You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS : ભારતનો જીડીપી બીજા ત્રિમાસિક ગાળામાં 8.2 ટકાથી ઘટીને 7.1 થયો
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીની વૃદ્ધિમાં ઘટાડો થયો છે અને જીડીપી 7.1 % થયો છે.
નાણાકીય બજારમાં રોકડની સમસ્યા તથા ઇંધણના વધેલા ભાવ અને નબળા રૂપિયા સહિતના પરિબળોને કારણે આર્થિક વિકાસ દર આ સમયગાળામાં મંદ પડ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 8.2 ટકા નોંધાયો હતો. પરંતુ તેમાં એક ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું અહેવાલમાં કહેવાયું છે.
જોકે, ગત વર્ષ આ જ સમયગાળામાં વિકાસ દર વૃદ્ધિ 6.3 ટકા રહી હતી, જે આ વર્ષે તેની સરખામણીએ ઊંચી છે.
વળી ભારતે હજુ પણ વિશ્વમાં ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાનો ખિતાબ જાળવી રાખ્યો છે.
અત્રે નોંધવું રહ્યું કે તાજેતરમાં જ મોદી સરકારે છેલ્લાં કેટલાક વર્ષોના જીડીપીની ગણતરીની પ્રક્રિયામાં ફેરફાર કરી નવા આંકડા જાહેર કર્યા હતા.
સિદ્ધુ રાહુલ ગાંધીના કહેવા પર પાકિસ્તાન ગયા હતા?
પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના શિલાન્યાસમાં ભારતથી બે નેતાઓ ગયા હતા.
પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહને વાંધો હોવા છતાં નવજોતસિંહ સિદ્ધુ અને હરસિમરત કૌર પાકિસ્તાન ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે ચર્ચા ચાલી રહી હતી તે વિશે નવોજત સિદ્ધુએ હૈદરાબાદમાં પત્રકાર પરિષદમાં નિવેદન આપ્યું હતું કે તેમના કપ્તાન માત્ર રાહુલ ગાંધી છે અને તેમણે જે સિદ્ધુને પાકિસ્તાન મોકલ્યા હતા.
જોકે, નિવેદન પછી સિદ્ધુએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે તેમને કોઈએ પાકિસ્તાન નહોતા મોકલ્યા.
તેઓ ઇમરાન ખાનના વ્યક્તિગત આમંત્રણથી ગયા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે ટ્વીટ કર્યું, "રાહુલ ગાંધીએ મને ક્યારેય પાકિસ્તાન જવા માટે કહ્યું નથી. આખી દુનિયા જાણે છે કે હું ઈમરાન ખાનના વ્યક્તિગત આમંત્રણ પગલે પાકિસ્તાન ગયો હતો."
આ પૂર્વે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે કરતારપુરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભારત સરકારની હાજરી સુનિશ્ચિત કરવા માટે ઇમરાન ખાને ગુગલી ફેંકી હતી.
તેમનું કહેવું હતું કે આ જ કારણે મોદી સરકારે બે મંત્રીઓને આ કાર્યક્રમમાં સામેલ થવા મોકલવા પડ્યા.
વળી આ પહેલાં ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનના આમંત્રણનો સ્વીકાર નહોતો કર્યો અને કહ્યું હતું કે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત નહીં થશે.
કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ સહિત પાંચ દોષિત
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ કોલસા કૌભાંડમાં પૂર્વ કોલસા સચિવ એચ. સી. ગુપ્તા સહિત પાંચ સરકારી અધિકારીઓને સીબીઆઈની વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણોની ફાળવણીમાં ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાં તથા છેતરપિંડીના આરોપ હેઠળ તમામને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
દોષિત અન્ય અધિકારીઓમાં કોલસા મંત્રાલયના તત્કાલીન સહ-સચિવ કે. એસ. ખોરપા અને હાલ લઘુમતી બાબતોના મંત્રાલયમાં સહ-સચિવ કે. સી. સમરીયાનો પણ સમાવેશ થાય છે.
ઉપરાંત એક ખાનગી કંપની મૅસર્સ વીએમપીએલના મૅનેજિંગ ડાયરેક્ટર વિકાસ પટની અને આનંદ મલિકને પણ આ મામલે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
વડોદરામાં કૂતરાંઓનાં ઝુંડે છ કાળિયારને મારી નાખ્યાં
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ પ્રમાણે વડોદરાના સયાજીબાગના પ્રાણીસંગ્રહાલયમાં છ કાળિયારને સ્ટ્રીટ ડોગ્સના ઝુંડે હુમલે કરી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં.
આ હુમલામાં બે કાળિયાર ગંભીર રીતે ઘાયલ પણ થયાં છે. કૂતરાંઓનું ઝુંડ તાર કૂદીને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ્યું હતું.
મૃતક કાળિયારોનું પોસ્ટમૉર્ટમ કરનારા ડૉ. સી.બી. પટેલે જણાવ્યું કે હુમલાના કારણે હૃદયરોગનો હુમલો આવતા અને શ્વાસ લેવામાં તકલીફ પડવાને કારણે આ કાળિયારોનાં મોત નીપજ્યાં છે.
સમગ્ર ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
કિસાન મોર્ચામાં એક થયો વિપક્ષ
દિલ્હીમાં ખેડૂતોની રેલીમાં ઘણા રાજકીય પક્ષ સાથે આવ્યા હતા.
તેમાં કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, માર્ક્સવાદી કમ્ય્યુનિસ્ટ પાર્ટી, એનસીપી, નેશનલ કૉન્ફરન્સ અને આમ આદમી પાર્ટી સામેલ હતાં.
દેવા માફી અને આવક વધારાની માંગણી સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રાજધાની દિલ્હીમાં એકઠાં થયા હતા.
વર્ષ 2019ની ચૂંટણી મુદ્દે વિપક્ષમાં આ મામલે એકતા જોવા મળી રહી છે.
ખેડૂતોના આ સભાની રાહલુ ગાંધીએ મુલાકાત લીધી હતી.
તેમણે કહ્યું હતું કે ખેડૂતો અનિલ અંબાણીનું હવાઇજહાજ અથવા મફત ચીજવસ્તુઓ નથી માગી રહ્યા. તેઓ તેમનો અધિકાર માગી રહ્યા છે.
સભામાં પહોંચેલા અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર ખેડૂતોને કરેલા વાયદા પૂરા કરે અને સ્વામિનાથન કમિશનની ભલામણો લાગુ કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો