નરેન્દ્ર મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે, BJPની ઉમેદવારોની યાદી જાહેર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ફરી વખત ચૂંટણી લડશે અને ગાંધીનગર બેઠક પરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠક પરથી અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ હતા.

પત્રકાર પરિષદ યોજીને 184 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

જેમાં કેટલીક મહત્ત્વની બેઠક આ મુજબ છે.

  • વારાણસી - નરેન્દ્ર મોદી
  • ગાંધીનગર - અમિત શાહ
  • અમેઠી - સ્મૃતિ ઈરાની
  • લખનૌ - રાજનાથ સિંહ
  • નાગપુર - નીતિન ગડકરી
  • મથુરા - હેમા માલિની
  • ઉન્નાવ - સાક્ષી મહારાજ
  • બીકાનેર - અર્જુન મેઘવાલ

બેઠકોના ઘટનાક્રમ બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.

ગઈ લોકસભાની ચૂંટણીમાં એટલે કે 2014માં નરેન્દ્ર મોદી વારાણસી તથા વડોદરા એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા.

બન્ને બેઠકો પરથી વિજય થતા તેમને વડોદરા બેઠક છોડી હતી અને વડોદરામાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટ જીત્યાં હતાં.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની ઉમેદવાર

સ્મૃતિ ઈરાની

ઇમેજ સ્રોત, AFP

કૉંગ્રેસનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીને ફરી રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.

અમેઠી બેઠકથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં સાંસદ છે.

અગાઉ આ બેઠક પરથી સંજય ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ સાંસદ રહી ચૂક્યાં છે.

આ બેઠક પર માત્ર બે વખત કૉગ્રેસની હાર થઈ છે.

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની હાર થઈ હતી, પણ ત્યારબાદ તેઓ અમેઠીના મતવિસ્તારમાં સક્રીય રહ્યાં હતાં અને અહીં મહેનત વધારે કરી હતી.

તાજેતરમાં નરેન્દ્ર મોદી તથા યોગી આદિત્યનાથની હાજરીમાં અમેઠીમાં બેઠક યોજાઈ હતી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર અહીં ચાબખા પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રથમ યાદીમાં લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત મુરલી મનોહર જોષીનું નામ પણ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો