You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું રશિયાનું સર્વોચ્ચ સન્માન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'હૉલી અપાસલ ઍન્ડ્રૂ'થી નવાજવામાં આવશે.
ભારત ખાતે રશિયાની ઍમ્બેસી દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે :
"ભારત અને રશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને મૈત્રીને વધુ સુદ્રઢ કરવા માટે મોદીએ જે સેવાઓ આપી તે અજોડ છે."
17મી સદીના અંત ભાગમાં રશિયાના ઝાર પીટર પ્રથમે આ સન્માનની સ્થાપના કરી હતી.
અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આ સન્માન આપવામાં આવ્યું હતું.
અગાઉ ગત સપ્તાહે સંયુક્ત આરબ અમીરાતે મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઑર્ડર ઑફ ઝાયેદ'થી નવાજ્યા હતા.
ઇલેક્ટ્રોરલ બૉન્ડ મામલે ચુકાદો
રાજકીય દળોને મળતાં ફંડ સંબંધિત 'ઇલેક્ટોરલ બૉન્ડ' પર રોક લગાવવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાનો ચુકાદો સંભળાવી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 'ઇલેક્ટોરલ બૉન્ડ' પર પ્રતિબંધ લગાવામાં નહીં આવે પણ તમામ પક્ષોએ ચૂંટણીપંચને આ મામલે સીલબંધ કવરમાં માહિતી આપવી પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન ઇલેક્ટોરલ બૉન્ડ પર નિર્ણય ન કરવા સરકારે સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે આ મામલે તમામ પક્ષોને 30 મે સુધી માહિતી આપવા જણાવ્યું છે. જોકે, ચૂંટણી સુધી હસ્તક્ષેપ ના કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે.
નમો ટીવી પર મંજૂરી વગર ચૂંટણીલક્ષી સામગ્રીનું પ્રસારણ ના કરાય : ચૂંટણીપંચ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં ભાષણો અને ભાજપ સમર્થિત સામગ્રીનાં પ્રસારણને લઈને 'નમો ટીવી' મામલે ચૂંટણીપંચે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને આદેશ જાહેર કર્યા છે.
જે અંતર્ગત ટીવી પર કોઈ પણ પ્રકારની ચૂંટણીલક્ષી સામગ્રીનું પ્રસારણ ન કરવા દેવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીને આદેશ અપાયા છે.
ચૂંટણીપંચનું એવું પણ કહેવું છે કે મીડિયા સર્ટિફિકૅશન ઍન્ડ મૉનિટરિંગ કમિટી (એમસીએમસી) દ્વારા પ્રમાણિત કાર્યક્રમો જ નમો ટીવી પર પ્રસારીત કરી શકાશે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને લખાયેલા પત્રમાં ચૂંટણીપંચે કહ્યું છે, "તમે એ વાતની પુષ્ટિ કરી છે કે નમો ટીવી/કન્ટૅન્ટ ટીવી પર એમસીએમસી કમિટીની મંજૂરી વગર જે-તે સામગ્રીનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે."
એ બાદ ચૂંટણીપંચે ઉમેર્યું કે નમો ટીવી એક રાજકીય પક્ષ દ્વારા પ્રાયોજિત છે અને તેના પર પ્રસારિત કરાઈ રહેલી રાજકીય સામગ્રીના તમામ રૅકૉર્ડેડ કાર્યક્રમ અને જાહેરાતોની મંજૂરી લેવી જરૂરી છે.
લોકસભા ચૂંટણી 2019 : વિવાદાસ્પદ નિવેદનો બદલ માયાવતી અને યોગીને નોટિસ
વિવાદાસ્પદ નિવેદનો બદલ ચૂંટણીપંચે ગુરુવારે બસપા પ્રમુખ માયાવતી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ ફટકારી છે.
ગત રવિવારે સહારનપુરમાં સપા-બસપા-આરએલડી મહાગઠબંધનની પ્રથમ સંયુક્ત સભામાં માયાવતીએ ભાજપ અને કૉંગ્રેસને એક જ સિક્કાની બે બાજુ ગણાવતાં મુસલમાનોને પોતાનો મત વહેંચાઈ ના જાય એ બાબતે સાવચેત રહેવા જણાવ્યું હતું.
તો યોગી આદિત્યનાથે મેરઠમાં એક ચૂંટણીસભાને સંબોધતા કહ્યું હતું, "જો કૉંગ્રેસ, સપા, બસપાને 'અલી' પર વિશ્વાસ છે તો અમને પણ 'બજરંગબલી' પર વિશ્વાસ છે."
ચૂંટણીપંચે બન્નેને નોટિસ ફટકારી 24 કલાકમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
સ્મૃતિ ઈરાની ગ્રૅજ્યુએટ નથી
ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ લોકસભા ચૂંટણી લડી રહેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે ચૂંટણીપંચ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે તેઓ 'ગ્રૅજ્યુએટ' નથી.
ચૂંટણીના સોગંદનામામાં તેમણે પ્રથમ વખત એવી જાહેરાત કરી છે કે તેમણે ત્રણ વર્ષની કૉલેજ ડિગ્રી પૂર્ણ કરી નથી.
સોગંદનામાની ઉચ્ચ શિક્ષણ કૉલમમાં સ્મૃતિએ 'દિલ્હી યુનિવર્સિટીની 'સ્કૂલ ઑફ ઑપન લર્નિંગ'માંથી બૅચલર ઑફ કૉમર્સ પાર્ટ-1' લખ્યું. આ અભ્યાસ તેમણે વર્ષ 1994માં કર્યો હોવાનું પણ જણાવ્યું.
એનડીટીવીની વેબસાઇટના અહેવાલ અનુસાર સ્મૃતિએ કોષ્ટકમાં 'ત્રણ વર્ષનો ડિગ્રી અભ્યાસક્રમ અપૂર્ણ' એવું પણ લખ્યું છે.
મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ મોઢવાડિયાને નોટિસ
પાલનપુર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાને નોટિસ ફટકારવામાં આવી છે.
ભાજપ દ્વારા મોઢવાડિયા સામે 'વડા પ્રધાન વિરુદ્ધ બિન-સંસદીય, અયોગ્ય અને અભદ્ર' શબ્દોનો કથિત પ્રયોગ કરવા બદલ ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી હતી.
'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને પાલનપુરના કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું કે મીડિયા અહેવાલોના આધારે મોઢવાડિયાને નોટિસ ફટકારવામાં આવી છે.
મોઢવાડિયાને આ મામલે ત્રણ દિવસમાં પોતાનો જવાબ રજૂ કરવાનો આદેશ પણ અપાયો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો