દૃષ્ટિકોણ : આઝાદ હિંદની ટોપી પહેરીને મોદીએ કોંગ્રેસ પર કર્યો વાર

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રમોદ જોશી
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિંદી માટે
આને નરેન્દ્ર મોદીનું કુશળ વ્યવહારિક રાજકારણ કહીએ કે પછી નાટક, તે દરેક એવી બાબત ઝડપી લે છે જે ભાવનાત્મક દૃષ્ટિએ ફાયદાકારક હોય.
નિશાના પર જો નહેરુ-ગાંધી 'પરિવાર' હોય તો તેઓ તેને વધારે મહત્ત્વ આપતા હોય છે. રવિવારે 21 ઑક્ટોબર 2018ના રોજ લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવીને એમણે એક તીરે અનેક નિશાન સાધ્યા છે.
'આઝાદ હિંદ ફોજ સરકાર'ની 75મી જયંતી પર 21 ઑક્ટોબર 2018ના રોજ લાલ કિલ્લામાં આયોજિત સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીની ગોઠવણ અચાનક જ કરવામાં આવી હતી.
નહીંતર આ એક લાંબી કવાયત બની શકે તેમ હતી. ટ્વિટર પર એક વીડિયો સંદેશમાં એમણે જણાવ્યું હતું કે 'હું આ પ્રસંગે હાજરી આપીશ.'

કોંગ્રેસ પર નિશાન

ઇમેજ સ્રોત, Getty Images
આ ધ્વજારોહણ સમારંભમાં પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને યાદ કરવામાં જેટલા શબ્દોનો ઉપયોગ કર્યો એનાથી પણ ઓછા શબ્દોનો ઉપયોગ તેમણે કોંગ્રેસ પર વાર કરવામાં કર્યો, છતાં જે પણ કહ્યું તે પૂરતું હતું.
તમે આ વાંચ્યું કે નહીં?
મોદીએ કહ્યું, "એક પરિવાર માટે દેશના ઘણા સપૂતોનાં યોગદાનને કોરાણે મૂકી દેવામાં આવ્યું છે. પછી તે સરદાર પટેલ હોય કે બાબા સાહેબ આંબેડકર. નેતાજીના યોગદાનને પણ ભુલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આઝાદી પછી જો દેશને પટેલ કે નેતાજીનું નેતૃત્વ મળ્યું હોત તો વાત કંઈક જુદી જ હોત."
મોદીના વડપણમાં ભાજપે ગાંધી, આંબેડકર, પટેલ અને લાલ બહાદુર શાસ્ત્રી જેવા લોકપ્રિય નેતાઓનો પહેલેથી જ સ્વીકાર કરી લીધો છે. હવે આઝાદ હિંદ ફોજની ટોપી પણ પહેરી લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ભાજપને શું મળશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ 'સૉફ્ટ રાજનીતિ' છે. નેતાજી સુભાષ કોઈ રાજકીય મતવિસ્તાર નથી.
એમના નામથી કોઈ પણ મત બૅન્કના દરવાજા પણ ખૂલતા નથી. હા, એમના નામથી દેશપ્રેમની ભાવના જરૂર પેદા થાય છે.
ભગતસિંહના વિચારો ભાજપ સાથે મેળ ખાતા નથી, છતાં ભાજપ તેમનું પણ નામ લે છે.
આ બહાને મોદી એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જેમને મળવો જોઈતો હતો તેમને જશ મળ્યો નથી.
રાષ્ટ્રીય ચળવળનો લાભ કોઈ બીજા ખાટી ગયા છે. હજુ તેઓ 30 ડિસેમ્બરના રોજ પોર્ટ બ્લેયર (અંદમાન અને નિકોબાર) પણ જશે.
પોર્ટ બ્લેયરમાં 1943માં 30 ડિસેમ્બરના રોજ ભારતીય ભૂમિ પર સૌથી પહેલાં સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનો ત્રિરંગો ફરકાવ્યો હતો.

ભાવનાઓની ખેતી

ઇમેજ સ્રોત, Getty Images
આ મહિનાના અંતમાં તેઓ 31 ઑક્ટોબર 2018ના રોજ ગુજરાતમાં સરદાર પટેલના સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું અનાવરણ કરશે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી કે મોદી એવા મુદ્દાઓ, પ્રતીકો અને લાગણીઓને રળી લે છે કે જે લોકોને મનને સ્પર્શતા હોય.
લાગણીઓનું આ રાજકારણ કાંઈ મોદીએ રચેલું નથી. આ તો પહેલાંથી જ ચાલતું આવી રહ્યું છે. એનાં રૂપ-રંગ અલગ છે. હા, મોદીએ એને ઓપ જરૂર આપ્યો છે.
તેઓ જ્યારે કંઈક ઉત્તેજક બોલે છે ત્યારે તેના જવાબમાં નકારાત્મક પ્રતિક્રિયા આવે છે. મોદી એનો પણ પોતાના પક્ષમાં ઉપયોગ કરી લે છે.
છેલ્લાં ચાર વર્ષથી તેમણે 21 ઑક્ટોબર 2018ના રોજ લાલ કિલ્લા પરથી ધ્વજારોહણની વાત અંગે વિચાર્યું પણ નહોતું.
યોગાનુયોગ એ ઘટનાનું આ 75મું વર્ષ છે અને ચૂંટણી પણ નજીક છે.
તારીખોના અંગત અર્થ ખોળી કાઢવા એ પણ મોદી-કળા છે. ગયા વર્ષે એમણે 9 ઑગસ્ટ 'ક્રાંતિ દિવસ'ને એમણે 'સંકલ્પ દિવસ' તરીકે મનાવ્યો હતો.
આ રીતે રાષ્ટ્રીય આંદોલનનું નામ આપીને મોદીએ કોંગ્રેસ પાસેથી એક તારીખ છીનવી લીધી.

કોંગ્રેસની કહેવતો પણ પચાવી પાડી

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ ક્રાંતિને 75 વર્ષ પૂરાં થયાં બાદ ભાજપ સરકારના સ્તરે જ આયોજન કર્યું અને તેનો અણસાર પણ કોંગ્રેસને નહોતો.
મોદી સરકારે વર્ષ 1942 થી 1947ને તો ઉમેર્યાં જ પણ સાથેસાથે વર્ષ 2017થી 2022ને પણ તેમાં ઉમેરી દીધાં છે. એટલે કે એમની યોજના 2019થી પણ આગળ વધી છે.
છેલ્લાં ચાર વર્ષોમાં તેમણે કોંગ્રેસ પાસેથી તમામ કહેવતો પણ છીનવી લીધી છે.
મોદીના 'સ્વચ્છ ભારત અભિયાન'નું પ્રતીક ગાંધીજીના ગોળ ચશ્મા છે.
ગાંધીના સત્યાગ્રહની જેમ જ મોદી 'સ્વચ્છાગ્રહ' શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે.
કહેવાય છે કે આ બધું નાટક છે, રાજકારણ છે, પણ રાજકારણમાં કોણ નાટક નથી કરતું?
વાત માત્ર એટલી જ છે કે કોણ ઉત્તમ નાટક ભજવી જાણે છે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















