BBC TOP NEWS: અયોધ્યામાં બનશે ભગવાન રામની મૂર્તિ - યોગીનું એલાન

ઇમેજ સ્રોત, Getty Images
સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' બાદ હવે અયોધ્યામાં રામની મૂર્તિ બનશે, એવી જાહેરાત ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કરી છે.
એનડીટીવી ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રી યોગીએ અયોધ્યામાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભગવાન રામની મૂર્તિનું નિર્માણ થશે. આ મૂર્તિ ખુલ્લા આકાશ નીચે નહીં પણ એક બંધ છત નીચે બનશે.
યોગીએ કહ્યું, "આ પણ 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' જેવો મૅગાપ્રૉજેક્ટ હશે. જ્યારે રામમંદિર અંગે તેમણે જણાવ્યું કે, બંધારણની મર્યાદામાં રહીને કામ આગળ વધશે."
છેલ્લા થોડા સમયથી 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' જેવી જ રામ મૂર્તિ બનાવવા અંગે ચર્ચાઓ થઈ રહી હતી, જેની હવે સત્તાવાર જાહેરાત થઈ ચુકી છે.
મુખ્ય મંત્રી યોગીએ કહ્યું કે, આ એક દર્શનીય મૂર્તિ હશે. મંદિરની અંદર એક પૂજન થઈ શકે તેવી અન્ય એક મૂર્તિ બનશે.
તેમણે ઉમેર્યું, "લોકોની આસ્થાનું પણ સન્માન થાય અને અયોધ્યાની ઓળખ પણ બની જાય તેવી મૂર્તિનું નિર્માણ થશે."

અમદાવાદનું નામ બદલવાની ગુજરાતી સરકારની તૈયારી

ઇમેજ સ્રોત, Twitter/@Nitinbhai_Patel
એનડીટીવીના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા રાખ્યા બાદ ગુજરાત સરકાર પણ અમદાવાદનું નામ બદલવા તૈયાર થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યોગીની જાહેરાતના કલાકોમાં જ ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું કે જો કોઈ કાયદાકીય અડચણ ના આવે તો અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા સરકાર તૈયાર છે.
નીતિન પટેલે કહ્યું, "લોકોમાં હજી પણ એવી લાગણી છે કે અમદાવાદનું નામ કર્ણાવતી હોવું જોઈએ."
"જો અમને કાયદાકીય અડચણોમાંથી બહાર નીકળવા માટે સપોર્ટ મળશે તો અમે અમદાવાદનું નામ બદલવા માટે તૈયાર છીએ."


ભારતમાં અમદાવાદ એક માત્ર વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે.
ઈ.સ. 1411માં સુલતાન અહમદશાહે અમદાવાદનો પાયો નાખ્યો હતો.
ઇતિહાસકારોના મતે અહમદશાહે અમદાવાદનો પાયો નાખ્યો ત્યારે તેની પાસે કર્ણાવતી નામનું નગર હતું.

આરબીઆઈએ રાહુલ દ્રવિડની જેમ રમવું જોઈએ : રાજન

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ઊભા થયેલા તણાવ મામલે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન આવ્યું છે.
રઘુરામ રાજને કહ્યું, "આરબીઆઈએ ક્રિકેટર રાહુલ દ્રવિડની જેમ ધીરેધીરે નિર્ણયો લેવા જોઈએ, જેને લોકો ભરોસાપાત્ર ગણે છે."
"આરબીઆઈની ભૂમિકા ગમે ત્યારે નિવેદનો આપતા નવજોતસિંહ સિદ્ધુ જેવી ના હોવી જોઈએ."
આરબીઆઈની ભૂમિકા પર વાત કરતા રઘુરામ રાજને કહ્યું, "વર્તમાન પરિસ્થિતિમાં આરબીઆઈની ભૂમિકા કારના સીટ બૅલ્ટ જેવી છે. જે દુર્ઘટના રોકવા માટે જરૂરી છે."
ગયા દિવસોમાં સેક્શન 7 પણ ચર્ચામાં રહી હતી. રાજને તેના પર કહ્યું, "સેક્શન સાતનો ઉપયોગ કરવો એ સારી ખબર નથી."
"જો સેક્શનનો ઉપયોગ કરવામાં આવશે તો બૅન્ક અને સરકાર વચ્ચેના સંબંધો ખરાબ થઈ જશે."

પત્નીના કારણે કુમારસ્વામી ફરી ચર્ચામાં

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામી એકવાર ફરી પોતાની પત્નીના કારણે સમાચારોમાં છે.
કર્ણાટકમાં યોજાયેલી વચ્ચગાળાની ચૂંટણીમાં કુમારસ્વામીની પત્ની અનીતા કુમારસ્વામીએ રામનગર બેઠક પરથી જીત હાંસલ કરી છે.
અનીતાએ ભાજપના ઉમેદવાર એલ ચંદ્રશેખરને 1 લાખ 9 હજાર મતોથી પરાજ્ય આપ્યો છે.
મે મહિનામાં થયેલી ચૂંટણીમાં કુમારસ્વામીએ ચેન્નાપટના બેઠક અને રામનગર બંને બેઠકો પરથી ચૂંટણી જીતી હતી. જે બાદ તેમણે રામનગર બેઠક ખાલી કરી દીધી હતી.
આ પહેલીવાર થશે જ્યારે કર્ણાટકમાં પતિ-પત્ની બંને વિધાનસભામાં એક સાથે જોવા મળશે.
કર્ણાટકમાં યેદિયુરપ્પાના પુત્ર એકલા છે કે જેમને ભાજપમાંથી જીત મળી છે.

અમેરિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખૂબ જ મહત્ત્વની ગણાતી મધ્યસ્થ ચૂંટણીમાં મતદાન કરવા માટે અમેરિકનો મોટી સંખ્યામાં બહાર નીકળ્યાં છે.
કોંગ્રેસની બધી જ 435 બેઠકો, સેનેટની 100માંથી 35 બેઠકો અને 50માંથી 36 રાજ્યોના ગવર્નર ચૂંટવા માટે આ ચૂંટણીઓ થઈ રહી છે.
આ ચૂંટણીઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે તેમના કાર્યકાળનો જનમત સંગ્રહ પણ મનાઈ રહ્યો છે.
ટ્રમ્પ સીધી રીતે આ ચૂંટણીઓમાં ઊભા રહ્યા નથી પરંતુ આ ચૂંટણીઓનો સૌથી મોટો ચહેરો તેઓ છે.
આ જ કારણ છે કે અમેરિકાના ઇતિહાસમાં આ મધ્યસ્થ ચૂંટણીઓ સૌથી મહત્ત્વની બની ગઈ છે.
મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન કેન્દ્રોની બહાર લાંબી-લાંબી લાઇનો જોવા મળી રહી છે.

નીરવ મોદીની 56 કરોડની સંપત્તિ જપ્ત

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ હીરાના વેપારી નીરવ મોદી પર ઇડીએ સકંજો કસવાનો શરૂ કર્યો છે.
ઈડીએ દુબઈમાં નીરવ મોદી અને તેમની કંપનીની 56.8 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ 11 મિલકતો હતી, જેનો સંબંધ નીરવ મોદી સાથે હતો.
ગયા મહિને એજન્સીએ નીરવ મોદી અને તેમના પરિવારની લગભગ 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.
જેમાં ન્યૂ યૉર્કના સેન્ટ્રલ પાર્ટમાં બે આલીશાન એપાર્ટમેન્ટ પણ સામેલ હતા.
નીરવ મોદી પર આરોપ છે કે તેમણે પંજાબ નેશનલ બૅન્કમાં 11,360 કરોડનું કૌભાંડ કરીને દેશ છોડીને ભાગી ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












