You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પત્રકારને ન્યાય અપાવવા અમદાવાદીઓ રસ્તા પર ઊતર્યા
- લેેખક, અસ્મિતા દવે
- પદ, બીબીસી ગુજરાતી
અમદાવાદમાંથી ચિરાગ પટેલ નામના પત્રકારનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્રણ દિવસ બાદ પણ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગેનું રહસ્ય અકબંધ છે.
આ દરમિયાન ચિરાગ પટેલને ન્યાય મળે એ માટે અમદાવાદીઓએ કૅન્ડલ માર્ચ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા. આ પહેલાં મંગળવારે સાંજે અમદાવાદ પોલીસ દ્વારા આ મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ સેક્ટર-2ના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ એમ.એસ. ભરાડા અને ઝોન-5ના ડૅપ્યૂટી કમિશનર ઑફ પોલીસ અક્ષયરાજ મકવાણા દ્વારા જણાવાયું કે પોલીસ હત્યા અને આત્મહત્યા બંને દીશામાં તપાસ આગળ વધારી રહી છે.
જોકે, આ મામલે ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચતા પહેલાં એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર 26 વર્ષના ચિરાગનો મૃતદેહ શનિવારે અવાવરું સ્થળેથી બળેલી હાલતમાં મળી આવ્યો હતો.
તેઓ ટ્વિટર અને ફેસબુક પર વિવિધ રાજકીય અને સમાજિક મુદ્દે પોતાનો મત વ્યક્ત કરતા રહેતા.
તેઓ વિવિધ મુદ્દે આરટીઆઈ હેઠળ માહિતી પણ માગતા રહેતા.
ચિરાગ પટેલ નિકોલમાં પોતાના ભાઈ, ભાભી અને માતા સાથે રહેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના પિતાનું ચાર વર્ષ પહેલાં અવસાન થયું હતું. તેઓ 'ટીવી-9 ન્યૂઝ'માં કૉપી એડીટર તરીકે કામ કરતા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
'આરટીઆઈ કરવાની ના પાડીહતી'
ચિરાગ પટેલના ભાઈ જૈમિન પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ચિરાગ સોશિયલ મીડિયા પર સક્રીય હતા અને ટ્વિટર પણ ઉપયોગ કરતા હતા.
ચિરાગ આરટીઆઈનો ઉપયોગ પણ કરતા હોવાની વાત પણ સામે આવી છે.
આ અંગે જૈમિન જણાવે છે, "મેં બે -ત્રણ વખત એને ના પણ પાડી છે કે આપણે આ બધામાં નથી પડવું. ક્યારેક કોઈ જગ્યાએ ફસાઈ જઈએ તો તકલીફ થઈ જાય."
"અમને લાગે છે કે એવું પણ બન્યું હોય કે એ આરટીઆઈ કરતો એ કોઈ અધિકારીને નથી ગમ્યુ અને તેની હત્યા કરાવી હોય."
ચિરાગ પટેલના પરિવારે આ મામલે પ્રદિપસિંહ જાડેજાના સચિવને આવેદન પત્ર પાઠવ્યો છે.
આ અંગે વાત કરતા તેઓ જણાવે છે, "અમે સીબીઆઈને તપાસ સોંપવા માટે અરજી કરી છે, કારણ કે પોલીસ ગોકળગાયની ગતિએ તપાસ કરે છે."
"ત્રણ દિવસ થવા છતાં કોઈ ચોક્કસ પરિણામ નથી મળ્યું અને અમને પોલીસે પુરાવા પણ બતાવ્યા નથી."
"અમે કે એના મિત્રો પણ માનવા તૈયાર નથી કે એ આત્મહત્યા કરી શકે. એ આત્મહત્યા કરે એવો માણસ જ નહોતો."
"અમને લાગે છે કે તેની હત્યા થઈ છે."
ચિરાગ પટેલની હત્યા થઈ હોવાની શંકા પરિવારજનોએ વ્યક્ત કરી કરી છે.
જૈમિન પટેલે જણાવ્યું, "ચિરાગનો ક્યારેય કોઈ સાથે અણબનાવ નથી થયો."
"જો એણે જાતે જ પોતાના પર કંઈ છાંટ્યું હોય એના પુરાવા મળવા જોઈએ."
તેઓ પૂછે છે, "પર્સ અને ચશ્મા પરિવારને પાછાં મળે એ માટે ચિરાગે અલગ મૂક્યાં હોય તો તેણે મોબાઈલ કેમ ફેંકી દીધો?"
નોંધનીય છે કે ચિરાગના ગુમ થયાના બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી તેમનો મોબાઈલ ચાલુ હતો.
તેઓ એવું પણ પૂછે છે, "જો ચિરાગને કોઈ ફોન કરીને ના બોલાવ્યો હોય પણ કોઈએ બે-ત્રણ દિવસ પહેલાં એને વૉટ્સઍપ પર લોકેશન મોકલીને બોલાવ્યો હોય એવું કેમ ન બને?"
"અમને લાગે છે કે કોઈએ પૂર્વ તૈયારી સાથે તેની હત્યા કરી છે."
પોલીસ તપાસ એફએસએલ અને વિસરાના રિપોર્ટ પર આધારિત
પત્રકાર પરિષદ દરમિયાન પોલીસે જણાવ્યું, "અમે ઘણા લોકોનો સંપર્ક કર્યો છે અને ઘણા સીસીટીવી ફૂટેજ જોયા છે. જેમાંથી સાત ફૂટેજ એવા છે, જેમાં ચિરાગ પટેલ અમને જોવા મળ્યા છે."
ઘટના સ્થળથી નજીક આવેલા 'ટેબલી હનુમાન'ના મહંતે ચિરાગ એકલા બેઠેલા જોયો હોવાનો પોલીસનો દાવો છે.
મહંતને ટાંકીને પોલીસે એવું પણ જણાવ્યું કે ઘટનાસ્થળે ત્રણ-ચાર લોકો જ જોવા મળતા હોય છે.
પોલીસના જણાવ્યા અનુસાર ચિરાગે નજીકની દુકાન પાસેથી મમરાનું પેકેટ અને પાણીની બોટલ લીધાં હતાં.
પોલીસ એવું પણ જણાવે છે કે ચિરાગના પાકિટમાંથી એક ચીઠ્ઠી મળી છે. પેટીએમ એકાઉન્ટની જાણકારી, 35 હજારના રોકાણ તેમજ ઉધાર આપેલા પૈસાની માહિતી મળી છે.
પ્રેમ પ્રકરણ, પારિવારિક સમસ્યા, અણબનાવ કે પૈસાની બાબતને લઈને તપાસ ચાલી રહી હોવાનું પોલીસ જણાવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુના દિવસે ચિરાગે 04 :30 વાગ્યા બાદ ઇન્ટરનેટનો ઉપયોગ નહોતો કર્યો.
તેમણે છેલ્લા ત્રણ મહિનામાં જેટલા પણ લોકો સાથે વાત કરી તેની તપાસ સાઇબર ક્રાઇમ, ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ કરી રહી છે.
ચિરાગ પટેલની આરટીઆઈ કરવાની આદત અને ઘટનાને કોઈ સંબંધ હોવાનું પણ પોલીસે નકારી દીધું છે.
પેલીસના જણાવ્યા અનુસાર ચિરાગે સાંસદના વિકાસના કાર્યો અને તેમને મળતી ગ્રાન્ટ અંગેની આરટીઆઈ કરી હતી, જેનો તેમને જવાબ પણ મળી ગયો હતો.
આ મામલે પોલીસ હત્યા અને આત્મહત્યા એમ બન્ને દિશામાં તપાસ કરાઈ રહી હોવાનું જણાવે છે.
પોલીસના જણાવ્યા અનુસાર આગળનાં તારણો એફએસેલનો રિપોર્ટ અને વિસરાના રિપોર્ટ પર આધાર રાખે છે.
ચિરાગ પટેલ માટે અમદાવાદીઓ રસ્તા પર ઊતર્યા
ચિરાગ પટેલના મૃત્યુના ત્રણ દિવસ બાદ પણ તપાસ કોઈ ચોક્કસ નિષ્કર્ષ સુધી ન પહોંચતા શહેરીજનોએ વસ્ત્રાપુર વિસ્તારમાં કૅન્ડલ માર્ચનું વસ્ત્રાપુર આયોજન કર્યું હતું.
અમદાવાદના સ્થાનિકો દ્વારા યોજાયેલી આ કૅન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં પત્રકારોએ પણ ભાગ લીધો હતો.
આ ઉપરાંત ચિરાગ પટેલ જ્યાં કાર્યરત હતા, તે 'ટીવી-9 ગુજરાતી' સમાચાર ચેનલ ખાતે પણ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિરાગના પરિવારજનો જોડાયા હતા.
ન્યાયની માગ
'જસ્ટિસ ફોર ચિરાગ' હૅશટૅગ સાથે સોશિયલ મીડિયા પર ચિરાગને ન્યાય અપાવવા લોકો અપીલ કરી રહ્યા છે.
કૉંગ્રેસમાં જોડાયેલા પાટીદાર નેતા હાર્દીક પટેલે ટ્વીટ કર્યું, "હું પત્રકાર ચિરાગ પટેલની નિર્મમ હત્યા વિશે જાણીને સ્તબ્ધ છું. ગુજરાતમાં ભાજપના સાશનમાં કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતીની યાદ અપાવે છે કે અહીં કોઈ સુરક્ષિત નથી."
"એટલે સુધી કે પ્રેસના સભ્યોને પણ નિશાન બનાવવામાં આવે છે અને તેમની હત્યા કરી દેવામાં આવે છે."
ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ ટ્વીટ કર્યુ, "યુવા પત્રકાર ચિરાગ પટેલનું જે અપમૃત્યુ થયું છે, તેનાં માટે ભાજપ સંવેદના સાથે દુ:ખ વ્યકત કરે છે અને હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ આપે છે. તેમના પરીવારની અને પત્રકારજગતની લાગણી સાથે અમારી લાગણી પણ જોડાયેલી છે."
તેમણે એવું પણ ટ્વીટ કર્યું હતું કે "પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એ પણ આ સંદભઁમાં મુખ્યમંત્રી સાથે વાત કરી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એ પોલીસ તંત્રને કડકસૂચના આપીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે. તેમનાં પરીવારને ન્યાય અપાવવા સરકાર કટીબદ્ધ છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ સરકાર પર નિશાન તાકતાં પત્રકારોને સુરક્ષા આપવાની વાત કરી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો