વાઘણ અવનીની જેમ ગુજરાતમાં દીપડાના હુમલા, બે બાળકીઓનાં મોત

ઇમેજ સ્રોત, Daxesh Shah
થોડા દિવસો પહેલાં જ મહારાષ્ટ્રમાં માનવભક્ષી બની ગયેલી એક વાઘણ 'અવની'ને ગોળી મારી દેવામાં આવી હતી. અવનીએ છેલ્લા 20 મહિનામાં 13 લોકોના જીવ લીધા હતા.
ગુજરાતમાં પણ કંઈક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મધ્ય ગુજરાતમાં આવેલા આદિવાસી વિસ્તારના દાહોદના ધાનપુર તાલુકાના કૌટબી ગામે દીપડાએ છેલ્લા બે દિવસમાં ચાર લોકો પર હુમલો કર્યો છે.
દીપડાએ કરેલા આ હુમલામાં બે બાળકીએ જીવ ગુમાવ્યા છે.

શું છે સમગ્ર ઘટના?

ઇમેજ સ્રોત, Daxesh Shah
21 નવેમ્બર 2018ના રોજ ધાનપુર તાલુકાના ખટલા ગામની 9 વર્ષની બાળકી અસ્મિતા જંગલમાં બળતણ એકઠાં કરવા ગઈ હતી ત્યારે દીપડાએ તેની પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાના બીજા જ દિવસે આ વિસ્તારમાં 11 વર્ષની કિશોરી જ્યોત્સના પરમાર જંગલમાં ઢોર ચરાવવા ગઈ હતી.
ત્યારે અચાનક દીપડાએ તેની પર હુમલો કર્યો હતો અને જંગલમાં ખેંચીને લઈ ગયો હતો.
આ જોઈને જ્યોત્સનાના પરિવારે બૂમાબૂમ કરતાં દીપડો તેને છોડીને નાસી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, જ્યોત્સનાને દીપડાએ ગળાથી પકડી હોવાને કારણે તેને ગંભીર ઈજા થઈ હતી અને બાદમાં તેનું મૃત્યું થયું હતું.
આ વિસ્તાર રતનમહલ વન્ય રૅન્જમાં આવે છે. આ વિસ્તારમાં લગભગ 2 હજાર લોકો વસવાટ કરે છે જેમનો મુખ્ય વ્યવસાય ખેતીકામ છે.
આ વન્ય વિસ્તારના ડિવિઝનલ ફોરેસ્ટ ઑફિસર જનકસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ બનાવ ધાનપુર જંગલ વિસ્તારમાં બન્યા છે."
"આ વિસ્તાર જે 15 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. "
"વર્ષ 2014ની વસતિ ગણતરી પ્રમાણે સમગ્ર દાહોદ જિલ્લામાં 62 દીપડાઓ હોવાનું જાણવા મળ્યું હતું."
"આ બનાવો બન્યા તે ધાનપુર વિસ્તારમાં 28 દીપડાઓ હોવાનું ત્યારે સામે આવ્યું હતું."

હુમલા પાછળ એક જ દીપડો જવાબદાર?

ઇમેજ સ્રોત, Daxesh Shah
ઝાલાએ જણાવ્યું કે જે વિસ્તારમાં હુમલાઓની ઘટના બની ત્યાં દીપડાનું રહેઠાણ હોવાનું જાણવા મળ્યું છે.
ઝાલા કહે છે, "બનાવના ઘટનાસ્થળમાં 3 કિલોમીટરનો તફાવત છે."
"દીપડા દ્વારા કરવામાં આવેલી શિકારની પદ્ધતિને જોઈએ તો લાગે છે કે એક જ દીપડા દ્વારા હુમલો કરાયો છે પરંતુ ખાતરીપૂર્વક તેવું કહી શકાય નહીં."
તેમના અનુસાર સામાન્ય રીતે દીપડાઓ ગજબના શિકારી હોય છે અને 5થી 6 કિલોમીટરમાં તેઓ પોતાનો વિસ્તાર જમાવીને રહેતા હોય છે.
અમુક દીપડાઓ 15 કિલોમીટર સુધીના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ ધરાવતા હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?


હુમલા પાછળ કોણ જવાબદાર?

ઇમેજ સ્રોત, Daxesh Shah
ઝાલાનું કહેવું છે કે આ પ્રદેશ ખૂબ જ ડુંગરાળ અને ઘનઘોર જંગલથી ભરેલો છે.
"દીપડાઓ પાણી પીવા કે પછી શિકારની શોધમાં માનવોના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી આવે છે અને હુમલાઓની ઘટના બને છે."
તેમનું એવું પણ કહેવું છે કે ગામ લોકોને ફોરેસ્ટ ઍક્ટ અંતર્ગત જંગલમાં લાકડા લેવા જવાનો અધિકાર મળેલો છે જેથી કરીને લોકો જંગલમાં દૂર સુધી નીકળી જાય છે અને હુમલાનો ભોગ બને છે.


ઝાલા ઉમેરે છે, "ભૂતકાળમાં દીપડા દ્વારા મનુષ્યો પર હુમલાના વધુ બનાવો બન્યા નથી."
"છેલ્લા ત્રણ દિવસથી અમે આ હુમલાઓને અટકાવવા માટે જંગલ વિસ્તારમાં દરરોજ સવારે દીપડાના પગલાંનાં નિશાનોને ટ્રેક કરીએ છીએ. આ માટે અમે એક ટીમ પણ બનાવી છે."
"સાથે જ અમે તે વિસ્તારમાં 8 પાંજરાં પણ રાખ્યાં છે જેમાં દીપડાને લલચાવવા બકરી કે માંસ મૂકવામાં આવ્યાં છે."
સરકારે હુમલાના પીડિતોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












