સરદાર પટેલના વારસદારો ખરેખર રાજકારણમાં ન હતા?

ઇમેજ સ્રોત, Urvish Kothari
- લેેખક, ઉર્વિશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
સરદાર પટેલનાં પુત્રી મણિબહેન અને પુત્ર ડાહ્યાભાઈ ઉપરાંત ડાહ્યાભાઈનાં પત્ની ભાનુમતીબહેન અને ડાહ્યાભાઈના સાળા પશાભાઈ પટેલ લોકસભાની ચૂંટણીઓ લડ્યાં હતાં.
અહેવાલો પ્રમાણે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ભવ્ય સમારંભમાં સરદારના પૌત્ર ગૌતમભાઈ હાજર રહેવાના નથી અને એરોરરરjj જાણીને નવાઈ પણ લાગતી નથી.
સરદારને ભૂલાવી દેવાના અને 'સરદારને અન્યાય'ની સ્વાર્થી કાગારોળ મચાવવાના એ બંને પ્રકારના રાજકારણથી ગૌતમભાઈ દૂર રહ્યા હતા. તેમનો પુત્ર કેદાર પછી અમેરિકા સ્થાયી થયો.
ત્યાર પછી ગૌતમભાઈને મળવાનું થયું નથી કે તેમની સાથે સંપર્ક રહ્યો નથી.
પણ સરદારના નામે ચાલતા રાજકારણ પ્રત્યે ગૌતમભાઈને જે રીતે વાંધો હતો, તે યાદ રહી ગયો છે.
સરદાર તેમના વારસદારોને રાજકારણથી દૂર રાખવા માગતા હતા એ બહુ જાણીતું છે.

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
સરદારે કહ્યું હતું કે એ દિલ્હીમાં છે ત્યાં સુધી સગાંવહાલાંએ દિલ્હીમાં પગ ન મૂકવો. આવું કહેવા પાછળનું કારણ હતું : પોતાના નામનો દુરુપયોગ ન થાય તે માટેની સભાનતા.
પરંતુ આ વાતને પછી એટલી બઢાવીચઢાવીને રજૂ કરવામાં આવી કે સરદારનાં મૃત્યુ પછી તેમનાં સંતાનોની લાંબી રાજકીય કારકિર્દીને સદંતર ભૂલાવી દેવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બહુ યાદ કરાવતાં તેમનાં પુત્રી મણિબહેન સાબરકાંઠામાંથી કે મહેસાણામાંથી ચૂંટણી લડેલાં, એટલું કોઈને યાદ આવે.
પણ હકીકત સાવ જુદી છે (અને તે સરકારની ટીકા માટે વાપરી શકાય એવી નથી.)
સરદારને બે સંતાન હતાં : મણિબહેન અને ડાહ્યાભાઈ. સફળ વકીલ સરદારે બંને સંતાનોને અંગ્રેજીમાં ભણાવેલાં.
પત્નીના અકાળે અવસાન પછી બંને સંતાનોને મુંબઈમાં અંગ્રેજ ગવર્નેસ પાસે મૂકીને વલ્લભભાઈ બૅરિસ્ટર થવા માટે ઇંગ્લૅન્ડ ગયા હતા.
પાછા આવ્યા પછી તેમની પ્રૅક્ટિસ ધમધોકાર ને જિંદગી એશઆરામભરી ચાલતી હતી, પરંતુ ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ ઉપાડ્યો, ત્યારે બૅરિસ્ટર વલ્લભભાઈ વિચારતા થયા.
ધીમે ધીમે તે ગાંધીજી સાથે જોડાયા અને પછી બધું છોડીને સંપૂર્ણપણે આંદોલનમાં ઝુકાવ્યું.

ડાહ્યાભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Urvish Kothari
મણિબહેન જાહેર જીવનમાં પિતાના પગલે ચાલનારાં હતાં, જ્યારે ડાહ્યાભાઈનો રસ્તો જુદો હતો.
છતાં, 1939માં પહેલી વાર તે બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનના સભ્ય તરીકે ચૂંટાયા અને 18 વર્ષ સુધી કૉર્પોરેશનમાં રહ્યા.
તેમાંથી છ વર્ષ તો તે કોંગ્રેસ પક્ષના નેતા તરીકે રહ્યા અને 1954માં મુંબઈના મેયર પણ બન્યા.
રાષ્ટ્રીય રાજકારણમાં ડાહ્યાભાઈનો પ્રવેશ 1957થી થવાનો હતો.
તેમણે પોતે પ્રકાશિત કરેલી પુસ્તિકા 'રાજ્યસભામાં પહેલું વર્ષ'ની પ્રસ્તાવનામાં તેમણે નોંધ્યું છે કે (1957ની ચૂંટણીમાં) 'કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભાની બેઠક માટે ચૂંટણી લડવા હું તૈયાર છું એવી મતલબનો પત્ર મેં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખને લખી આપ્યો હતો.
ગુજરાત પ્રાન્તિક કોંગ્રેસના પ્રમુખ પોતે મને મળવા મારે ઘેર આવેલા અને મને ઊભો રાખવા પોતે કેટલા આતુર હતા તે સમજાવી મારી પાસે પત્ર લખાવ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ ત્યાર પછી 1957ના જાન્યુઆરીમાં ઇન્દોરમાં ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ડાહ્યાભાઈને લાગ્યું કે પંડિત નહેરુની આગેવાની હેઠળની કોંગ્રેસ સરદારના પ્રદાનનો સ્વીકાર કરવા તૈયાર નથી. એટલે એ જ વર્ષે તેમણે કોંગ્રેસ છોડી.
ત્યારે મહાગુજરાત આંદોલન વેગમાં હતું. તેના આગેવાન ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા અંગ્રણીઓએ 'મહાગુજરાત જનતા પરિષદ' નામે રાજકીય પક્ષની રચના કરી હતી.
ઇન્દુલાલે, ડાહ્યાભાઈને પરિષદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા વિનંતી કરી.
પરંતુ તેમણે આત્મકથામાં નોંધ્યું છે કે મણિબહેને 'આંસુથી છલકાતી આંખે સામો ઠપકો આપ્યો કે બાપુની (સરદારની) આંખ મીંચાઈ ત્યારે તારાથી કોંગ્રેસ સામે ચૂંટણીમાં ઊભા રહેવાય જ કેમ?
બહેનના આવા બોલ અને આંસુથી ડાહ્યાભાઈ છેક હતાશ થયા. તરત તેમણે ઉમેદવારીની વાત માંડી વાળી.' ('આત્મકથા', ભાગ-6, પૃ.88) પછી તે 1958માં પરિષદના સભ્ય તરીકે રાજ્યસભાના સભ્ય બન્યા.
1959માં સ્વતંત્ર પક્ષની સ્થાપના થઈ, ત્યારે ભાઈકાકા જેવા સરદારના વિશ્વાસુ સાથીદારો તેમાં જોડાયા.
ડાહ્યાભાઈ પણ સ્વતંત્ર પક્ષમાં જોડાયા અને 1964થી સ્વતંત્ર પક્ષના સભ્ય તરીકે રાજ્યસભામાં ચૂંટાયા.
આમ, 1958થી લાગલગાટ ત્રણ મુદત સુધી, 1973માં તેમનું અવસાન થયું ત્યાં સુધી, તે રાજ્યસભાના સાંસદ રહ્યા.
તેમને અંજલિ આપતાં તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે 'સંસદમાં આપણને જૂના મિત્ર અને સાથીની ખોટ સાલશે.'
પક્ષના સભ્યોએ ડાહ્યાભાઈને 'પહેલાં અંગ્રેજ સરકાર સામે અને પછી લોકશાહી, આઝાદી તથા મુક્ત વેપાર (ફ્રી ઍન્ટરપ્રાઇઝ) માટે લડનારા યોદ્ધા' તરીકે અંજલિ આપી. (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, 12 ઑગસ્ટ, 1973)

ભાનુમતીબહેન પટેલ અને પશાભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Urvish Kothari
ડાહ્યાભાઈ રાજ્યસભાના સાંસદ હતા એટલે 1962ની લોકસભાની ચૂંટણી વખતે સ્વતંત્ર પક્ષે ડાહ્યાભાઈનાં પત્ની ભાનુમતીબહેનને ભાવનગરથી અને ડાહ્યાભાઈના સાળા-ઉદ્યોગપતિ પશાભાઈ પટેલને સાબરકાંઠાથી ઊભા રાખ્યા.
ભાવનગર બેઠક પર કોંગ્રેસ, પ્રજા સમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો.
તેમાં સ્વતંત્ર પક્ષનો કચ્ચરઘાણ નીકળી ગયો અને ભાનુમતીબહેનને ફક્ત 14,774 મત (7.8 ટકા મત) મળતાં તેમની ડિપોઝીટ જપ્ત થઈ.
તેમના ભાઈ પશાભાઈ વધુ સન્માનજનક રીતે હાર્યા. સાબરકાંઠા બેઠક પર તેમના પ્રતિસ્પર્ધી તરીકે કોંગ્રેસના કેન્દ્રીય મંત્રી ગુલઝારીલાલ નંદા ઊભા હતા.
પશાભાઈએ નંદાને બરાબર લડત આપી અને 24,609 મતથી હાર્યા. પશાભાઈ માટે આ ચૂંટણી પહેલી પણ ન હતી અને છેલ્લી પણ નહીં.
1957ની લોકસભા ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે તે વડોદરા બેઠક પર ભૂતપૂર્વ રાજવી ફતેસિંહરાવ ગાયકવાડ સામે ચૂંટણી લડ્યા હતા.
તેમાં તેમની 63,646 મતે હાર થઈ હતી. 1967ની લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી આચાર્ય કૃપાલાણી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે લડવાના હતા.
પરંતુ તેમણે નિર્ણય બદલતાં, પશાભાઈને ટિકિટ આપવામાં આવી. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વડોદરાના મેયર નાનાલાલ ચોક્સી હતા. એ ચૂંટણીમાં પશાભાઈ 22,317 મતે જીત્યા.

મણિબહેન પટેલ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
રાજકારણમાં અને અંગત જીવનમાં મણિબહેન ડાહ્યાભાઈથી જુદા રસ્તે ચાલ્યાં. રાષ્ટ્રીય રાજકારણમાં તેમનો પ્રવેશ ડાહ્યાભાઈ કરતાં વહેલો થયો.
સ્વતંત્ર ભારતની પહેલી લોકસભાની ચૂંટણી મણિબહેન ખેડા (દક્ષિણ) બેઠક પરથી લડ્યાં અને 59,298 મતે જીત્યાં.
1957માં ડાહ્યાભાઈએ કૉંગ્રેસ છોડી, પણ મણિબહેન માટે 'બાપુનો પક્ષ'છોડવાનો વિચાર જ અસહ્ય હતો.
1957ની લોકસભા ચૂંટણી તે આણંદ બેઠક પરથી લડ્યાં અને 37,429 મતે જીત્યાં.
અલગ ગુજરાત રાજ્યની સ્થાપના પછી 1962માં લોકસભાની ચૂંટણી આવી.
ત્યારે મહાગુજરાત આંદોલનમાં કોંગ્રેસની ભૂમિકાને કારણે કોંગ્રેસ સામે વિરોધનું ઠીક ઠીક વાતાવરણ હતું.
એવા સંજોગોમાં આણંદ બેઠક પર વિશિષ્ટ અને વક્રતાપૂર્ણ રાજકીય સ્થિતિ સર્જાઈ.


એક તરફ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મણિબહેન હતાં અને તેમનો મુકાબલો સરદારના ખાસ સાથીદાર- વલ્લભ વિદ્યાનગરના સ્થાપક ભાઈકાકાના સ્વતંત્ર પક્ષ સાથે હતો.
સ્વતંત્ર પક્ષના ઉમેદવાર હતા નરેન્દ્રસિંહ મહીડા. આ ચૂંટણીમાં સરદારની ભૂમિ કહેવાય એવી આણંદની બેઠક પર સરદારનાં પુત્રી મણિબહેન 22,729 મતે હાર્યાં.
ત્યાર પછી 1964માં તે કોંગ્રેસનાં સભ્ય તરીકે રાજ્યસભામાં ચૂંટાયાં અને 1970 સુધી સાંસદ રહ્યાં.
1973માં તે સાબરકાંઠા બેઠક પર પેટાચૂંટણી જીતીને ફરી લોકસભાનાં સભ્ય બન્યાં.
આ ચૂંટણી પહેલાં ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના બે ભાગ કરી નાખ્યા હતા.
મણિબહેને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને બદલે મોરારજી દેસાઈ જેવા જૂના કોંગ્રેસીઓની બનેલી કોંગ્રેસ(ઓ) સાથે રહેવાનું પસંદ કર્યું.
તેમ છતાં, તે સાબરકાંઠા બેઠક પરથી જીત્યાં, તે કોંગ્રેસ (ઓ) માટે પણ વિશેષ ઉપલબ્ધિ બની રહી.
કટોકટી પછી 1977માં મણિબહેન મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડ્યાં અને કોંગ્રેસવિરોધી જુવાળમાં 1.22 લાખ મતના તફાવતે જીત્યાં.
મણિબહેનનાં છેલ્લાં વર્ષ અમદાવાદમાં, જાતે સ્વીકારેલી અકિંચન અવસ્થામાં ગયાં.
તે ઘણી ગાંધીસંસ્થાઓ સાથે છેવટ સુધી સંકળાયેલાં રહ્યાં અને જાહેર જીવનમાં પણ સક્રિય ભાગ લેતાં રહ્યાં. 1990માં તેમનું અવસાન થયું.

વિપીનભાઈ-ગૌતમભાઈ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
મણિબહેન આજીવન અપરણીત હતાં. ડાહ્યાભાઈનું પહેલું લગ્ન યશોદાબહેન સાથે થયું, પરંતુ ડાહ્યાભાઈ 27 વર્ષના હતા, ત્યારે યશોદાબહેનનું અવસાન થયું.
પછી તેમણે બીજું લગ્ન ભાનુમતીબહેન સાથે કર્યું. ડાહ્યાભાઈના બે પુત્રો : વિપીનભાઈ અને ગૌતમભાઈ.
એ બંને રાજકારણથી સદંતર અળગા રહ્યા. એટલું જ નહીં, સરદારના નામના રાજકારણથી પણ દૂર રહ્યા.
સરદારને ભારતરત્ન મળ્યો ત્યારે વયોવૃદ્ધ વિપીનભાઈએ તે સન્માનનો સ્વીકાર કર્યો હતો.
વિપીનભાઈનું અવસાન થતાં હવે ગૌતમભાઈ સરદારના સૌથી નિકટના કુટુંબી તરીકે રહ્યા છે.
પ્રસિદ્ધિ અને પ્રસાર માધ્યમોથી દૂર રહેતા ગૌતમભાઈને તેમના નિવાસસ્થાને નિરાંતે મળવાની તક મને 1999માં મળી હતી.
શારીરિક દેખાવમાં સરદાર પટેલની યાદ તાજી કરાવતા ગૌતમભાઈ અને તેમનાં પત્ની નંદિનીબહેન સ્વભાવે અત્યંત સરળ અને બીજી કશી લપ્પનછપ્પનમાં ન પડનારાં લાગ્યાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













