શું પાકિસ્તાની કર્નલે માન્યું કે બાલાકોટમાં 200 લોકોનાં મૃત્યુ થયાં?- ફૅક્ટ ચેક

ઇમેજ સ્રોત, SM Viral Post
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, ફૅક્ટ ચેક ટીમ, દિલ્હી
ભારતની ઘણી મોટી ન્યૂઝ ચેનલોએ બુધવારના રોજ પાકિસ્તાનનો એક વીડિયો એ દાવા સાથે બતાવ્યો કે પાકિસ્તાની આર્મીના એક અધિકારીએ બાલાકોટમાં હુમલામાં 200 લોકોનાં મૃત્યુની વાતનો સ્વીકાર કર્યો છે.
ટીવી ચેનલ પર આવતા પહેલાં આ વીડિયો અમને સોશિયલ મીડિયા પર શૅર થતો જોવા મળ્યો હતો.
ફેસબુકનાં કેટલાંક ક્લોઝ ગ્રૂપ્સમાં આ વીડિયોને 'ભારતીય વાયુસેનાના બાલાકોટ હુમલાના પુરાવા' તરીકે રજૂ કરી શૅર કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે આ વીડિયો ટ્વીટ કરતા લખ્યું છે, "ભારતની સેનાના શૌર્ય પર પાકિસ્તાન રડી રહ્યું છે. જેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે અને દેશના ગદ્દાર આપણી સેનાને અપમાનિત કરી રહ્યા છે અને પુરાવા માગી રહ્યા છે."

ઇમેજ સ્રોત, TWITTER
કેટલીક યૂટ્યુબ ચેનલ સિવાય 'મોદીનામા' અને 'અચ્છે દિન' જેવાં ઘણાં ફેસબુક પેજ છે જ્યાં આ વીડિયોને શૅર કરવામાં આવ્યો છે અને લાખો વખત આ વીડિયોને જોવામાં આવ્યો છે.
ટીવી ચેનલ પર બતાવવામાં આવ્યા બાદ આ વીડિયો ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેને વૉટ્સએપ પર પણ 'બાલાકોટના પુરાવા' તરીકે શૅર કરવામાં આવી રહ્યો છે.
બીબીસીને પોતાના ઘણા વાચકો પાસેથી આ વીડિયો મળ્યો છે અને તેમણે તેની સત્યતા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વીડિયોની તપાસ કરતા અમને ખબર પડી કે તેમાં જોવા મળી રહેલા પાકિસ્તાની આર્મી ઑફિસરે ક્યાંય પણ બાલાકોટ હુમલામાં 200 લોકોનાં મૃત્યુની વાતને સ્વીકારી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

200 નહીં, એક વ્યક્તિનું મૃત્યુ

ઇમેજ સ્રોત, Nasur Ullah/Facebook
પાકિસ્તાનમાં હાજર એક વરિષ્ઠ પત્રકાર રહીમુલ્લા યુસુફઝઈ સાથે જ્યારે અમે આ વીડિયો અંગે વાત કરી તો તેમણે બે બાબતો જણાવી.
પહેલી એ કે વીડિયોમાં જે લોકો આર્મી ઑફિસર સાથે વાત કરી રહ્યા છે, ખાસ કરીને પાકિસ્તાની ઑફિસરની પાસે ખાટલા પર બેઠેલા વૃદ્ધ પશ્તો ભાષા બોલી રહ્યા છે અને ખૈબર પખ્તૂનખ્વાના માનસેરા- બાલાકોટ વિસ્તારમાં હિંડકો ભાષા બોલવામાં આવે છે.
બીજી વાત એ છે કે જે પાકિસ્તાની અધિકારી લોકો સાથે વાત કરી રહ્યા છે તેઓ 200 લોકોનાં મૃત્યુની નહીં, પણ 200 લોકોમાંથી કોઈ એક વ્યક્તિના મૃત્યુની વાત કરી રહ્યા હતા.
વીડિયોને ધ્યાનથી સાંભળવા પર વાસ્તવિકતા સામે આવે છે.
વીડિયોમાં તેઓ કહી રહ્યા છે, "...એ માટે અમે આવ્યા છીએ કેમ કે અમે માનીએ છીએ કે જે સરકાર સાથે ઊભા રહીને લડે છે, તે જેહાદ છે. આ પ્રતિષ્ઠા થોડા લોકોને જ નસીબ થાય છે. દરેક વ્યક્તિને નહીં."
"તમને ખબર છે કે કાલે બસો લોકો ઉપર ગયા હતા. આ વ્યક્તિના નસીબમાં શહાદત લખેલી હતી. આપણા નસીબમાં ન હતી. અમે દરરોજ ત્યાં ચઢીએ છીએ. જઈએ છીએ, આવીએ છીએ. પરંતુ શહાદત એવા જ લોકોને નસીબ થાય છે કે જેમના પર અલ્લાહની ખાસ નજર હોય છે."
પરંતુ ભારતમાં આ વીડિયોને એ કહીને શૅર કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની અધિકારીએ 200 લોકોનાં મૃત્યુની વાતને સ્વીકારી છે.


વીડિયો બાલાકોટનો નથી

ઇમેજ સ્રોત, Farman Ullah Khan/Facebook
આ વીડિયોને ફ્રેમ બાઈ ફ્રેમ સર્ચ કરવા પર જે સૌથી જૂની ફેસબુક પોસ્ટ મળે છે તે 1 માર્ચ 2019ની છે.
ઉર્દુમાં લખાયેલી આ પોસ્ટ અનુસાર તે કથિત રૂપે એહસાનુલ્લાહ નામના કોઈ પાકિસ્તાની સૈનિકના જનાજાનો વીડિયો છે જેમનું ગામ પશ્ચિમી ખૈબર પખ્તૂનખ્વામાં સ્થિત છે.
બીબીસીએ પાકિસ્તાનની સેનાના પ્રવક્તાઓ સાથે પણ આ વીડિયો અંગે વાત કરી.
તેમના જણાવ્યા અનુસાર આ વીડિયો પશ્ચિમી ખૈબર પખ્તૂનખ્વા સ્થિત દીરના નિચલા વિસ્તારનો છે જે બાલાકોટથી આશરે 300 કિલોમિટર દૂર છે.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાની સેનાના ઑફિસર પીડિત પરિવારને મળવા ગયા હતા.
ફેસબુકના માધ્યમથી અમે આ ઘટના સાથે જોડાયેલા એક અન્ય વીડિયોમાં દેખાતા જાવેદ ઇકબાલ શાહીન, ફરમાનુલ્લાહ ખાન અને ખિશ્તા રહેમાન દુરાનીની ઓળખ કરી.
આ ત્રણેયની 2 માર્ચની ફેસબુક પોસ્ટથી એ વાતની પુષ્ટિ થાય છે કે પાકિસ્તાની સેનામાં બ્રિગેડિયર હલીમ અને કર્નલ ફૈસલ કુરૈશી પીડિત પરિવારને મળવા તેમના ગામ પહોંચ્યા હતા.
આ ત્રણેયે ફેસબુક પર પોતાને દીર વિસ્તારના ગણાવ્યા છે.
ભારતમાં આ ઘટનાનો જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં કર્નલ ફૈસલ કુરૈશીનો જ અવાજ સાંભળવા મળે છે.


વીડિયો મામલે પાકિસ્તાનમાં પણ ભ્રમ

ઇમેજ સ્રોત, SM Viral Post
ભારતમાં આ વીડિયો વાઇરલ થયા બાદ કેટલીક પાકિસ્તાની મીડિયા વેબસાઇટ્સે પણ આ વીડિયોને ફેક ગણાવ્યો છે અને લખ્યું છે કે બાલાકોટ હુમલામાં કથિત રૂપે થયેલા લોકોનાં મૃત્યુનો દાવો સાચો સાબિત કરવા માટે ભારતીય મીડિયાએ ફરી ફેક વીડિયો દર્શાવ્યા છે.
પરંતુ આ વેબસાઇટ્સે આ વીડિયો અંગે સૂચના આપી છે તે પણ તથ્યાત્મક રુપે ખોટી છે.
'ડેલી પાકિસ્તાન ડૉટ કૉમ'એ લખ્યું છે કે આ વીડિયો એલઓસી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ફાયરિંગમાં નાયક ખુર્રમ સાથે મૃત્યુ પામેલા હવાલદાર અબ્દુલ રાબના અંતિમ સંસ્કાર પહેલાનો છે.
પરંતુ પાકિસ્તાનના સરકારી રેડિયો પાકિસ્તાનની ઔપચારિક પોસ્ટના આધારે આ બન્ને સિપાહી પાકિસ્તાનના પંજાબમાં સ્થિત ડેરા ગાઝી ખાન સાથે સંબંધ ધરાવતા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












