Ayodhya: રામજન્મભૂમિ-મસ્જિદનો વિવાદ મધ્યસ્થતાથી ઉકેલાશે -સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે કે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને મધ્યસ્થી માટે મોકલવામાં આવે.
અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે મધ્યસ્થીની તમામ પ્રક્રિયા ફૈઝાબાદમાં કરવામાં આવશે.
આ તમામ પ્રક્રિયા ગોપનીય રહેશે અને જ્યાં સુધી મધ્યસ્થીની પ્રક્રિયા ચાલશે ત્યાં સુધી આ મામલે મીડિયા કોઈ રિપોર્ટિંગ કરી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ ઇબ્રાહીમ ખલ્લીફુલ્લા મધ્યસ્થીની પેનલના હેડ હશે.
ઉપરાંત આ પેનલમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પચૂ પણ સામેલ હશે.
મોટાભાગના હિંદુ પક્ષકારો સાથે ઉત્તર પ્રદેશ સરકાર, રામલલ્લા વિરાજમાને મધ્યસ્થીની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો.
જોકે, મુસ્લિમ પક્ષકારોએ આ મધ્યસ્થીની બાબતને આવકાર આપ્યો હતો.
8 સપ્તાહોની અંદર આ મધ્યસ્થીઓએ આ મામલે રિપોર્ટ સોંપવાનો રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરાંત એક સપ્તાહની અંદર આ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
બુધવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ જજોની બૅન્ચે કહ્યું હતું કે મધ્યસ્થી દ્વારા આ મામલે ઉકેલ આવે તે શાંતિ પ્રસ્થાપિત કરવા માટે યોગ્ય રસ્તો છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે આ કેસમાં રહેલા પક્ષકારોને મધ્યસ્થી માટે નામ સૂચવવા કહ્યું હતું.
5 જજોની બૅન્ચે કહ્યું હતું કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેમના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને જલદી જ ચુકાદો સંભળાવવા માગીએ છીએ.
બુધવારની સુનાવણી બાદ મુસ્લિમ અરજીકર્તાઓએ મધ્યસ્થી માટે તૈયારી દર્શાવી હતી, જ્યારે હિંદુ મહાસભાએ અસંમતિ દર્શાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

શું હતો 2010નો ચુકાદો?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને એ ચુકાદાને પડકરાતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી.
અલાહાબાદ હાઈકોર્ટે તેમના ચુકાદામાં વિવાદિત જમીન અંગે ચુકાદો આપ્યો હતો.
જેમાં 2.77 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે સરખે હિસ્સે વહેંચવાનો નિર્ણય હતો.

અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અયોધ્યા વિવાદ ભારતમાં એક રાજનૈતિક મુદ્દો બની ગયો છે. કેટલાંક હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડી હતી.
ભારતીય જનતા પક્ષ અને વિશ્વ હિંદુ પરિષદ સહિત ઘણાં હિંદુ સંગઠનોનો દાવો છે કે હિંદુ દેવ રામનો જન્મ બરાબર એ જ જગ્યા એ થયો હતો, જ્યાં બાબરી મસ્જિદ હતી.
તેઓ એવો પણ દાવો કરે છે કે બાબરી મસ્જિદ એક મંદિરને તોડીને બનાવાઈ હતી.
બાબરી મસ્જિદ તોડી પડાયા બાદ દેશમાં રમખાણો ફાટી નીકળ્યાં અને કોર્ટમાં આ વિવાદિત જમીનના હસ્તાંતરણની માગ ઉઠાવવામાં આવી.
વિવાદિત જમીનની માલિકીના હકનો મામલો સુપ્રીમ કોર્ટમાં 1949થી ચાલી રહ્યો છે.

ક્યારથી શરૂ થયો વિવાદ?

ઇમેજ સ્રોત, AFP
- 1528: અયોધ્યામાં એક એવી જગ્યાએ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું, જેને કેટલાક હિંદુઓ ભગવાન રામનું જન્મ સ્થાન માને છે.
- 1853: પહેલી વખત આ સ્થળ પાસે સાંપ્રદાયિક રમખાણો થયાં. માનવામાં આવે છે કે મુગલ સમ્રાટ બાબરે આ મસ્જિદ બનાવી હતી, જે કારણથી એને બાબરી મસ્જિદના નામથી ઓળખવામાં આવે છે. કેટલાંક હિંદુ સંગઠનો આ જગ્યાએ રામ મંદિર બનાવવા માગે છે.
- 1859: ભગવાન રામની મૂર્તિ મસ્જિદમાં મળી. કથિત રીતે આ મૂર્તિઓ કેટલાક હિંદુઓએ ત્યાં મુકાવી હતી. મુસ્લિમોએ આ અંગે વિરોધ કર્યો અને બન્ને પક્ષોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો. સરકારે આ જગ્યાને વિવાદિત જાહેર કરીને, ત્યાં તાળાં મારી દીધાં.
- 1984: કેટલાક હિંદુઓએ વિશ્વ હિંદુ પરિષદના નેતૃત્વમાં રામજન્મભૂમિને 'મુક્ત' કરવા અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું. ત્યારબાદ આ અભિયાનનું નેતૃત્વ ભારતીય જનતા પક્ષના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સંભાળ્યું.
- 1986: જિલ્લે મૅજિસ્ટ્રેટે હિંદુઓને પ્રાર્થના કરવા માટે વિવાદિત મસ્જિદના દરવાજા પરથી તાળાં ખોલવાનો આદેશ કર્યો. મુસ્લિમોએ એના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિનું ગઠન કર્યું.
- 1989: વિશ્વ હિંદુ પરિષદે રામ મંદિર નિર્માણ માટે અભિયાન તીવ્ર કર્યું અને વિવાદિત સ્થળ નજીક રામ મંદિરનો પાયો નાંખ્યો.
- 1990: વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદને નુકસાન પહોંચાડ્યું. તત્કાલીન વડા પ્રધાન ચંદ્રશેખરે વાટાઘાટો થકી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી.
- 1992:વિશ્વ હિંદુ પરિષદ, શિવ સેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ તોડી પાડી. ત્યારબાદ દેશભરમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રાદિયક રમખાણો ભડકી ઊઠ્યાં. આ રમખાણોમાં 2 હજારથી વધારે લોકો માર્યા ગયા.
- 1998: વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપના ગઠબંધનવાળી સરકાર બનાવી.
- 2001: બાબરી મસ્જિદ ધ્વંસના દિવસે તણાવ વધી ગયો અને વિશ્વ હિંદુ પરિષદે વિવાદિત સ્થળે રામમંદિરનું નિર્માણ કરવાના સંકલ્પનનું પુનરાવર્તન કર્યું.
- 2002: અયોધ્યા વિવાદ ઉકેલવા માટે વડા પ્રધાન વાજપેયીએ અયોધ્યા સમિતિનું ગઠન કર્યું. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રામમંદિર નિર્માણનો મુદ્દાને ભાજપે ઢંઢેરામાં સામેલ કરવાનો ઇનકાર કર્યો.
- 2003: રેડિયો તરંગોની મદદથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે વિવાદિત રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ પરિસદની નીચે કોઈ પ્રાચીન ઇમારત કે અવશેષ છે કે નહીં, જેનું કોઈ ચોક્કસ તારણ ન આવ્યું.
- 2005: પાંચ હથિયારધારી ઉગ્રવાદીઓએ વિવાદિત પરિસર પર હુમલો કર્યો, જેમાં પાંચ ઉગ્રવાદીઓ સહિત 6નાં મૃત્યુ થયાં.
- 2006: કૉંગ્રેસની યૂપીએસ સરકારે લિબ્રહાન આયોગને આપેલા નિવેદનમાં આરોપ લગાવ્યો કે બાબરી મસ્જિદને તોડી પાડવાનું પૂર્વઆયોજિત ષડયંત્ર હતું, જેમાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘ, બજરંગ દળ અને શિવ સેના સામેલ હતાં.
- 2009: બાબરી મસ્જિદ તોડી પાડવા મામલે તપાસ માટે ગઠિત લિબ્રહાન આયોગે 17 વર્ષ બાદ તેમનો રિપોર્ટ વડા પ્રધાન મનમોહન સિંઘને સોંપ્યો.
- 2010: એક ચુકાદામાં અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બૅન્ચે અયોધ્યાના વિવાદિત સ્થળને રામજન્મભૂમિ જાહેર કરી અને ત્રણ ભાગમાં વહેંચી દીધી.
- 2011:સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવતા કહ્યું કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટના ચુકાદાને લાગુ કરવા પર રોક લાગેલી રહેશે.
- 2017: સુપ્રીમ કોર્ટે વાતચીતના આધારે મામલો ઉકેલવા માટે મધ્યસ્થી કરવા કહ્યું. 2010ના અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજીઓ ફિલ્મ નિર્માતા અપર્ણા સેન, શ્યામ બેનેગલ અને માનવ અધિકાર કાર્યકર્તા તિસ્તા સેતલવાડ તથા સુબ્રમણ્યમ સ્વામીએ કરી.
- 2018: 20 જુલાઈએ સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો. 27 સપ્ટેમ્બર સુપ્રીમ કોર્ટે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ સાથે જોડાયેલા 1994ના ચુકાદા પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કર્યો. ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 'મસ્જિદમાં નમાજ પઢવી ઇસ્લામનું અભિન્ન અંગ નથી.'
- 2019 : 6 માર્ચે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોની દલીલ સાંભળ્યા બાદ મધ્યસ્થી માટેનો ચુકાદો સુરક્ષિત રાખ્યો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














