You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમૃતસર ટ્રેન દુર્ઘટના : 'લોકો રાવણ સળગાવે છે, અમારું તો ઘર જ સળગી ગયું'
- લેેખક, સરબજીત સિંઘ ધાલીવાલ
- પદ, બીબીસી સંવાદદાતા, અમૃતસરથી
અમૃતસરના જોડા ફાટક નજીક મોટી વસતિ ધરાવતો કૃષ્ણાનગર વિસ્તાર આવેલો છે.
દશેરાના દિવસે થયેલા અકસ્માતમાં આ વિસ્તારના જ વધુ લોકોનાં મોત થયાં છે. આ વિસ્તારની દરેક ગલી અને ચોક પર અકસ્માતની વાતો ચાલી રહી છે.
સાંકડી ગલીઓથી પસાર થઈને અમે એક મકાન પાસે થોભ્યાં. આ મકાન નરેન્દ્રપાલ સિંઘનું છે. ત્યાં મૃતકનાં પત્ની દર્શના મળ્યાં.
ઘરની પરિસ્થિતિ જોઈને લાગતું કે નરેન્દ્રપાલ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
ઘરમાં એક પથારી હતી જેની પાસે વાસણ રાખવાનું તૂટેલું પિંજરું હતું.
રસોડામાં ચૂલાની જગ્યાએ હીટર હતું જેને જોઈને લાગતું કે જમવાનું આની પર જ બનતું હશે.
એક અંધારા રૂમમાંથી 45 વર્ષનાં દર્શના બહાર આવ્યાં અને તેમની દીકરીઓ સાથે અમારી પાસે બેઠાં.
વાતચીતમાં દર્શના જણાવે છે કે તેમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે જેમનાં લગ્ન થઈ ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'અમારું તો ઘર સળગી ગયું'
દર્શના કહે છે, "અમારે કેવા દશેરા, લોકો રાવણ સળગાવે છે, અમારું તો ઘર જ સળગી ગયું. હવે જ્યારે પણ દશેરા આવશે ત્યારે આ દુર્ઘટના યાદ આવશે."
દર્શના મુજબ જ્યારે ટ્રેન લોકોને કચડીને પસાર થઈ ત્યારે વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. આ બાદ દર્શનાએ તેમના પતિની શોધખોળ શરૂ કરી હતી.
દર્શનાએ જણાવ્યું કે ટ્રેનના પાટા નજીક તેમના પતિ બેભાન અવસ્થામાં મળી આવ્યા.
ત્યારબાદ તેમને સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
માતમનો માહોલ
કૃષ્ણાનગરની અન્ય એક ગલીમાં અમે ગયાં ત્યારે મહિલાઓનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.
જ્યારે થોડા આગળ વધ્યાં તો લગભગ 45 વર્ષના અનિલ કુમાર નજરે પડ્યા.
જેઓ મૂળ અલાહાબાદના રહેવાસી છે અને છેલ્લાં 20 વર્ષોથી અમૃતસર સ્થિત એક દુકાનમાં કામ કરે છે.
અનિલે જણાવ્યું કે તેઓ ભાડાનાં ઘરમાં રહે છે અને એકમાત્ર દીકરાના ગયા બાદ દીકરી જ તેમનો સહારો છે.
આંખોમાં આંસુ સાથે અનિલે જણાવ્યું કે આકાશનાં માતાને આ ઘટના અંગે જાણ પણ નથી.
તેમણે કહ્યું, "દશેરાના દિવસે મેં દીકરા આકાશ સાથે ભોજન કર્યું હતું. સાંજે લગભગ 4 વાગે તે પોતાના મિત્રો સાથે રાવણદહન જોવા માટે ગયો હતો."
અનિલે જણાવ્યું કે રાત્રે 9 વાગે તેમને આ અકસ્માત અંગે જાણ થઈ અને સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા. ત્યાં તેમને પોતાના દીકરાનો મૃતદેહ મળ્યો હતો.
"જે દીકરાએ ઘડપણમાં અમારો સહારો બનવાનું હતો તેની લાશ અત્યારે ઉઠાવવી પડશે એ ક્યારેય વિચાર્યું ન હતું."
'દુર્ઘટના ભૂલાવવી મુશ્કેલ'
35 વર્ષનાં સુમનનું ઘર ફાટકની નજીક છે અને તેઓ અન્ય મહિલાઓની સાથે અગાસી પરથી રાવણ દહન નીહાળી રહ્યાં હતાં.
બીબીસીની ટીમ તેમનાં ઘરે પહોંચી તો તેઓ દુર્ઘટનાનો વીડિયો જોઈ રહ્યાં હતાં. આ વીડિયો તેમનાં દીકરીએ ફોનમાં ઉતાર્યો હતો.
સુમને કહ્યું કે દુર્ઘટના બાદ એવું વાતાવરણ હતું જે વર્ણવી શકાય એમ પણ નથી.
સુમને જણાવ્યું કે તેઓ છેલ્લાં 20 વર્ષથી ત્યાં જ રહે છે અને દર વર્ષે આવી રીતે દશેરાનું આયોજન કરવામાં આવે છે.
એટલીવારમાં દીપ નામનાં મહિલા આવ્યાં અને કહ્યું કે બધું જ તેમની નજરની સામે થયું. ઘડીકવારમાં જ ખુશીઓ માતમાં ફેરવાઈ ગઈ.
દીપ જણાવે છે કે તેમણે તેમની ચાદરો મૃતદેહોને ઢાંકવા માટે આપી દીધી હતી.
તેમણે એવું પણ કહ્યું કે 1947ના ભાગલા સમયે થયેલી કત્લેઆમની વાતો સાંભળી હતી, કંઈક એવું જ દૃશ્ય તેમણે જોયું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો