You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સર્વણ અનામત: પ્રકાશ જાવડેકર કહે છે પણ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં સરકાર કેવી રીતે લાગુ કરશે?
આર્થિક રૂપે નબળા વર્ગને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં 10 ટકા અનામતના બિલને રાષ્ટ્રપતિની મંજૂરી ગઈ છે પરંતુ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે અનામતને ખાનગી ક્ષેત્રમાં લાગુ કરવાની નવી જ વાત કરી છે.
તેમણે દેશના ખાનગી ક્ષેત્રના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પણ આને લાગુ કરવાનો ઇરાદો બતાવ્યો છે.
જાવડેકરે કહ્યું , સંસદે બંધારણમાં 124મો સુધારો કર્યો, તે અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 2019 એટલે કે આ જ વર્ષથી દસ ટકા અનામત લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. એસસી, એસટી , ઓબીસીની અનામતને સહેજ પણ ખસેડ્યા વગર આર્થિક આધાર પર ગરીબોને આ વધારાની દસ ટકા અનામત આપવામાં આવશે.
આ અંગે બુધવારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યૂજીસી), ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટૅક્નિકલ એજ્યુકેશન (ઍઆઈસીટીઈ) તથા અમારા અધિકારીઓ વચ્ચે બેઠક થઈ.
બધા વિશ્વવિદ્યાલયોમાં આ વર્ષે જ તેને લાગુ કરવાની સૂચના આપવામાં આવશે તથા તેમનાં પ્રૉસ્પૅક્ટ્સમાં સામેલ કરવામાં આવશે કે જેમને આજ સુધી અનામત નથી મળ્યું, એવા વર્ગના વિદ્યાર્થીઓને દસ ટકા અનામત મળશે, આ આર્થિક અનામત છે અને તે આ ખાનગી સંસ્થાઓમાં પણ લાગુ રહેશે.
તેને 40 હજાર કૉલેજ તથા 900 વિશ્વવિદ્યાલયોમાં આ લાગુ કરવામાં આવશે.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે એમ પણ જણાવ્યું કે આ માટે વધુ સીટોની વ્યવસ્થા કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આજે કૉલેજમાં ચાર કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ટૅક્નિકલ, મૅનેજમૅન્ટ, આર્ટ, વિજ્ઞાન, કૉમર્સ બધી શાખાઓમાં આ અનામત લાગુ કરવામાં આવશે.
આના માટે યૂજીસી, ઍઆઈસીટીઈ તથા મંત્રાલય એક અઠવાડિયામાં જરૂરી કાર્યવાહી કરશે. આ બહુ મોટો નિર્ણય છે અને આ અંગે અમે સંસદને પણ જાણ કરીશું.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે 10 ટકા અનામત રાખીને, એસસી-એસટી તથા ઓબીસી અનામતને બાધિત કર્યા વગર, અત્યારે જો 100 લોકોને ઍડમિશન મળે છે તો પછી 125 લોકોને પ્રવેશ મળશે.
કેમ મહત્ત્વપૂર્ણ છે જાવડેકરનું નિવેદન?
રાજકીય રીતે જાવડેકરની આ ઘોષણા મહત્ત્વપૂર્ણ છે કારણકે જાવડેકરે સ્પષ્ટ કહ્યું કે સીટો વધારવાનો નિર્ણય એટલે કરવામાં આવ્યો છે જેનાથી દસ ટકા અનામત આપવાના કારણે કોઈ પણ વર્ગને મળતી અનામત પર કોઈ અસર થાય નહીં.
જોકે, લઘુમતી શિક્ષણ સંસ્થાઓને પહેલાં જ દસ ટકા અનામતના વ્યાપથી બહાર રાખવામાં આવેલી છે.
પરંતુ એક આદેશના કારણે ખાનગી સંસ્થાનોમાં અસમંજસ છે કે સરકાર દસ ટકા અનામત કેવી રીતે લાગુ કરાવશે.
2009માં શિક્ષણના અધિકાર કાયદા હેઠળ આર્થિક રૂપે નબળા તથા ઉપેક્ષિત વર્ગના વિદ્યાર્થીઓ માટે 25 ટકા સીટો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે 10 ટકા અનામત માટે સીટોની સંખ્યા વધારવામાં આવશે. યૂજીસીથી માન્યતા પ્રાપ્ત બધા વિશ્વવિદ્યાલયો તથા શૈક્ષણિક સંસ્થાનો સરકારી હોય કે પ્રાઇવેટ, બધાએ અનામત આપવી પડશે.
ઑલ ઇન્ડિયા ઉચ્ચતર શિક્ષા સર્વેક્ષણ ( ઑલ ઇન્ડિયા સર્વે ઑન હાયર ઍજ્યુકેશન યા ઍઆઈઍસઍચઈ) 2018-19 પ્રમાણે , દેશમાં કુલ 950 વિશ્વવિદ્યાલય, 41748 કૉલેજ તથા 10,510 સ્વતંત્ર શિક્ષણ સંસ્થાઓ છે.
અત્યારે શું છે પરિસ્થિતિ?
અત્યારે ખાનગી કૉલેજોમાં અનામત વ્યવસ્થા લાગુ નથી કરવામાં આવી અને આ અંગેના મામલાઓ હજી ન્યાયાલયમાં ચાલી રહ્યાં છે.
મીડિયામાં આવતા અહેવાલો મુજબ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, આઈઆઈટી, આઈઆઈઍમ જેવા પ્રતિષ્ઠિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનો તથા દેશના સમગ્ર શૈક્ષણિક સંસ્થાનોમાં 10 ટકા અનામત લાગુ કરવામાં આવે તો 10 લાખ સીટો વધારવી પડશે.
એ સિવાય ભારતમાં ઘણી શિક્ષણ સંસ્થાઓમાં વર્તમાન સવલતો પૂરતી નથી. તેમાં સાધનો અછત છે તથા સક્ષમ શિક્ષકોનો અભાવ છે.
એમઆઈટી વર્લ્ડ પીસ યુનિવર્સિટીના કાર્યકારી અધ્યક્ષ રાહુલ કારદે બીબીસી સાથે વાત કરતાં કહ્યું આટલો મોટો નિર્ણય લેતા પહેલાં સરકારે ખાનગી સંસ્થાઓને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. ભારતમાં ખાનગી સંસ્થાઓ આધારભૂત સવલતો માટે વધુ ખર્ચો કરે છે તથા તેમણે તેમનો ખર્ચો પણ વહન કરવાનો હોય છે. તેમના પર પહેલાંથી ઘણો ભાર છે. એવામાં વઘુ ભાર ન મુકવો જોઇએ.
એક સ્થિતિ એવી પણ છે કે, ગત પાંચ વર્ષોમાં ઍડમિશનમાં ઘટાડાને કારણે ઍઆઈસીટીઈએ 800 ઍન્જીનિયરિંગ કૉલેજ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.
એનો અર્થ એ પણ થયો કે નોકરીઓના અભાવના કારણે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.
એવામાં સીટો વધારવાના નિર્ણય અંગે ખાનગી સંસ્થાનોમાં અનામત અંગે સરકાર શું કરશે તેના પર બધાની નજર રહેશે.
સરકારે જુલાઈ 2019થી આર્થિક રીતે પછાત વર્ગ માટે 10 ટકા અનામતનો અમલ કરવાની વાત કહી છે પણ સવાલ એ પણ છે કે આનો અમલ કેવી રીતે કરવામાં આવશે?
કારણકે વર્તમાન મૂળભૂત સવલતો સાથે વિદ્યાર્થીઓ માટે સીટો કેવી વધારશે?
સૌથી પહેલો સવાલ એ છે કે મૂળભૂત સવલતો ક્યાં છે?
10 ટકા અનામતને લાગુ કરવા માટે જે સીટો વધારવાની વાત થઈ રહી છે તે વિદ્યાર્થીઓ બેસશે ક્યાં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો