દ્વારકામાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેકને ગુજરાત હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા, હવે આગળ શું?

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી છે.
2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહીર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી.
જે બાદ આહીરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરું અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે.
આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી છે પરંતુ આહીરને ચૂંટાયેલા જાહેર કર્યા નથી.
આ મામલે મેરામણ આહીરે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સત્યનો વિજય થયો છે.

શા માટે વિવાદ, હવે શું ?

ઇમેજ સ્રોત, Darshan Thakkar
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાઈકોર્ટમાં માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે.
જોકે, હાઈકોર્ટે આ વાતને નકારી કાઢી હતી, જેથી હાલ તેઓ 'ગેરલાયક' ઠરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હાઈકોર્ટના ચુકાદા સામે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાશે.
માણેકે કહ્યું, "આ ચુકાદા અંગે કોઈ ટિપ્પણી નથી કરવી. ચુકાદા સામે અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. આશા છે કે ત્યાંથી ન્યાય મળશે."

આહીરને કેમ વિજેતા જાહેર ન કરાયા?

ઇમેજ સ્રોત, Facebook/BhupendraSingh
આહીરે માગ કરી હતી કે તેમને વિજેતા જાહેર કરવામાં આવે, પરંતુ હાઈકોર્ટે ઠેરવ્યું હતું, "જો ઉમેદવારીના અંતિમ દિવસે તેઓ અને માણેક માત્ર બે ઉમેદવાર હોત તો ફૉર્મ રદ થવાના સંજોગોમાં અરજદારને વિજેતા ઠેરવી શકાયા હોત."
"આ કિસ્સામાં તેમના સિવાયના ઉમેદવારો પણ સ્પર્ધામાં હોવાથી આ અરજી ગ્રાહ્ય ન રાખી શકાય."
સપ્ટેમ્બર-2013માં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે ઉમેદવારો વિશે માહિતી મેળવવીએ નાગરિકોનો 'મૂળભૂત અધિકાર' છે.
જો કોઈ ઉમેદવાર તેમના સોગંદનામામાં કોઈ ખાનું ખાલી મૂકે કે વિગત ન આપે તો ચૂંટણીપંચ તેને ગેરલાયક ઠેરવી શકે છે.
ઉમેદવાર 'ટીકમાર્ક' કે માત્ર 'ડેશમાર્ક' પણ ન કરી શકે. ઉમેદવારે 'કંઈ નહીં', 'જાણ નહીં' કે 'લાગુ નહીં' એમ સ્પષ્ટપણે જણાવવાનું રહે છે.
જો ઉમદેવારથી કોઈ વિગત છૂટી ગઈ હોય તો રિટર્નિંગ ઑફિસર ખૂટતી વિગતો આપવા માટે ઉમેદવારને જણાવી શકે છે.

આ વિશે વધુ વાંચો

સરકારને અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ચુકાદા બાદ ગૃહમાં ભાજપની સભ્યસંખ્યા 100માંથી ઘટીને ફરી 99 થઈ જશે.
23મી એપ્રિલે વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાશે, જેના કારણે ગૃહનું પરિદૃશ્ય વધુ એક વખત બદલાશે.
પેટાચૂંટણીમાં ભાજપનો પરાજય થાય તો પણ હાલ વિજય રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકારને કોઈ અસર નહીં થાય, કારણ કે 182 ધારાસભ્યોના વિધાનગૃહમાં બહુમત માટે 92 સભ્યોની જરૂર રહે છે.
રૂપાણી સરકારમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીને પણ હરીફ કૉંગ્રેસી ઉમેદવારે હાઈકોર્ટમાં પડકારી છે.

કોણ છે પબુભા માણેક?

ઇમેજ સ્રોત, Getty Images
પબુભા માણેક દેવભૂમિ દ્વારકા (અગાઉ જામનગર) જિલ્લાની દ્વારકા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય છે.
તેઓ ભાજપમાં જોડાયા તે પહેલાં અપક્ષ અને કૉંગ્રેસ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા.
માણેક સ્થાનિક હિંદુ વાઘેર સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઓખામંડળ વિસ્તારમાં સમર્થકોની વચ્ચે તેઓ 'ભા'ના નામથી જાણીતા છે.
તેઓ 5,700 જેટલા મતોથી વિજયી થયા હતા. પરંપરાગત રીતે તેમને ઓખામંડળ વિસ્તારમાંથી સમર્થન મળતું હતું પરંતુ ગત ચૂંટણી વખતે દ્વારકા શહેરના મતદાને તેમની જીત સુનિશ્ચિત કરી હતી.
આ ચુકાદા બાદ કૉંગ્રેસના ઉમેદવાર મેરામણભાઈ આહીરે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે 'અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો અને સત્યનો વિજય થયો છે.'
(આ સ્ટોરી માટે જામનગરથી દર્શન ઠક્કરના ઇનપુટ્સ મળેલા છે.)


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














