જેને બંધ કરવામાં આવી છે તે જેટ ઍરવેઝની અંતિમ સફરનો આંખે દેખ્યો અહેવાલ

    • લેેખક, રવીન્દ્ર સિંહ રૉબિન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતની જાણીતી હવાઈ સેવા જેટ ઍરવેઝે બુધવારના રોજ અંતિમ ઉડાણ ભરી. દેવાંના કારણે કંપનીના પ્રબંધકોએ તેમની સેવાને અસ્થાયી સમય સુધી સ્થગિત કરી દીધી છે.

9W 3502 જેટની અંતિમ ફ્લાઇટ હતી જે બુધવારે રાતના 10.20 વાગ્યે અમૃતસરથી મુંબઈ જવા નીકળી હતી.

જોકે, વિમાનમાં બેસેલા મુસાફરોને આ વાતનો અંદાજો પણ નહોતો કે આ જેટ ઍરવેઝની અંતિમ ફ્લાઇટ છે.

બીબીસી સાથેની વાતચીતમાં કેટલાક પ્રવાસીઓએ કહ્યું કે આ જેટ ઍરવેઝની અંતિમ ફ્લાઇટ છે એ જાણીને તેમને દુ:ખ થયું છે.

અમુક પ્રવાસીઓનું કહેવું હતું કે તેમની હવાઈ મુસાફરીની શરૂઆત જેટ ઍરવેઝથી જ થઈ હતી.

પોતાના અનુભવ વ્યક્ત કરતા અમુક લોકોનું કહેવું હતું કે તેઓ મોટા ભાગે ઇન્ડિયન ઍરલાઇન્સનો ઉપયોગ કરે છે પરંતુ જેટ ઍરવેઝ તેની સુવિધા માટે જાણીતી છે.

એક મહિલા યાત્રીએ જેટના કર્મચારીઓના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું, "દેશ માટે આ સાચા સમાચાર નથી. આનાથી બેરોજગારી વધશે. આટલી મોટી સંખ્યામાં કોઈ કંપની માટે જેટના કર્મચારીઓને નોકરી આપવી સહેલું નહીં હોય."

ફ્લાઇટમાં બેસેલા એક બિઝનેસમૅને કહ્યું, "એક કંપની ખૂબ જ સારી રીતે ચાલતી હોય અને અચાનક બંધ થઈ જાય તે સ્થિતિ હું સમજી શકું છું."

બીજી તરફ જેટ ઍરવેઝ ફ્લાઇટના કૅપ્ટન અને ક્રૂએ બીબીસીને જણાવ્યું, "સૂરજ ફરીથી ઊગશે."

આ વિમાનની ઍરહોસ્ટેસને થોડા સમય સુધી તો ખ્યાલ પણ નહોતો કે આ જેટની અંતિમ ફ્લાઇટ છે.

તેમણે બીબીસીને કહ્યું, "આ ખૂબ જ કપરો સમય છે."

ઉલ્લેખનીય છે કે 25 વર્ષ જૂની ઍરલાઇન કંપની પર આઠ હજાર કરોડ રૂપિયાથી વધુનું દેવું છે. બૅન્કોએ તેને ઇમર્જન્સી ફંડ પેટે 983 કરોડ રૂપિયાનું ભંડોળ આપવાની મનાઈ કરી દીધી હતી.

ત્યારબાદ કંપની સામે હંગામી 'શટડાઉન' સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો