફોર્મિલ્ડિહાઈડના સંપર્કથી આંખોમાં બળતરા થઈ શકે છે, જે લાંબા ગાળે અસર કરી શકે છે.
1980માં પ્રયોગશાળામાં થયેલા એક અધ્યયનમાં એવો દાવો કરાયો હતો કે તેના સંપર્કમાં આવવાથી ઉંદરોને નાકનું કૅન્સર થયું હતું.
જે પછી 1987માં ઍન્વાર્યમેન્ટ પ્રૉટેક્શન ઍજન્સીએ પણ સ્વીકાર્યું કે તેની વધુ પડતી માત્રા કૅન્સરનું જોખમ સર્જે છે.
નિષ્ણાત શું કહે છે ?
દિલ્હીમાં પ્રૅક્ટિસ કરતાં ડૉ. દિપાલી પણ કંઈક આવો જ મત ધરાવે છે. તે કહે છે કે ફોર્મિલ્ડિહાઈડ બાળકો અને મોટા એમ બંને માટે ખતરનાક છે.
તેઓ કહે છે કે જો ચામડી તેના વધુ પડતા સંપર્કમાં આવે તો કૅન્સરનું જોખમ રહે છે.
તેઓ કહે છે, ''આ રસાયણનો ઉપયોગ શૅમ્પૂને ફીણવાળું બનાવવા માટે થાય છે. તેથી જે ઉત્પાદનોમાં તેની માત્રા વધુ હોય તેનાથી બચવું જોઈએ. બાળકોના કિસ્સામાં ખાસ ધ્યાન રાખવું.''
દિપાલીના મતે, ''આ બહુ બારીક રસાયણ હોય છે. જે શરીરના છીદ્રો વાટે રક્ત-કોશિકામાં જાય છે, અને કોશિકાઓને તોડી નાખે છે."
"જે કૅન્સરનું કારણ બની શકે છે. આ સંજોગોમાં કુદરતી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવાનું રાખો.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો