You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકસભાની ચૂંટણી 2019: હાલમાં ભાજપની સ્થિતિ મજબૂત કેમ વર્તાઈ રહી છે?
- લેેખક, અદિતિ ફડનીસ
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી માટે
ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. 2019ની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને 11 એપ્રિલથી મતદાન શરૂ થઈ જશે.
સૌ જાણે છે એમ હવે ચૂંટણી નજર સામે છે અને એક રીતે ચૂંટણી પ્રચાર પણ શરૂ થઈ ગયો છે.
જોકે, તારીખ નક્કી થઈ ગયા બાદ હવે એ વાતમાં કોઈ શંકા નથી કે ચૂંટણીપ્રચારનો મૂડ બદલાશે.
આપણે ધ્યાન આપવું પડશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા વિસ્તારમાં ચૂંટણી ક્યારે છે.
જોકે, હાલ તો એવો જ અંદાજ લગાવાઈ રહ્યો છે કે મોદી એક વખત ફરી વારાણસીમાંથી જ ચૂંટણી લડશે.
વારાણસીમાં મોદીની વ્યસ્તતા અને પાર્ટીમાં ચૂંટણી પ્રચારને લઈને તેમની સંપૂર્ણ ઉપલબ્ધતા એકબીજા સાથે જોડાયેલી છે.
ભાજપના મુદ્દા
બીજી એક વાત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના અધ્યક્ષ અમિત શાહને ટાંકીને જે વાતો કહેવાઈ રહી છે અથવા તો દાવા કરાઈ રહ્યા છે, તેનો અર્થ એ જ છે, 'એક વખત ફરીથી મોદી સરકાર.'
આનો અર્થ એ જ થાય છે કે જે લોકો તેમને પડકારવાના હતા કે તેમની ટીકા કરી રહ્યા હતા, એમનું અભિયાન હવે ઠંડું પડી ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવું એવા માટે છે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જાન્યુઆરીને જોઈએ તો ખાસ સમય નથી વીત્યો પણ એ વખતે રાષ્ટ્રનો મૂડ કંઈક અલગ હતો.
ફેબ્રુઆરીની ઘટનાઓ બાદ દેશનો મૂડ હવે કંઈક અલગ જણાઈ રહ્યો છે. ચૂંટણી માટે હવે વધુ સમય પણ બચ્યો નથી અને ભારતીય જનતા પક્ષની સ્થિતિ મજબૂત જણાઈ રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
જોકે, જેમ-જેમ ચૂંટણી આગળ વધશે, એમ-એમ તસવીર બદલાવાની શક્યતા છે. ભાજપ પાસે બાલાકોટ સિવાયના પણ મુદ્દા છે, જેમાં તેમણે કામ કર્યું છે. વિકાસ કે જનધન જેવા મુદ્દાઓ પર તેઓ ભાર આપશે.
આ વાત પણ ધ્યાન આપવા લાયક હશે કે એવા કયા મુદ્દાઓ હશે કે જેના પર ભાજપ ચૂંટણી લડવા ઇચ્છે છે અને એવા કયા મુદ્દાઓ હશે કે જેના પર કૉંગ્રેસ અને અન્ય વિપક્ષો પડકાર આપી શકે છે.
પુલવામા બાદ
વર્ષ 2014નો માહોલ અલગ હતો. એ સમયે જે મુદ્દા હતા તે વિપક્ષે ઊભા કર્યા હતા એના કરતાં તેને ઊભા કરવામાં મીડિયાની ભૂમિકા વધુ હતી. આ એક પરિવર્તનના સંકેત હતા.
પુલવામાનો હુમલો થયો એ પહેલાં વિપક્ષ સરકારને ઘેરવામાં એક હદ સુધી સફળ થતો જોવા મળ્યો હતો. જોકે, હવે તમામ સાંસદોએ પોતાની બેઠક માટે મહેનત કરવી પડશે.
ઉદાહરણ તરીકે બિહારમાં તમામ સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. એવામાં લોકોની નજર પોતાના સાંસદો પર રહેશે અને તેમના કામનું આકલન કરવામાં આવશે.
આ ચૂંટણી અત્યંત રોમાંચક બની રહેશે. આ રીતના કટકેકટકે ચૂંટણી પહેલાં ક્યારેય ભાગ્યે જ યોજાઈ હશે.
પ્રિયંકાની હાજરી
વિપક્ષમાં જે રીતે એકતા જોવા મળી રહી હતી, તેને હજુ પણ કાયમ રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જે રીતે મહાગઠબંધન તૈયાર થયું છે એ અને જે રીતે કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીનો આ ચૂંટણીમાં પ્રવેશ અપાવ્યો છે એ.
એની અસર હજી જોવા મળવાની બાકી છે. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે પ્રિયંકા ગાંધીએ હજી પોતાની મુઠ્ઠી ખોલી નથી.
તેમને લઈને હજી કોઈ પૂર્વાનુમાન લગાવવું મુશ્કેલ છે. પ્રિયંકા ગાંધીએ એક પણ જાહેર મિટિંગ નથી કરી. એક પણ પત્રકાર પરિષદ નથી સંબોધી.
હજુ સુધી તેઓ તેમના પતિ પર ચાલી રહી કાયદાકીય કાર્યવાહીમાં ઘેરાયેલાં જોવાં મળી રહ્યાં છે.
તેમની શી ભૂમિકા હશે, લોકોનો સામનો તેઓ કઈ રીતે કરશે એને લઈને ચિત્ર હજુ સ્પષ્ટ નથી.
જ્યાં સુધી અન્યનો સવાલ છે, નિશ્ચિત રીતે ગઠબંધન સક્રીય થઈ જશે.
ગુજરાતમાં 12મી માર્ચે કૉંગ્રેસ કારોબારીની બેઠક યોજાઈ રહી છે. ત્યાંથી પણ એક રીતે ઔપચારિક રીતે ચૂંટણીનું રણશિંગુ વાગશે.
કૉંગ્રેસને પોતાના મુદ્દાઓ સામે રાખવા પડશે. તેણે સ્પષ્ટ કરવું પડશે કે ચૂંટણી પ્રચારને તે કઈ દિશા આપવા માગે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો