#5yearchallenge ટ્રૅન્ડમાં ભાજપનો આ દાવો છે ખોટો

ઇમેજ સ્રોત, TWITTER
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
નરેન્દ્ર મોદી સરકારે તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં ઝડપથી માર્ગ બનાવવા મામલે વિકાસ કર્યો તે દર્શાવવા ભારતીય જનતા પાર્ટીએ પોતાના અધિકૃત સોશિયલ મીડિયા પર ગુરુવારે એક તસવીર પોસ્ટ કરી હતી. જેની બીબીસીએ તપાસ કરી.
સોશિયલ મીડિયા પર #10yearchallenge નામનું એક અભિયાન ચાલી રહ્યું છે.
આ અભિયાન હેઠળ પાર્ટીએ તેના દાવા સાથે કેટલાક કાર્ટૂન અને તસવીરો શૅર કરી છે. ગુરુવાર અને આ જ કારણસર શુક્રવારે ટ્વિટર પર #5yearchallenge ટ્રૅન્ડ જોવા મળ્યો.
ભાજપે છેલ્લા 24 કલાકમાં જે તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી તેમાંથી અમૂકની બીબીસીએ તપાસ કરી.
તપાસમાં જાણવા મળ્યું કે દિલ્હી પાસેના 'વૅસ્ટર્ન પૅરિફેરલ એક્સપ્રેસ-વે'ના કામકાજને દર્શાવવા માટે પોસ્ટ કરવામાં આવેલી તસવીર ફેક છે.
ઝારખંડ, નાગાલૅન્ડ, ત્રિપુરા, ઓરિસ્સા, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, લક્ષદ્રીપ સહિત ભાજપના 20થી વધુ રાજ્યોનાં યુનિટે સોશિયલ મીડિયા પર ફેક તસવીર પોસ્ટ કરી છે.
તમામ જગ્યાએ આ તસવીરોને ગુરુવારે 7-10 વાગ્યા વચ્ચે પોસ્ટ કરવામાં આવી હતી. સંખ્યાબંધ લોકો અત્યાર સુધી ભાજપના ફેસબુક પેજ અને ટ્વિટર પેજ પરથી આ તસવીરોને શૅર અને રિ-ટ્વીટ કરી ચૂક્યા છે.

શૅર કરવામાં આવેલી તસવીરો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, TWITTER
એક્સપ્રેસ-વેના કામકાજને કેટલી ઝડપથી પૂર્ણ કરવામાં આવ્યું છે તે દર્શાવવા #5yearchallenge અભિયાન હેઠળ બે તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.
એક તસવીરમાં ઘણા મજૂર ઘોરીમાર્ગ પર કામ કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તસવીરમાં તૈયાર ધોરીમાર્ગ પરથી ગાડીઓ પસાર થઈ રહી છે. તસવીરો પર લખ્યું છે, 'ત્યારે...અને...હવે'.
પાર્ટીએ પોસ્ટમાં દાવો કર્યો છે કે નિર્ધારિત સમય કરતાં પહેલાં જ મોદી સરકારે ધોરીમાર્ગના નિર્માણનું કામ પૂર્ણ કરી દીધું છે.
પરંતુ 'ઇમેજ સર્ચ'થી જાણવા મળે છે કે બન્ને તસવીરો 'વૅસ્ટર્ન પૅરિફેરલ એક્સપ્રેસ-વે'ની નથી.
ખરેખર પ્રથમ તસવીર જેમાં ધોરીમાર્ગ(એક્સપ્રસ-વે)નું કામકાજ ચાલુ છે, તે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકારે બનાવેલા 'આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે'ની છે. આ તસવીર 17 માર્ચ-2015ના રોજ ફોટોગ્રાફર મનીષ અગ્નિહોત્રીએ ક્લિક કરી હતી.
તસવીરના કૅપ્શન અનુસાર તસવીર લેનારે ઊંચાઈ પરથી લીધેલી આ તસવીર મારફતે એ બાબત દર્શાવવાની કોશિશ કરી છે કે આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વેના નિર્માણમાં કેટલી મોટી મશીનરીનો ઉપયોગ થયો છે.

તમે આ વાંચ્યું કે નહીં?


ઇમેજ સ્રોત, TWITTER
આ એ જ ધોરીમાર્ગ છે જેનું ઉદ્ઘાટન અખિલેશ યાદવે તેમની સરકારનાં અંતિમ દિવસોમાં કર્યું હતું. આ જ એક્સપ્રેસ હાઈવે પર વાયુસેનાના વિમાનોનાં લૅન્ડિંગ અને ટૅક ઑફનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અખિલેશ યાદવની સરકારે 24 મહિનાથી ઓછા સમયમાં આ હાઇવેનું નિર્માણ કર્યું હતું.
બીજી તસવીર દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વેની છે. તેનાં પ્રથમ ચરણનું ઉદ્ઘાટન રવિવારે 27 મે, 2018ના રોજ ખુદ નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વે ત્રણ ચરણ(ખંડ)માં તૈયાર થશે. ભાજપે શૅર કરેલી તસવીરમાં દિલ્હી તરફનો ભાગ છે જેનાં ઉદ્ઘાટન પર વડા પ્રધાન મોદીએ સમર્થકોની સાથે એક રોડ-શૉ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉ અને હાઈવેના પ્રથમ ચરણના ઉદ્ઘાટનની સૂચના આપવા ભાજપના કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે આ તસવીર #SaafNiyatSahiVikas સાથે 26 મે-2018ના રોજ ટ્વીટ કરી હતી.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ-વેના ઉદઘાટન સમયે કહ્યું હતું કે તેમની સરકાર માર્ચ-2019 સુધી આ હાઈવેનું કામ પૂર્ણ કરવાની કોશિશ કરશે.

ખોટા દાવો
ઇન્ટરનેટ આર્કાઇવની મદદથી જાણવા મળે છે કે ભાજપના મુખ્ય સત્તાવાર હૅન્ડલ @BJP4India દ્વારા પણ ગરુવારે રાત્રે આ બન્ને તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી.
શુક્રવારે આ તસવીરોને @BJP4India પરથી હટાવી લેવાઈ હતી. જોકે, પાર્ટીના અન્ય નાના-મોટા તમામ સોશિયલ મીડિયા પેજ પરથી આ તસવીરોને હજુ પણ શૅર કરવામાં આવી રહી છે.
પરંતુ આગ્રા-લખનૌ અને દિલ્હી-મેરઠ હાઈવેની તસવીરોના આધાર પર વૅસ્ટર્ન પૅરિફેરલ એક્સપ્રેસ-વેનું કામ ઝડપથી પૂર્ણ કર્યાનો ભાજપનો દાવો ખોટો છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














