યોગી આદિત્યનાથે મતદારોને લાંચ આપી હોવાનો દાવો કરતા વીડિયોની હકીકત- ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

લોકસભાની 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મતદાતાઓને લાંચ આપવાની કોશિશ કરતા હોય એવું દર્શાવવામાં આવ્યું છે.

લગભગ દોઢ મિનિટના આ વીડિયોમાં યોગી આદિત્યનાથ આરામ ખુરશી પર બેઠેલા દેખાય છે અને તેમની પાસે રહેલી વ્યકિત લોકોને નામ દઈને બોલાવે છે અને પૈસા આપે છે.

વીડિયોમાં દેખાય છે કે પૈસા મળ્યા બાદ ઘણા લોકો યોગી આદિત્યનાથને હાથ જોડે છે અને પગે પણ લાગે છે.

ફેસબુક પર I support Ravish kumar NDTV નામના એક પબ્લિક ગ્રૂપમાં આ વીડિયો હાલ જ શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને 70 હજારથી વધારે લોકો શૅર કરી ચૂક્યા છે.

વીતેલા થોડાં દિવસોમાં ટ્વિટર અને વૉટ્સઍપ વૉટ્સઍપ પર પણ આ વીડિયોને ઘણી વાર શૅર કરવામાં આવ્યો છે.

લોકોએ આ વીડિયો પર એમ કહીને સવાલ કર્યા કે 'જો આગામી ચૂંટણી અગાઉ આવું થઈ રહ્યું છે તો ભારતનું ચૂંટણી પંચ શું કરી રહ્યું છે?'

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે લાખો વખત જોવાયેલા આ વીડિયો અને આગામી લોકસભાની ચૂંટણી વચ્ચે કોઈ સંબંધ નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

જૂનો છે વીડિયો

વાઇરલ થઈ રહેલો આ વીડિયો Amit Shah Fans નામના એક ફેસબુક પેજ પરથી લેવામાં આવ્યો છે, જેને 6 લાખ લોકો ફૉલૉ કરે છે.

આ પેજ પર આ વીડિયો 13 માર્ચ 2019ની સાંજે ઑલ્ડ ઇઝ ગૉલ્ડ ટાઇટલ સાથે પૉસ્ટ કરવામાં આવ્યો હતો. અત્યારસુધી 17 લાખ વાર જોવામાં આવ્યો છે અને 6 હજારથી વધારે લોકો દ્વારા શૅર કરવામાં આવ્યો છે.

આ વીડિયોને ધ્યાનપૂર્વક જોવાથી જાણવા મળશે કે આદિત્યનાથની પાસે ઊભેલી વ્યકિત લોકોને નોટ વહેંચી રહી છે અને તે 2016માં નોટબંધી દરમિયાન પ્રતિબંધિત કરાયેલી 500ની જૂની ચલણી નોટો છે.

વીડિયોની ફ્રૅમ સર્ચ કરતા અમને એપ્રિલ 2012માં યૂટ્યૂબ પર અપલોડ થયેલો આ જ વીડિયો મળ્યો.

એ વખતે આદિત્યનાથ યોગી ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા બેઠકના સાંસદ હતા.

વીડિયોને 2012માં વિનય કુમાર ગૌતમ નામના એક યૂ-ટ્યૂબરે પોસ્ટ કર્યો હતો.

ગોરખપુરથી સંસદસભ્ય આદિત્યનાથ યોગીએ પીડિત ખેડૂતોને થોડી આર્થિક સહાય કરી હતી. દરેક પીડિત પરિવારને નૂકસાનીને બદલે દોઢ-બે હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

અમે આ ઘટનાની વધારે જાણકારી માટે આદિત્યનાથ યોગીની ઑફિસ સાથે વાત કરવાની કોશિશ કરી. એમનો જવાબ મળશે ત્યારે તેને અહીં ઉમેરી દેવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો