You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વાયનાડ : રાહુલ ગાંધીના 'પાકિસ્તાન કનેક્શન'નું સત્ય - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.
વાયનાડમાં રાહુલ ગાંધીની ચૂંટણી રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવવામાં આવ્યા હોવાનું સોશિયલ મીડિયા પર લખાઈ રહ્યું છે, સાથે જ કેરળમાં કૉંગ્રેસની ઑફિસને ઇસ્લામિક રંગથી રંગવામાં આવી હોવા અંગે પણ પોસ્ટ કરાઈ રહી છે.
વાયનાડ બેઠકમાં મતદારોની સંખ્યા મામલે પણ સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી છે. લોકો હિંદુ અને મુસ્લિમ મતદાતાઓની સંખ્યા મામલે અલગઅલગ પ્રકારના દાવા કરી રહ્યા છે.
આ મામલે બીબીસીએ તેની તપાસ બાદ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો.
પરંતુ રાહુલ ગાંધીએ વાયનાડ સંસદીય બેઠક પરથી ઉમેદવારી નોંધાવી, ત્યારબાદથી અફવાઓ વધુ ઝડપથી ફેલાવા લાગી છે.
અમે વાયનાડ રેલી સાથે જોડાયેલા કેટલાક દાવાની તપાસ કરી અને તપાસમાં આ દાવા ખોટા સાબિત થયા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પહેલી અફવા
વર્ષ 2009માં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી ઉત્તર કેરળની વાયનાડ લોકસભા બેઠક પર જ્યારે રાહુલ ગાંધી ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા તો લોકોએ ઇસ્લામિક ઝંડા ફરકાવીને તેમનું સ્વાગત કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિલ્મ અભિનેત્રી કોઇના મિત્રાએ આ જ દાવા સાથે તસવીર ટ્વીટ કરી છે.
ટ્વિટર, ફેસબુક અને શૅરચેટ પર સેંકડો વખત પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરને રાહુલ ગાંધીની વાયનાડ રેલીની ગણાવવામાં આવી રહી છે.
પરંતુ આ તસવીર 28 જાન્યુઆરી 2016ની છે.
વર્ષ 2016માં જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં કેરળના કોઝીકોડ અને મલાપ્પુરમ જિલ્લામાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે ઘણી યાત્રાઓ કરી હતી. આ તસવીર એ જ યાત્રાઓમાંથી એક યાત્રાની છે.
આ યાત્રાઓનું નેતૃત્વ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીના મહાસચિવ પી કે કુન્યાલીકુટ્ટીએ કર્યું હતું.
કુન્યાલીકુટ્ટી કેરળ સરકારમાં ઘણાં મંત્રાલય સંભાળી ચૂક્યા છે. એપ્રિલ 2017માં મલાપ્પુરમ લોકસભા સીટ પર થયેલી પેટા-ચૂંટણીને જીતીને તેઓ સાંસદ બન્યા હતા.
વાયનાડમાં પાકિસ્તાની ઝંડા?
રાહુલ ગાંધીની વાયનાડ રેલીના કેટલાક વીડિયો અને તસવીરો શૅર કરતાં લોકો લખી રહ્યા છે કે રાહુલની રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવવામાં આવ્યા.
સોશિયલ મીડિયા પર રાહુલની રેલીના જે વીડિયોમાં લીલા ઝંડા જોવા મળી રહ્યા છે, તેમને લોકો પાકિસ્તાની ઝંડા ગણાવીને વૉટ્સઍપ અને ટ્વિટર પર શૅર કરી રહ્યા છે.
પરંતુ આ રેલીમાં 'ચંદ્ર અને તારા'નાં ચિહ્ન સાથે જે લીલા ઝંડા જોવા મળી રહ્યા હતા તે પાકિસ્તાનના નહીં, પણ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના છે.
ભારતના ચૂંટણીપંચમાંથી માન્યતા પ્રાપ્ત ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીના કાર્યકર્તા આ રેલીમાં સામેલ થયા હતા જેમણે રાહુલ ગાંધીનાં પોસ્ટર પકડ્યાં હતાં.
કેરળમાં કૉંગ્રેસ પાર્ટીએ પાંચ અન્ય સ્થાનિક પક્ષો સાથે મળીને યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) બનાવ્યું છે.
આ ગઠબંધનમાં કૉંગ્રેસ બાદ બીજી સૌથી મોટી પાર્ટી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ છે.
વર્ષ 1948માં ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગથી અલગ થયા બાદ મોહમ્મદ ઇસ્માઇલે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ની સ્થાપના કરી હતી.
IUMLએ રાહુલ ગાંધીના દક્ષિણ ભારતથી ચૂંટણી લડવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ખુશી વ્યક્ત કરી છે.
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનો ઝંડો લીલા રંગનો છે. તેની ડાબી બાજુ ઉપરની તરફ ચંદ્ર અને તારો પણ છે.
પરંતુ આ પાકિસ્તાની ઝંડાથી સ્પષ્ટપણે અલગ છે.
ઇમારત કૉંગ્રેસની નથી
સોશિયલ મીડિયા પર આ ઇમારતની તસવીર વિશે લખવામાં આવી રહ્યું છે કે આ કેરળના વાયનાડમાં કૉંગ્રેસ પાર્ટીનું કાર્યાલય છે.
ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો છે કે તેને ચૂંટણીની તૈયારીઓ વચ્ચે લીલા રંગથી રંગી દેવાઈ છે.
બીબીસીને વૉટ્સઍપના માધ્યમથી મળેલી તસવીર વિશે લોકોને પૂછ્યું કે 'શું કૉંગ્રેસ પાર્ટીએ પોતાના કાર્યાલય પર પાકિસ્તાની ઝંડાનો રંગ કર્યો છે?'
પરંતુ આ કેરળના વાયનાડમાં કૉંગ્રેસ પાર્ટીનું કાર્યાલય જ નથી અને આ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ પાર્ટીના સ્થાનિક કાર્યાલયની તસવીર છે.
વાઇરલ તસવીરને ધ્યાનથી જોવામાં આવે તો કાર્યાલયની ઉપર ડાબી તરફ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગનું ચિહ્ન બનેલું છે.
આ ઑફિસની ડાફી તરફ એક વ્યક્તિની તસવીર લાગેલી છે. આ તસવીર ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા સઈદ મોહમ્મદ અલી શિહાબની છે જેમનું વર્ષ 2009માં નિધન થયું હતું.
ઇમારતની બહાર બધું જ મલયાલમ ભાષામાં લખાયેલું છે. એ માટે એવી શક્યતા છે કે અન્ય રાજ્યોમાં લોકો તેને સમજી ન શકે.
પરંતુ તેના પર સ્પષ્ટપણે લખ્યું છે- 'ઇકબાલનગર, લીગ હાઉસ'.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો