You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઝમ ખાનની અભદ્ર ટિપ્પણી મામલે ફરિયાદ, આ પહેલાં પણ તેમણે સર્જ્યા હતા વિવાદો
સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને આપેલા નિવેદન પર હવે વિવાદ વકરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશની રામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આઝામ ખાને એક સભામાં અભદ્ર ટિપ્પણી કરી હતી.
રામપુરની બેઠક પરથી આઝામ ખાન સામે ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા છે.
આઝમ ખાનના આ નિવેદનનો સુષમા સ્વરાજ, રાષ્ટ્રીય મહિલા આયોગ સહિત અનેક મહિલાઓએ વિરોધ કર્યો છે.
આઝમ ખાનના આ નિવેદનને લઈને તેમની સામે ઉત્તર પ્રદેશના શહાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
જોકે, આ મામલે સ્પષ્ટતા કરતા આઝમ ખાને કહ્યું હતું કે તેમનું નિવેદન જયા પ્રદા પર ન હતું.
શું હતી આઝમ ખાનની અભદ્ર ટિપ્પણી?
રામપુરમાં એક સભાને સંબોધતાં આઝામ ખાને કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે જેમને અમે આંગળી પકડીને રામપુર લઈ આવ્યા, જેમને 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ આપ્યું, તેમની અસલિયત સમજતા તમને 17 વર્ષ લાગ્યાં, હું 17 દિવસમાં ઓળખી ગયો કે તેમના અંડરવિયરનો રંગ ખાખી છે.
એવું માનવામાં આવે છે કે આ અભદ્ર ભાષાનો પ્રયોગ તેમની સામે ઊભેલાં ભાજપનાં ઉમેદવાર જયા પ્રદા સામે કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ બાદ આઝામ ખાને સફાઈ આપી કે પોતાના સંબોધનમાં તેમણે કોઈનું નામ લીધું નથી.
તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ એવું સાબિત કરી આપે કે તેમણે કોઈનું નામ લઈને નિશાન સાધ્યું છે તો તેઓ ચૂંટણી નહીં લડે.
જયા પ્રદાએ શું કહ્યું?
આઝામ ખાનના નિવેદન મુદ્દે જયા પ્રદાએ કહ્યું કે આ મારા માટે નવું નથી. અગાઉ પણ મારી સામે આ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. પણ કોઈએ તેમને સાથ આપ્યો નહોતો.
તેમણે કહ્યું, "હું મહિલા છું અને તેમણે શું કહ્યું એ પણ ફરીથી બોલી શકું એમ નથી. મને એ ખબર નથી કે તેમના આવા નિવેદન વિશે મારે શું કરવું."
"તેમને ચૂંટણી લડવા ન દેવી જોઈએ, કારણ કે જો આ વ્યક્તિ ચૂંટણી જીતશે તો લોકશાહીનું શું થશે?"
"મહિલાઓ માટે સમાજમાં કોઈ સ્થાન નહીં હોય, અમે ક્યાં જઈશું? શું હું મરી જાઉં તો તમને સંતોષ થશે? તમે એવું વિચાર્યું હશે કે હું ડરી જઈશ અને રામપુર છોડી દઈશ, પરંતુ હું નહીં છોડું."
સુષમા સ્વરાજે પણ કરી ટીકા
આઝામ ખાનના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ટીકા કરી છે.
જેમાં વિદેશમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે પણ જયા પ્રદાનને સાથ આપતા આઝમ ખાનના નિવેદનની ઝાટકણી કાઢી છે.
સુષમા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું, "મુલાયમભાઈ, તમે સમાજવાદી પક્ષના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે, તમે ભીષ્મની જેમ મૌન ધારણ કરવાની ભૂલ ન કરતા."
ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ મામલે નોંધી લીધી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગનાં ચેર-પર્સન રેખા શર્માએ કહ્યું કે મહિલા આયોગના સભ્યો આ મામલે આઝમ ખાનને નોટિસ મોકલી છે.
ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણીપંચને પણ એવી વિનંતી કરવામાં આવશે કે તેમને (આઝમ ખાન) ચૂંટણી લડતા રોકવામાં આવે.
આઝમ ખાન અને વિવાદો
સમાજવાદી પાર્ટીમાં વરિષ્ઠ નેતા ગણાતા આઝમ ખાનનો વિવાદો સાથે લાંબો નાતો રહ્યો છે.
વર્ષ 2014માં ચૂંટણીપંચે ઉત્તર પ્રદેશમાં તેમની રેલીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ચૂંટણીપંચે તેમને સાંપ્રદાયિક ભાગલાવાદી નિવેદનો આપવાના મામલામાં દોષિત ઠેરવ્યા હતા.
આ ચૂંટણીપ્રચારમાં જ જયા પ્રદાએ આઝમ ખાન પર આરોપ લગાવ્યો હતો કે જેમને તેમણે ભાઈ ગણ્યા હતા તેમણે (આઝમ ખાન) તેમને નાચનારી કહ્યું છે.
વર્ષ 2015માં આઝામ ખાન સમાજવાદી પક્ષમાં શહેરી વિકાસમંત્રી હતા ત્યારે તેમણે એક સરકારી બસ ચલાવી હતી.
ત્યારે ભાજપે વિરોધ કરતાં આઝમ ખાન પર લાઇસન્સ વિના બસ ચલાવવાના આરોપસર કાર્યવાહી કરવાની માગ કરી હતી.
વર્ષ 2017માં આઝમ ખાને ભારતીય સેના સામે આપેલા નિવેદન મામલે પણ વિવાદ થયો હતો અને તેમના સામે ફરિયાદ પણ નોંધાઈ હતી.
વર્ષ 2016માં આઝમ ખાને બુલંદશહર રેપ કેસ મામલે કહ્યું હતું કે આ ઉત્તર પ્રદેશની સરકારને બદનામ કરવા માટેનું રાજકીય ષડયંત્ર છે. જે બાદ તેમને સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગવી પડી હતી.
વર્ષ 2014માં આઝમ ખાને સમાજવાદી પાર્ટીના તત્કાલીન પ્રમુખ મુલાયમ સિંહને 'હીજડો' કહ્યા હતા. એક ભાષણ દરમિયાન તેમણે આ વાત કરી હતી. જે બાદ આ ભાષણનો વીડિયો પણ વાઇરલ થયો હતો.