સૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.1ની તીવ્રતાનો આંચકો, 5 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ફિલિપિન્સમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં 5 લોકોનાં મૃત્યુ થયાંના અહેવાલ છે.
સૅન્ટ્રલ ફિલિપિન્સમાં 6.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂકંપ આવતાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.
આ જાણકારી યુએસ જિયોલૉજિકલ સર્વેએ આપી છે. સમાચાર એજન્સી રૉયટર્સે પણ કહ્યું છે કે મનીલામાં કેટલીય ઇમારતો, ઓફિસો ભૂંકપને કારણે હલતી જોવાં મળી હતી. રિક્ટર સ્કેલ પર આ ભૂંકપની તીવ્રતા 6.1ની મપાઈ છે.
આ ભૂંકપમાં સાત લોકો ઘાયલ થયા છે. ક્લાર્ક ઇન્ટરનેશનલ ઍરપોર્ટને નુકસાન થયું હોવાનો અહેવાલ છે.

રાહુલ ગાંધીએ રફાલ પર આપેલા નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ પર આપેલા નિવેદન મામલે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.
રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન આવેશમાં આવું નિવેદન આપી દીધું હતું. જેમનો તેમને ખેદ છે.
રાહુલ ગાંધીએ રફાલ મામલામાં કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે ચોકીદાર ચોર છે.
રાહુલના આ નિવેદન બાદ ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ અરજી દાખલ કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટની અવગણના મામલે ફરિયાદ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાહુલ ગાંધી કહેશે તો મોદી સામે ચૂંટણી લડીશ : પ્રિયંકા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images
વારાણસીમાં વડા પ્રધાન મોદીની સામે કૉંગ્રેસ કોને ચૂંટણી મેદાનમાં ઉતારશે તેના પર હજી સસ્પેન્સ છે.
જોકે, પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર પોતાની ઉમેદવારીને લઈને કહ્યું છે કે જો ભાઈ રાહુલ ગાંધી કહેશે તો તેઓ વારાણસીથી ચૂંટણી લડવા તૈયાર છે.
વાયનાડમાં રાહુલ ગાંધી માટે ચૂંટણીપ્રચાર કરી રહેલાં પ્રિયંકા ગાંધીએ કહ્યું, "જો કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મને વારાણસીથી ચૂંટણી લડવાનું કહેશે તો હું ખુશીથી ત્યાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છું."
તેમણે આગળ કહ્યું, "ચૂંટણી ખૂબ મહત્ત્વની હોય છે કારણ કે તેનાથી દેશના ભાગ્યનો ફેંસલો થાય છે. દેશના લોકતંત્રને મજબૂત કરવા નવા ભારતના લોકોએ પોતાનો મત આપવો જોઈએ."

ભારતનાં પરમાણુ હથિયારો દિવાળી માટે નથી : નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું.
'ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થનામાં જનસભાને સંબોધતા કહ્યું કે અમે આતંકવાદ અને પાકિસ્તાનને જવાબ આપ્યો છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી પાકિસ્તાન પરમાણુ હથિયારોના નામે ડરાવતું હતું પણ ભારતે હવે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. આપણાં(ભારતનાં) પરમાણુ હથિયારો શું દિવાળી માટે છે?
બીજી તરફ ગુજરાતના પાટણમાં સભા સંબોધતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે મેં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો અમારા ઍરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદનને નહીં છોડો તો પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
મોદીએ એવું પણ કહ્યું કે અમેરિકાના ટોચના અધિકારીએ નિવેદન કર્યું હતું કે મોદી 12 મિસાઇલ સાથે તૈયાર હતા, સારું થયું પાકિસ્તાને અભિનંદનને છોડી મૂક્યા, નહીં તો એ રાત પાકિસ્તાન માટે કતલની રાત હોત.

શ્રીલંકામાં થયેલા આઠ બ્લાસ્ટમાં 290 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY
રવિવારે શ્રીલંકામાં ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થઈ રહ્યા હતા ત્યારે ત્રણ ચર્ચ, ચાર હોટલ અને પ્રાણીસંગ્રહાલયને નિશાન બનાવીને આઠ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઘટનામાં 290 લોકોનાં મૃત્યુ થયાં હોવાની પૃષ્ટિ કરાઈ છે. બ્લાસ્ટમાં અંદાજે 400થી વધુ લોકો ઘાયલ થયા છે.
શ્રેણીબદ્ધ બ્લાસ્ટના ઘટનાક્રમ બાદ શ્રીલંકામાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને ઘટનાના અનુસંધાને 8 લોકોની ધરપકડ પણ કરાઈ હતી.
શ્રીલંકાની રાજધાની કોલંબો સહિત મોટા ભાગના પ્રદેશોમાં બે દિવસ સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
બ્લાસ્ટના મૃતકો પૈકી ત્રણ ભારતીયો હોવાની માહિતી વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરીને આપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી'

ઇમેજ સ્રોત, ALPESH THAKOR/FACEBOOK
'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કૉંગ્રેસે અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ઓબીસી નેતા 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર બેઠક પર કૉંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને તેમની જીત થઈ હતી.
10 એપ્રિલે તેમણે કૉંગ્રેસ પાર્ટીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે કૉંગ્રસે પાર્ટીએ તેમનું અને ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને ઠાકોર સમાજ સાથે કૉંગ્રેસે દગો કર્યો છે.
પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ તેમનું ધારાસભ્યપદ રદ કરવાની પ્રક્રિયા કૉંગ્રેસ દ્વારા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

'તૃણમૂલનું પાક.ના વડા પ્રધાનને પ્રચાર માટે બોલાવવાનું આયોજન'

ભાજપના નેતા મુકુલ રૉયે દાવો કર્યો છે કે તૃણમૂલ કૉંગ્રેસ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને ચૂંટણીપ્રચાર માટે બંગાળ બોલાવવાનું આયોજન કરે છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુકુલ રૉયે કહ્યું છે કે ટીએમસી દ્વારા ઇમરાન ખાનને આમંત્રણ આપવામાં આવ્યું છે એવી પાકી માહિતી અમારી પાસે છે.
રૉયે કહ્યું, "બાંગ્લાદેશના અભિનેતા ફિરદોસ અહમદ અને નૂર ગાઝીને આમંત્રણ અપાયું એ પહેલાં કોઈ જાહેરાત કરાઈ હતી?"
"અમારી પાસે પાકી માહિતી છે અને આ અંગે અમે ચૂંટણીપંચને જાણ પણ કરી છે."

યુક્રેનમાં કૉમેડિયન રાષ્ટ્રપતિની ચૂંટણી જિત્યા

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનમાં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીના એક્ઝિટ પોલ પ્રમાણે કૉમેડિયન વોલોદીમીર જેલેંસ્કી જંગી બહુમતીથી આગામી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.
એક્ઝિટ પોલ પ્રમાણે 70 ટકાથી વધારે મત તેમને મળ્યા છે, મતદાનના પ્રથમ તબક્કાથી જ તેઓ આગળ હતા, ત્યારે 39 ઉમેદવારો મેદાનમાં હતા.
જેલેંસ્કીએ વર્તમાન રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોને ચૂંટણીમાં પડકાર્યા હતા.
પોરોશેંકોએ હાર સ્વીકારી લીધી છે. રાજધાની કીવમાં પોતાના સમર્થકોને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ રાજનીતિમાંથી સંન્યાસ લેશે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












