You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીના આ નિવેદનથી મહિલાઓનું અપમાન થયું?- ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતીય મતદારોને આકર્ષવા માટે ઉત્તર ભારતીય મહિલાઓનું અપમાન કર્યું છે.
પોતાના આ દાવાને મજબૂતી આપવા માટે દક્ષિણપંથી વલણ ધરાવતા સોશિયલ મીડિયા યૂઝર્સે રાહુલ ગાંધીનો 15 સેકંડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે કે જેમાં સાંભળવા મળી રહ્યું છે કે 'દક્ષિણ ભારતીય મહિલાઓની સ્થિતિ વધારે સારી છે.'
તામિલનાડુના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીનો આ વાઇરલ વીડિયો ચેન્નાઈની સ્ટેલા મૅરિસ કૉલેજ ફૉર વુમનની વિદ્યાર્થિનીઓ સાથે બુધવારના રોજ થયેલા સંવાદનો છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો રાહુલ ગાંધી પર એ આરોપ લગાવી રહ્યા છે કે ક્ષેત્રના આધારે કૉંગ્રેસ અધ્યક્ષ દેશની જનતા વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પરંતુ અમારી તપાસમાં આ દાવા પાયાવિહોણા સાબિત થયા છે કેમ કે રાહુલ ગાંધી કૉલેજની વિદ્યાર્થિનીઓ સાથે દેશમાં મહિલાઓની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યા હતા અને ઉત્તર ભારતીય મહિલાઓ પર ટિપ્પણી બાદ તેમણે કહ્યું હતું કે દક્ષિણ ભારતમાં પણ મહિલાઓ માટે સુધારા લાવવાની જરુર છે.
તમે આ વાંચ્યું કે નહીં?
રાહુલનું નિવેદન
ચેન્નઈની સ્ટેલા મૅરિસ કૉલેજ ફૉર વુમનમાં સંવાદ કાર્યક્રમ શરૂ થયો એની આશરે 20 મિનિટ બાદ એક વિદ્યાર્થિનીએ રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો કે ભારતમાં મહિલાઓની સ્થિતિ પર અને તેમની સાથે થતાં ભેદભાવ પર તેમનો શું મત છે?
આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, "મારું માનવું છે કે જે રીતે ભારતીય મહિલાઓ સાથે વ્યવ્હાર થાય છે, તેમાં ઘણો સુધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ઉત્તર ભારતની સરખામણીએ દક્ષિણ ભારતની મહિલાઓની સ્થિતિ ખૂબ સારી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો તમે બિહાર કે ઉત્તર પ્રદેશ જશો અને ત્યાંની મહિલાઓ સાથે જેવો વ્યવ્હાર થાય છે, તે જોશો તો આશ્ચર્યમાં પડી જશો. જેની પાછળ ઘણાં સાંસ્કૃતિક કારણો છે.
પરંતુ તામિલનાડુ એ રાજ્યોમાં સામેલ છે જ્યાં મહિલાઓ સાથે સારો વ્યવ્હાર કરવામાં આવે છે."
રાહુલ ગાંધીની આ વાત પર જ્યારે તાળીઓ વાગવાં લાગી તો તેમણે કહ્યું, "જરા સાંભળો, એ પહેલાં કે તમે મારી વાત સાંભળીને ખુશ થાઓ, હું કહેવા માગીશ કે તામિલનાડુમાં પણ મહિલાઓ માટે ઘણો સુધાર લાવવાની જરુર છે."
રાહુલ ગાંધીએ કહ્યું, "સંસદ અને વિધાનસભાઓમાં ઓછી મહિલાઓનું હોવું એ વાતનો સંકેત છે કે તેમને પુરુષો કરતાં કમજોર સમજવામાં આવે છે. પરંતુ હું માનું છું કે મહિલાઓ પુરુષો કરતાં વધારે સ્માર્ટ હોય છે."
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ત્રણ મોટી જાહેરાતો કરી. તેમણે કહ્યું કે કૉંગ્રેસ 17મી લોકસભાના પહેલા સત્રમાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% બેઠક આરક્ષિત કરતું મહિલા અનામત બિલ પાસ કરશે.
સાથે જ જો કૉંગ્રેસની સરકાર બની તો કેન્દ્ર સરકાર, કેન્દ્રીય સરકારી સંગઠનો અને સાર્વજનિક ક્ષેત્રના કેન્દ્રીય ઉપક્રમોમાં દરેક પદ 33% મહિલાઓ માટે આરક્ષિત કરવામાં આવશે અને 2023-24 સુધી શિક્ષણના ખર્ચને જીડીપીના 6% સુધી વધારવામાં આવશે.
યૂપી-બિહાર મામલે રાહુલનું નિવેદન ખોટું હતું?
રાહુલ ગાંધીએ ભારતના દક્ષિણી રાજ્યોની સરખામણી કરતાં બિહાર અને યૂપી માટે જે વાત કરી તે તથ્યાત્મક દૃષ્ટિએ સાચી છે.
સંયુક્ત રાષ્ટ્રના માનવ વિકાસના સૂચકાંક, 2017 અનુસાર કેરળ, પૉંડિચેરી, દિલ્હી, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણાની સરખામણીએ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશની સ્થિતિ વધારે ખરાબ છે.
આ તરફ નેશનલ ક્રાઇમ રૅકૉર્ડ બ્યૂરોના તાજેતરના રિપોર્ટ પ્રમાણે બિહાર અને યૂપીમાં મહિલાઓ સાથે દહેજ માટે ઉત્પીડન, હિંસા અને દુર્વ્યવ્હારના મામલા દક્ષિણ ભારતીય રાજ્યોની સરખામણીએ વધારે નોંધાયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો