You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ECનો પ્રતિબંધ: યોગી, મેનકા ગાંધી, માયાવતી અને આઝમ ખાન પ્રચાર નહીં કરી શકે
કેન્દ્રીય ચૂંટણીપંચે ઉશ્કેરણીજનક નિવેદન કરીને મત માગવા બદલ બસપા સુપ્રીમો માયાવતી ઉપર 48 કલાક તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપર 72 કલાક સુધી ચૂંટણીપ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
મોડી સાંજે મેનકા ગાંધી અને આઝમ ખાનના પ્રચાર કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જોકે ચૂંટણીપંચના આ નિર્ણયને માયાવતીએ એકતરફ ગણાવ્યો છે.
માયાવતીએ કહ્યું, "અભિવ્યક્તિની સ્વતંત્રતાના મારા અધિકારનું હનન થઈ રહ્યું છે અને આ દિવસ ચૂંટણીપંચના ઇતિહાસમાં કાળો દિવસ ગણાશે."
સુલતાનપુરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાનો ભંગ કરવા બદલ મેનકા ગાંધીના પ્રચાર કરવા પર 48 કલાકનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જ્યારે રામપુરમાં ચૂંટણીપ્રચાર વખતે આચારસંહિતાનો ભંગ કરવા બાદલ આઝમ ખાનના પ્રચાર કરવા પર 72 કલાકનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બંને નેતાઓની ઉપર મતદારોની કોમી લાગણી ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો.
બીજી બાજુ, નેતાઓ દ્વારા વાંધાજનક નિવેદનો મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દેશમાં 18મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થશે, જેના માટેનો ચૂંટણી પ્રચાર તા. 16મી એપ્રિલે સાંજે સમાપ્ત થશે.
સુપ્રીમમાં સુનાવણી
આ પહેલાં વાંધાજનક નિવેદન કરવા છતાંય બહુજન સમાજ પક્ષનાં સુપ્રીમો માયાવતી તથા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સામે કાર્યવાહી ન કરવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણીપંચની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટમાંથી બીબીસીના પ્રતિનિધિ સુચિત્રા મોહંતી જણાવે છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ સમગ્ર ઘટનાક્રમથી વાકેફ હોય તેવા અધિકારીને મંગળવારે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
સર્વોચ્ચ અદાલત આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણીપંચને મળેલી સત્તાઓની પણ સમીક્ષા કરશે.
અદાલતમાં હાજર પંચના વકીલે કહ્યું હતું કે જો ઉમેદવાર દ્વારા વારંવાર આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવે તો તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ થઈ શકે છે.
"અમે તેમને (ઉમેદવાર) ગેરલાયક ન ઠેરવી શકીએ કે તેમના પક્ષની માન્યતા રદ ન કરી શકીએ."
શારજહામાં રહેતા બિન-નિવાસી ભારતીય હરપ્રિત મનસુખાણીએ જાહેરહિતની અરજી દાખલ કરીને માગ કરી હતી કે જાત અને કોમના આધાર ઉપર ઉશ્કેરણીજનક નિવેદન કરનારા રાજકીયપક્ષના પ્રવક્તા અને પ્રતિનિધિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તમે આ વાંચ્યું કે નહીં?
શું છે વિવાદ?
તા. 7મી એપ્રિલે ચૂંટણીપ્રચાર દરમિયાન માયાવતીએ સહરાનપુરના દેવબંધ ખાતે જાહેરસભા સંબોધી હતી, જેમાં એકજૂથ થઈને મહાગઠબંધનના ઉમેદવારને વિજયી બનાવવા મુસ્લિમોને અપીલ કરી હતી.
આ અંગે તા. 11મી એપ્રિલે માયાવતીને નોટિસ પાઠવી હતી, જેનો માયાવતીએ તા. 12મી એપ્રિલે જવાબ આપ્યો હતો.
તા. 9મી એપ્રિલે યોગી આદિત્યનાથે મેરઠ ખાતે જાહેરસભા સંબોધી હતી અને કહ્યું હતું કે જો સપા-બસપા અને કૉંગ્રેસને 'અલી' ઉપર વિશ્વાસ છે, તો અમને 'બજરંગબલી'ની ઉપર વિશ્વાસ છે.
તા. 11મી એપ્રિલે આ સંદર્ભે ચૂંટણીપંચે યોગી આદિત્યનાથને નોટિસ પાઠવી હતી.
ઉમેદવાર માટે આદર્શ આચારસંહિતા
ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા એટલે કે Model Code of Conduct અમલમાં આવી જાય છે.
ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.
મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણીપ્રચાર માટે ન કરી શકે.
મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.
મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પહેલાં ચૂંટણીપ્રચારના પડઘમ શાંત પડી જાય છે.
આ દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રચાર-પ્રસારનાં માધ્યમો પર જાહેરાત ન આપી શકે.
જોકે, ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.
સરકાર માટે MCC
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી જાહેરાત ન કરી શકે.
આ સિવાય લોકહિતની કોઈ યોજનાનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.
સરકારી પદાધિકારીઓની જાહેરખબરો અને તેની યોજનાઓની પ્રચારસામગ્રી જાહેરમાંથી દૂર કરી દેવામાં આવે છે.
સત્તામાં રહેલો પક્ષ સરકારી સંશાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણીપ્રચાર દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.
જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આપવામાં આવે તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.
ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપૅડ, સરકારી પ્રસાર માધ્યમો) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાન રહે છે.
તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય ત્યાર સુધી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવે છે.
કેન્દ્રીય ચૂંટણીપંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.
અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો