અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ભૂતકાળમાં શું થયું તેના પર અમારું નિયંત્રણ નથી'

ઇમેજ સ્રોત, Getty Images
રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જમીનની માલિકીના મામલે અમે જલદી જ આદેશ આપવા માગીએ છીએ પણ એ માટે તમામ પક્ષકારો મધ્યસ્થીનું નામ સૂચવે.
સુપ્રીમ કોર્ટે બુધવારે દલીલો સાંભળ્યા બાદ મામલાના સ્થાયી સમાધાન માટે કોર્ટ દ્વારા નિયુક્તિ અને તેમની નજર હેઠળ મધ્યસ્થીના આધારે ચુકાદાને સુરક્ષિત રાખ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની મધ્યસ્થીવાળી 5 જજોની બૅન્ચે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે અયોધ્યા જમીન વિવાદ અને તેમના પ્રભાવને ગંભીરતાથી સમજીએ છીએ અને જલદી જ ચુકાદો સંભળાવવા માગીએ છીએ.
સુનાવણી દરમિયાન જસ્ટિસ બોબડેએ કહ્યું, "આપણે પણ ઇતિહાસનું અધ્યયન કર્યું છે અને ભૂતકાળ પર આપણું નિયંત્રણ હોતું નથી."
"આપણે જે કંઈ પણ કરી શકીએ તે વર્તમાન વિશે કરી શકીએ."
બોબડેનું આ અવલોકન હિંદુ પક્ષોને સાંભળ્યા બાદ આવ્યું હતું. હિંદુ પક્ષોએ કહ્યું હતું કે મધ્યસ્થીની પ્રક્રિયા નકામી હશે કારણ કે હિંદુઓ તેને લાગણી અને ધર્મ સાથે જોડાયેલો મુદ્દો માને છે અને એ વાતને પણ કહેવામાં આવી હતી કે બાબરે મંદિરને તોડી પાડ્યું હતું.
સુબ્રમણ્યન સ્વામીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે મધ્યસ્થી કેટલાંક માપદંડોના દાયરામાં થાય છે, જેને બદલી ન શકાય.
વિવાદિત અને વિવાદ વગરની એમ બન્ને જમીન સરકારની છે, મધ્યસ્થીમાં તમામ પક્ષકારો માત્ર ભરપાઈની માગ કરી શકે છે. નરસિંહા રાવની સરકાર વખતે એવી સંમતિ સધાઈ હતી કે જમીન મંદિરને આપી દેવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

મધ્યસ્થી પર પક્ષકારો અસંમત
સુપ્રીમ કોર્ટમાં હિંદુ મહાસભાએ ક્લિયર સ્ટેન્ડ રાખ્યું કે આ મામલે મધ્યસ્થી થઈ શકે નહીં.
મહાસભાએ કહ્યું કે ભગવાન રામની જમીન છે, બીજા પક્ષને તેનો હક નથી એટલે તેને મધ્યસ્થી માટે મોકલવામાં ન આવે.
રામલલા વિરાજમાનનું પણ કહેવું હતું કે મધ્યસ્થી થકી મામલાનો ઉકેલ નીકળી શકે નહીં.
જોકે, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડે મઘ્યસ્થીનો પક્ષ લીધો હતો.

મુસ્લિમ અરજીકર્તા મધ્યસ્થી માટે રાજી

ઇમેજ સ્રોત, Getty Images
રામલલા વિરાજમાને કોર્ટને કહ્યું, "રામજન્મભૂમિ પર મંદિર નિર્માણના સવાલ મામલે કોઈ સમાધાન થઈ શકે નહીં. અમે એટલું કરી શકીએ કે મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન આપીએ અને અમે મસ્જિદના નિર્માણ માટે ક્રાઉડફંડિંગની વ્યવસ્થા કરવાનું ઇચ્છીએ છીએ.
મુસ્લિમ અરજીકર્તાઓ તરફથી હાજર રહેલા વકીલ રાજીવ ધવને કહ્યું કે મુસ્લિમ અરજીકર્તાઓ મધ્યસ્થી માટે રાજી છે, કોઈ પણ સમાધાન અને સમજૂતી તમામ પક્ષો માટે બંધનકર્તા હશે.
તેમણે બૅન્ચને મધ્યસ્થી માટે શરતો નક્કી કરવાનું કહ્યું હતું.


બાબરના ઉલ્લેખ પર જસ્ટિસે શું કહ્યું?
હિંદુ મહાસભાએ પોતાનો પક્ષ રાખતાં મધ્યસ્થીનો વિરોધ કર્યો હતો.
મહાસભાએ કહ્યું કે કોર્ટે જ ચુકાદો આપવો જોઈએ. જ્યારે હિંદુ પક્ષોએ કહ્યું કે મધ્યસ્થી નિરર્થક પ્રયાસ હશે કેમ કે હિંદુ તેમને એક ભાવનાત્મક અને ધાર્મિક મામલો ગણે છે. બાબરે મંદિરને ધ્વસ્ત કર્યું હતું.
જેના પર જસ્ટિસ બોબડેએ કહ્યું, "આજથી પહેલાં શું થયું, મુગલ શાસક બાબરે શું કર્યું અને ત્યારબાદ શું થયું એની સાથે કોર્ટને કોઈ લેવાદેવા નથી. આ મામલાને અમે વસ્તુસ્થિતિ આધારે જ જોઈ શકીએ."
કેસની સુનાવણી કરી રહેલી બૅન્ચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સિવાય દસ્ટિસ એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ. નઝીર સામેલ છે.
બૅન્ચનું કહેવું હતું કે આ મામલો માત્ર જમીનની માલિકીનો મામલો નથી, આ મામલો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે.
કોર્ટે કહ્યું કે તેમને ખ્યાલ છે કે આ સંવેદનશીલ મામલો છે અને મધ્યસ્થીમાં જે કઈ પણ થશે તેની રાજનૈતિક અસર જોવા મળશે.
આ અગાઉ કોર્ટે કહ્યું હતું કે વિવાદ ઉકેલવાની જો એક ટકા જેટલી પણ શક્યતા હોય તો પક્ષકારોએ મધ્યસ્થી અંગે વિચાર કરવો જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












