સીબીઆઈમાંથી નંબર-2 રાકેશ અસ્થાનાને પણ હટાવાયા

વડા પ્રધાનના નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે મળેલી હાઈપાવર કમિટીએ આલોક વર્માને સીબીઆઈમાંથી ખસેડ્યા બાદ હવે રાકેશ અસ્થાનાને પણ હટાવાયા છે.

સીબીઆઈમાં સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાને કે જેમને સરકારે વિવાદ બાદ ફરજીયાત રજા પર મોકલ્યા હતા તેમનો કાર્યકાળ ટુંકાવી દેવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાકેશ અસ્થાનાએ કહ્યું કે તેઓ આ મામલે હાલ કંઈ કહેવા માગતા નથી.

અસ્થાનાની સાથે બીજા ત્રણ ઑફિસરોનો પણ સીબીઆઈમાંથી કાર્યકાળ ટુંકાવી દેવામાં આવ્યો છે.

આ ત્રણ અફસરોમાં જોઇન્ટ ડિરેક્ટર અરુણ કુમાર શર્મા, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનિષ કુમાર સિંહા અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ જયંત જે. નાઇકનાવારેનો સમાવેશ થાય છે.

એવું માનવામાં આવે છે કે આ આલોક વર્માને સીબીઆઈમાંથી બદલી કર્યા બાદ અસ્થાનાને પણ હટાવાયા છે જેથી નવા ચીફની વરણી માટે રસ્તો સાફ કરી શકાય.

વર્માની ડિરેક્ટર જનરલ ઑફ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના પદે વરણી કરવામાં આવી હતી.

જોકે, વર્માએ આ પદ લેવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેમના પર લાગેલા આરોપો ખોટા છે.

અસ્થાના પર શું આરોપ છે?

સરકારે 23 ઑક્ટોબરના રોજ રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા.

રાકેશ અસ્થાના હાલ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે.

મોઈન કુરેશના કેસમાં તેમના પર લાંચ લેવાનો આરોપ લાગેલો છે.

ગયા વર્ષે અસ્થાના અને અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

હૈદરાબાદ સ્થિત બિઝનેસ મેન સતિષ બાબુએ એવો દાવો કર્યો હતો કે તેમણે માંસની નિકાસકર્તા મોઇન કુરેશી કેસમાંથી બહાર નીકળવા માટે રૂપિયા ચૂકવ્યા છે.

તેમણે અસ્થાના સામે ભ્રષ્ટાચાર અને બળજબરીથી પૈસા પડાવવાના પણ આરોપો કર્યા હતા.

આ મામલે દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈને રાકેશ અસ્થાના સામે તપાસ કરવા માટે 10 અઠવાડિયાં આપ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો