એનડીએ અને ભાજપ માટે કેમ જરૂરી છે રાજનાથ સિંહ?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, શરત પ્રધાન
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2014માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહે 2014ની ચૂંટણી પહેલાં એનડીએના પુન:ગઠનનું કામ શરૂ કર્યું હતું કે જે સહેલું ન હતું.
આ પહેલાં અટલ બિહારી વાજપેયીએ 1998માં એનડીએનું ગઠન કર્યું હતું.
ત્યારબાદ તેમનું બનાવેલું ગઠબંધન 1998થી માંડીને 2004 સુધી સત્તામાં રહ્યું હતું.
પછી એનડીએ દસ વર્ષ માટે સત્તામાંથી બહાર થઈ ગયું અને એનડીએને બનાવવાવાળા વાજપેયી પણ રાજકારણમાંથી સંન્યાસ લઈ ચૂક્યા હતા.
તેવામાં 2014માં એનડીએના ઘટક પક્ષોને એક છત નીચે લાવવા મુશ્કેલ કામ હતું.
આ સમયે રાજનાથ સિંહે પોતાના જૂના રાજકીય સાથીઓને યાદ કર્યા અને એવા લોકો સાથે હાથ મિલાવ્યા જેઓ તેમના પારંપરિક મિત્રોમાં સામેલ ન હતા.
ત્યારબાદ રાજનાથ સિંહ આખરે 30 અલગ-અલગ પક્ષોને એનડીએની એક છત નીચે લાવવામાં સફળ થઈ ગયા.

તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

રાજનાથમાં અટલની છબી

ઇમેજ સ્રોત, Getty Images
રાજનાથ સિંહે પોતાના પ્રયાસોથી જે એનડીએનું ગઠન કર્યું તે તેમના રાજકીય ગુરૂ અટલ બિહારી વાજપેયી કરતાં પણ મોટું હતું.
તેવામાં ઘણા લોકોએ રાજનાથ સિંહને ભવિષ્યના વાજપેયીના રૂપમાં જોવાનું શરૂ કરી દીધું હતું.
ઉલ્લેખનીય વાત એ છે કે એનડીએના જૂના ઘટક પક્ષોમાં માત્ર શિવસેનાની વિચારધારા જ ભાજપ સાથે મેળ ખાય છે.
ત્યારબાદ પણ જ્યારે જ્યારે બન્ને પક્ષો વચ્ચે કોઈ પ્રકારનો મનમેળ ન રહેતો તો વાજપેયી તત્કાલીન શિવસેના પ્રમુખ બાલા સાહેબ ઠાકરેને ફોન કરીને તણાવ દૂર કરવા પ્રયાસ કરતા હતા.
વર્ષ 2014માં રાજનાથ સિંહે અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી. તેમણે એનડીએના ગઠનમાં સામે આવતા બધા અવરોધોને દૂર કર્યા.


'અપના દલ'ની કઠણાઈ

ઇમેજ સ્રોત, AFP
આજના સમયમાં અનુપ્રિયા પટેલ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સામેલ છે.
તેમ છતાં 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ 'અપના દળ' માટે પર્યાપ્ત સીટ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
આ સાથે જ એક બીજા ઘટક પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીની ભાજપ સાથે નારાજગી જગજાહેર છે.
આ પક્ષના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર યોગી આદિત્યનાથની સરકારમાં મંત્રી છે.
તેમ છતાં તેઓ પોતાની સરકાર અને ભાજપના નેતૃત્વની ટીકા કરવાનું ચૂકતા નથી.
અનુપ્રિયા અને રાજભર છેલ્લા થોડા સમયથી ભાજપથી અંતર બનાવવાના સંકેત આપી રહ્યા છે.
હજુ સુધી ભાજપ નેતૃત્વ તરફથી તેમની સમસ્યાઓના સમાધાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
રાજનાથ સિંહની જેમ સંવાદ સ્થાપિત કરવાની જગ્યાએ ભાજપ નેતૃત્વ પોતના સહયોગી પક્ષોને ડરાવવા-ધમકાવવાના સંકેત આપી રહ્યો છે.
હવે તેને ઘમંડ કહેવું કે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો અતિ આત્મવિશ્વાસ કે તેઓ કોઈ પ્રકારની સમજૂતી કરવા અને પોતાના સહયોગીઓની માગ માનવાને લઈને તૈયાર જોવા મળી રહ્યા નથી.


એનડીએના મતભેદ

ઇમેજ સ્રોત, Getty Images
રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીનું ઉદાહરણ લો.
પાસવાન પણ ભાજપથી અંતર બનાવી રાખવાના સંકેત આપી રહ્યા હતા.
હવે તેનાથી ખરાબ વાત શું હશે કે બન્ને પાર્ટીઓમાં મતભેદોની વાત સ્પષ્ટપણે સામે આવી રહી હતી.
ભાજપના એક સૂત્રની માહિતી અનુસાર, "આવા સમયમાં રાજનાથ સિંહ જેવા અનુભવી વ્યક્તિ સહેલાઈથી મીડિયામાં આવી રહેલા મતભેદોને પડદાની પાછળ રાખી શકતા હતા અને ભાજપના નેતૃત્વને શરમાવાથી બચાવી શકતા હતા."
મુશ્કેલ પરિસ્થિતિને સંભાળવામાં રાજનાથ સિંહની આવડત વર્ષ 1998માં જોવા મળી હતી.
તે સમયમાં જ્યારે માયાવતીએ કલ્યાણ સિંહની સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત ખેંચી લીધું તો કલ્યાણ સિંહની સરકાર તૂટી પડવાની સ્થિતિમાં આવી ગઈ.
તેવામાં રાજનાથ સિંહે પોતાના વ્યક્તિગત સંબંધોનો ઉપયોગ કરતા એક ખાનગી ઍરલાઇનની મદદથી કલ્યાણ સિંહના બધા જ ધારાસભ્યોને આગામી સવારે રાષ્ટ્રપતિની સમક્ષ રજૂ કર્યા હતા.
આ ઍરલાઇને રાજનાથ સિંહને જગ્યા આપવા માટે પોતાની એક ફ્લાઇટ રદ્દ કરી હતી.


સંકટમોચન રાજનાથ

ઇમેજ સ્રોત, Getty Images
તેના થોડા સમય બાદ જ્યારે કલ્યાણ સિંહના અટલ બિહારી વાજપેયી સાથે સંબંધ ખરાબ થઈ ગયા તો રાજનાથ સિંહ વાજપેયીની સાથે ઊભા રહ્યા.
જોકે, તેમણે કલ્યાણ સિંહ વિશે કોઈ પણ ખોટી વાત કહી નહીં.
ત્યારબાદ કલ્યાણ સિંહને પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દેવામાં આવ્યા.
આ મુદ્દે રાજનાથ સિંહે મીડિયાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમણે સ્મિત સાથે જવાબ આપીને પાર્ટીને શરમથી બચાવી લીધી હતી.
એ વાતમાં કોઈ બેમત નથી કે વાજપેયી યુગ બાદ ભાજપમાં એવા વધારે નેતા નથી કે જેઓ તેમની રીતે પોતાની વિચારધારાના સમર્થકો અને વિરોધીઓને સાથે લઈને ચાલી શકે.
ભાજપના વર્તમાન નેતૃત્વમાં આ પ્રકારની ગંભીરતા અને અનુભવની ખામી સ્પષ્ટપણે જોવા મળે છે.
રાજનાથ સિંહ અત્યારે દેશના ગૃહમંત્રી ચોક્કસ છે પરંતુ પાર્ટીના કામકાજમાં તેમની કોઈ દખલગીરી નથી.
આગામી ચૂંટણી માટે તેમને ચૂંટણીનો ઢંઢેરો બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે કે જે તેમની ભૂમિકાને સીમિત કરે છે.
પરંતુ પછી એ પણ કહેવું જોઈએ કે રાજનાથ સિંહનો મિલનસાર વ્યવ્હાર તેમને દરેક સમયે પ્રાસંગિક બનાવીને રાખશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














