રૉબર્ટ વાડ્રા : લંડનની સંપત્તિની તપાસમાં રૉબર્ટ આજે ન આપી હાજરી, વકીલે કહ્યુ ફૂડ પોઇઝનિંગ થયું છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, ન્યૂ દિલ્હી
કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રૉબર્ટ વાડ્રાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં લંડનની સંપત્તિ બાબતે આજે તપાસ થવાની હતી. જો કે ખરાબ તબિયતને લઈને તેઓ આજે હાજર રહ્યા નથી.
સમાચાર સંસ્થા એએનઆઈ એમના વકીલ કેટીએસ તુલસીને ટાંકીને આ માહિતી ટ્ટીટ કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કેટીએસ તુલસીએ ગઈ કાલે રાત્રે ફૂડ પોઇઝનિંગને કારણે રૉબર્ટ વાડ્રાને ડાયેરિયા થઈ ગયો હોવાને લીધે તેઓ હાજર રહી શકે એમ નથી તેમ કહ્યું છે.
અગાઉ કોર્ટે રૉબર્ટ વાડ્રા તપાસમાં સહકાર આપી રહ્યા હોવાને લીધે અદાલતે તેમને આપેલા આગોતરા જામીન 2 માર્ચ સુધી લંબાવી દીધા હતા.
રૉબર્ટ વાડ્રાના વચગાળાના જામીન પૂરા થવાને ફકત 12 દિવસ બાકી છે અને આજ તેઓ તપાસમાં હાજર નથી રહ્યા ત્યારે શું છે તેમની સામેના કેસનો મામલો.
બિકાનેર, હરિયાણા વગેરે અનેક કેસમાં રૉબર્ટ વાડ્રાની ઘણી વખત ઈડીની ઑફિસમાં પૂછપરછ પણ થઈ છે.
10 ફેબ્રુઆરીના રોજ રૉબર્ટ વાડ્રાએ ફેસબુક પર એક પોસ્ટ પણ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું, "હું ઠીક છું, સારો છું અને જે પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેનો સામનો કરવા માટે અનુશાસિત છું. સત્યની હંમેશાં જીત થશે."
પોતાની ફેસબુક પોસ્ટમાં વાડ્રાએ લોકોનો ધન્યવાદ વ્યક્ત કરતા કહ્યું હતું, "સમગ્ર દેશમાંથી જે મિત્રો અને સહયોગીઓએ મને સમર્થન આપ્યું છે હું તેમનો ધન્યવાદ કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

વાડ્રા પર શું છે કેસ?

ઇમેજ સ્રોત, Getty Images
લંડનમાં કથિત રુપે ઘર ખરીદવા મામલે વાડ્રા પર મની લૉન્ડરીંગનો મામલો ચાલી રહ્યો છે. ભૂતકાળમાં વાડ્રાએ આ આરોપોને ઘણી વખત ફગાવ્યા છે.
તેમનું કહેવું છે કે બધા જ મામલા ભાજપની સરકારના દબાણમાં રાજકારણથી પ્રેરિત થઈને ચલાવવામાં આવી રહ્યાં છે.
ઈડીએ કૉર્ટમાં કહ્યું છે કે વાડ્રા સાથે જોડાયેલી ઘણી સંપત્તિઓ લંડનમાં છે. ઈડીનું કહેવું છે કે લંડનમાં વાડ્રાના બે ઘરની સાથે છ અન્ય ફ્લેટ્સ પણ છે.
એનડીટીવીના અહેવાસ અનુસાર વાડ્રાની સંપત્તિની કિંમત આશરે 12 મિલિયન પાઉન્ડ છે.
આ સંપત્તિ 2005થી 2010 વચ્ચે ખરીદવામાં આવી હતી.


બિકાનેર જમીન કૌભાંડ

ઇમેજ સ્રોત, Getty Images
લંડનમાં ઘર ખરીદવા સિવાય વાડ્રા પર બીજા પણ કેટલાક કેસ ચાલી રહ્યા છે.
એનડીટીવીના અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2015માં ઈડીએ રૉબર્ટ વાડ્રા વિરુદ્ધ મની લૉન્ડરીંગનો કેસ નોંધ્યો હતો.
ઈડીનો આરોપ હતો કે રૉબર્ટ વાડ્રાની માલિકી ધરાવતી કંપની સ્કાયલાઇટ્સ હૉસ્પિટેલિટીએ બીકાનેર સ્થિત જમીન પર કબજો મેળવ્યો હતો.
આ જમીન ગરીબ ગ્રામીણોનાં પુનઃ સ્થાપન માટે હતી.
એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે રૉબર્ટ વાડ્રાએ 69.55 હેક્ટર જમીન ખૂબ જ સસ્તાં ભાવે ખરીદી હતી અને તેને 5.15 કરોડ રૂપિયામાં ગેરકાયદેસર લેણદેણ કરીને વેચી નાખી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની માહિતી પ્રમાણે જે કંપનીને રૉબર્ટ વાડ્રાએ જમીન વેંચી હતી તેના પણ શૅરહોલ્ડર બોગસ હોવાનું બહાર આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
વાડ્રાએ આ જમીન 2009થી 2011 વચ્ચે ખરીદી હતી જ્યારે રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકાર હતી.
આરોપ એવા પણ લાગ્યા હતા કે આ જમીન હાઈવે કે ગ્રીડ સ્ટેશનોની નજીક હતી અને આ જમીન એવી જગ્યાઓ પર હતી જ્યાં સુર્યપ્રકાશ સૌથી વધારે આવતો હતો.
આમ કરીને રાજસ્થાન સરકારે રૉબર્ટ વાડ્રાને ફાયદો પહોંચાડ્યો કેમ કે રાજ્યની સોલર નીતિ અનુસાર સોલર પાવર કંપનીઓને બોલાવવામાં આવી.
રૉબર્ટ વાડ્રાની કંપનીઓએ સોલર પાવર કંપનીઓને જમીન વેચી સારો એવો મુનાફો કમાવ્યો હોવાનો આરોપ લાગ્યો.
આ મામલે ઈડીએ ગત ડિસેમ્બરમાં વાડ્રા સાથે જોડાયેલી કંપની સ્કાયલાઇટ્સ હૉસ્પિટેલિટી એલએલપીમાં દરોડા પણ પાડ્યા હતા.
વાડ્રા અને તેમના સહયોગી મનોજ અરોડા સાથે પૂછપરછ કરવામાં આવી હતી.


2009 પેટ્રોલિયમ ડીલ કેસ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીમાં પ્રકાશિત સમાચાર અનુસાર ઈડીનો એવો પણ દાવો છે કે વાડ્રા અને તેમના સહયોગીઓને 2009માં થયેલી પેટ્રોલિયમ ડીલથી પણ પૈસા મળ્યા હતા. આ ડીલ પર વર્ષ 2009માં UPAના શાસનકાળ દરમિયાન હસ્તાક્ષર થયા હતા.
ભાજપનો આરોપ છે કે આ કરારથી રૉબર્ટ વાડ્રાએ ખૂબ ફાયદો કમાવ્યો અને તેનાથી મળેલા પૈસાથી તેમણે લંડનમાં કરોડોની સંપત્તિ ખરીદી હતી.
ઈડીનો પણ દાવો છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે લંડનમાં વાડ્રાની સંપત્તિ તેમની પેટ્રોલિયમ ડીલથી ખરીદવામાં આવી હતી.
ડીલના પૈસા સેન્ટેક ઇન્ટરનેશનલ, FZCમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કંપનીનું સંચાલન UAEમાં થતું હતું.
સેન્ટેકે જ પછી લંડન સ્થિત વોર્ટેક્સ નામની ખાનગી કંપની પાસેથી 12 બ્રાયનસ્ટોન મેન્શન ખરીદ્યું હતું. ત્યારબાદ એ જ વોર્ટેક્સ કંપનીનાં બધા શૅર NRI વ્યવસાયી સી થંપીએ વાડ્રાની કંપની સ્કાયલાઇટને ટ્રાન્સફર કરી દીધા.


હરિયાણા જમીન વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
એનડીટીવીના અહેવાલ મુજબ રૉબર્ટ વાડ્રા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપિન્દર સિંહ હુડા વિરુદ્ધ એ આરોપસર FIR નોંધવામાં આવી હતી કે તેમણે ગુડગાંવમાં જમીનની લેણદેણમાં કૌભાંડ કર્યા છે.
વાડ્રા પર આરોપ છે કે તેમની કંપની સ્કાયલાઇટ્સ હૉસ્પિટેલિટીએ વર્ષ 2008માં 3.5 એકર જમીન રિયલ એસ્ટેટ કંપની ડીએલએફને ઊંચા ભાવે વેચી હતી.
મહત્ત્વનું છે કે આ બધા જ કેસમાં રૉબર્ટ વાડ્રાએ પોતાના પર લાગેલા આરોપ ફગાવ્યા છે અને તેમણે તપાસ એજન્સીઓ પર ભાજપના ઇશારે ચાલવાનો આરોપ લગાવ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














