જસદણ પેટાચૂંટણી : ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની જીત બાદ હવે બાવળિયા અને ભાજપનું શું થશે?

કુંવરજી બાવળિયા

ઇમેજ સ્રોત, TWITTER/@kunvarjibavalia

ઇમેજ કૅપ્શન, જસદણ વિધાનસભાનો પ્રચાર કરી રહેલા કુંવરજી બાવળિયા અને જીતુ વાઘાણી
    • લેેખક, જય મિશ્રા
    • પદ, બીબીસી ગુજરાતી

દેશનાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીઓમાં તેલંગણાને બાદ કરતાં બાકીનાં ચારેય રાજ્યોના મતદારોએ શાસક પક્ષને હરાવીને મુખ્ય વિપક્ષને જીતાડ્યો છે.

આ પાંચેય રાજ્યોનાં ચૂંટણી પરિણામ બાદ ગુજરાતમાં જસદણની ચૂંટણી પર તેની શું અસર થશે તેની ચર્ચા ચાલી રહી છે.

બીબીસીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને સ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો.

આ પરિણામોએ રાજ્યમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓના ઉત્સાહમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યુ છે.

ગુજરાતમાં આગામી 20મી ડિસેમ્બરે રાજ્યની જસદણ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

જસદણની ચૂંટણી અને બાવળિયા

જસદણ પેટા ચૂંટણી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, બાવળિયા અગાઉ પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે

રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભા બેઠકમાં આગામી 20મી ડિસેમ્બરે પેટાચૂંટણી યોજાશે.

આ બેઠક પર પરથી વર્ષ 2017માં કૉંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય કુંવરજી બાવળિયા કૉંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા એટલે ચૂંટણી યોજાઈ રહી છે.

બાવળિયાએ રાજીનામું ધરતાંની સાથે જ ભાજપે તેમને મંત્રી પદ સોંપ્યું હતું.

બાવળિયાએ પક્ષ પલટો કરતાં આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

બાવળિયા ગુજરાતના ઓબીસી નેતા છે અને કોળી સમાજના આગેવાન છે. બાવળિયા પાંચ વખત ગુજરાતમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વર્ષ 2009માં બાવળિયા લોકસભાની ચૂંટણીમાં પણ ચૂંટાયા હતા.

આ પેટા ચૂંટણીની ગુજરાતમાં હાલમા ચર્ચા છે. ભાજપના ઉમેદવાર બાવળિયા સામે કૉંગ્રેસ દ્વારા એક સમયના બાવળિયાના ચેલા અવસર નાકિયાને ઉમેદવાર બનાવ્યા છે.

line
જસદણ પેટા ચૂંટણી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, તસવીરમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની બાજુમાં વચ્ચે ઉભેલા અવસર નાકિયા

47 વર્ષના નાકિયા વિંછિયા તાલુકાના પીપરડી ગામના વતની છે. નાકિયાએ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેઓ એક કારખાનાના સંચાલક છે. નાકિયા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખ પણ હતા.

એક સમયે અવસર નાકિયા કુવરજી બાવળિયાના નજીકના વ્યક્તિ ગણાતા હતા.

કુંવરજી બાવળિયા આ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટણી પંચના આંકડાઓ મુજબ જસદણ બેઠક પર બે લાખ 30 હજારથી વધુ મતદાતા નોંધાયેલા છે.

આ બેઠક પર એક લાખ 21 હજાર વધુ પુરુષ ઉમેદવાર અને એક લાખ નવ હજારથી વધુ મહિલા મતદારો છે.

લાઇન
લાઇન

જસદણ બેઠક પર શું અસર થશે?

જસદણ પેટા ચૂંટણી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ચૂંટણી પ્રચારમાં બંને પક્ષો જોર લગાવી રહ્યા છે.

જસદણ બેઠક પર આગામી 20 ડિસેમ્બરે મતદાન યોજાશે.

વિશ્લેષકોના મતે કૉંગ્રેસના કાર્યકર્તાઓનું મનોબળ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજયમાં મળેલી જીતથી મક્કમ બન્યું છે.

જસદણ સાથે સૌરાષ્ટ્રના રાજકારણને પણ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો અસર કરી શકે છે.

સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કાના બાટવાના મતે કૉંગ્રેસના આ વિજયથી કાર્યકર્તાઓના મનોબળમાં ચોક્કસ વધારો થશે.

બાટવાએ કહ્યું, "કૉંગ્રેસના જે કાર્યકર્તાઓએ બહારના રાજ્યમાં પ્રચાર કર્યો હતો. તેમાંના ઘણા કાર્યકર્તાઓ જસદણમાં પણ પ્રચાર કરી રહ્યા છે."

"આ પરિણામની સામાન્ય અસર એ થશે કે તેમના મનોબળમાં વધારો થશે."

"આ વિજયથી પાટીદારોના અનામતના મુદ્દાને પણ જીવતદાન મળી શકે છે."

"ભાજપ હારી શકે છે અથવા તો ભાજપને હરાવી શકાય છે, તેવો એક સંદેશ આ પરિણામોથી વહેતો થયો છે."

જસદણ મેપ

ઇમેજ સ્રોત, ceo.gujarat.gov.in

ઇમેજ કૅપ્શન, જસદણ વિધાન સભાનો વિસ્તાર

કાના બાટવાના મતે બાવળિયા માટે આ ચૂંટણીમાં રસ્તો સરળ નહીં હોય.

જસદણ બેઠક પર આ ચૂંટણીનાં પરિણામોની અસર થશે તેવો મત વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે પણ વ્યક્ત કર્યો હતો.

અજય ઉમટના મતે આ પરિણામ જસદણ બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર માટે પણ ખતરો સર્જી શકે છે.

તેમણે કહ્યું, "ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ કોળી જ્ઞાતિના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હોવાથી સ્થાનિક કોળી મતોના ભાગલા પડી ગયા છે."

"આ બેઠક પર પટેલ મતદારો પણ નારાજ હોવાની એક લહેર છે."

"સોશિયલ મીડિયામાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ હવા બદલાઈ છે."

"આ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ કૉંગ્રેસના કાર્યકર્તામાં નવી ચેતનાનો સંચાર કર્યો છે."

લાઇન
લાઇન

આ પરિણામોની ભાજપ-કૉંગ્રેસ પર શું અસર થશે?

જસદણ પેટા ચૂંટણી

ઇમેજ સ્રોત, AFP

કૉંગ્રેસની જીત અને ભાજપની હારને રાજકીય વિશ્ષલેષકો ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં પણ જોઈ રહ્યા છે.

આગામી સમયમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં આ પરિણામની શું અસર થશે તે જાણવું રસપ્રદ છે.

રાજકીય વિશ્લેષક હરિ દેસાઈના મતે કૉંગ્રેસને આ પરિણામથી ફાયદો થઈ શકે છે.

તેમના મતે ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અને તે પૂર્વે વિવિધ જ્ઞાતિનાં આંદોલનો થયાં હોવા છતાં ગુજરાતમાં કૉંગ્રેસની હાર થઈ અને ભાજપ જીત્યો હોવાથી કૉંગ્રેસના કાર્યકર્તા નિરાશ થયા હતા.

દેસાઈએ કહ્યું, "આ વિજયથી કૉંગ્રેસના કાર્યકર્તાનો આત્મવિશ્વાસ વધશે."

"ગુજરાતમાં અનામત માટે આંદોલન થયું અને અનામત અંગે જુદી નીતિ અપનાવામાં આવી હતી."

"જ્યારે મહારાષ્ટ્રમાં આંદોલન થયું અને ત્યાં અનામત આપી દેવામાં આવી."

"આ અનામત મળશે કે નહીં તે અલગ વિષય છે, પરંતુ જાહેરાત કરી દેવામાં આવી."

"ભાજપની આ પ્રકારની નીતિઓથી પણ પ્રજા ચોક્કસ સંદેશો મેળવે છે."

"આ પરિણામોની અસર આગામી લોકસભાની ચૂંટણીમાં ચોક્કસપણે જોવા મળશે."

લાઇન
લાઇન

અજય ઉમટના મતે પણ આ પરિણામ ગુજરાત કૉંગ્રેસના કાર્યકર્તાઓના આત્મવિશ્વાસમાં વધારો કરનારું છે.

તેમના મતે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી કૉંગ્રેસને ચૂંટણીઓ લડવા માટે ભંડોળ મેળવવા માટે પણ માર્ગ મોકળો થશે.

હરિ દેસાઈના મતે મોદી લહેરની વચ્ચે વર્ષ 2014માં ભાજપ વર્ષ 2014માં 31 ટકા વોટ મેળવી શક્યો હતો.

દેસાઈએ જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલાં 282 બેઠકો જીતીને સરકાર રચનાર ભાજપે અનેક પેટા ચૂંટણીઓમાં હારનો સામનો કર્યો હતો.

આ સ્થિતિમાં આગામી સમયમાં ભાજપ માટે કપરાં ચઢાણ રહેશે.

line

સૌરાષ્ટ્ર પર શું અસર થશે?

ભાજપના ટેકેદારોનો ફાઈલ ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, Reuters

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની સૌરાષ્ટ્ર પર સીધી અસર થઈ શકે છે.

આ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની જીત બાદ વિશ્વલેષકોના મતે જે પક્ષ જસદણમાં જીતશે તે સૌરાષ્ટ્રમાં મજબૂત મૅસેજ વહેતો કરશે.

કૉંગ્રેસની આ જીતનો સૌરાષ્ટ્રના સંદર્ભમાં કયાસ લગાડતા અજય ઉમટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો એવી છે જ્યાં વર્ષ 2014 જેવું પ્રદર્શન ભાજપ ન કરી શકે તેવી શક્યતાઓ છે.

તેમણે કહ્યું, "પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ બાદ સૌરાષ્ટ્રની રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને જામનગર બેઠકોને સીધી અસર થશે."

કાના બાટવાના મતે સૌરાષ્ટ્રે ચૂંટણીઓમાં હંમેશાં ચોંકવનારું પરિણામ આપ્યું છે.

તેમણે કહ્યું, "વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર હતી. આ સ્થિતિમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. સૌરાષ્ટ્રમાં 2014 જેવું પરિણામ આવે તેવી શક્યતાઓ નથી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો