શા માટે ઉનાના દલિત પરિવારના 14 સભ્યો માગી રહ્યા છે ઇચ્છામૃત્યુ?

રાષ્ટ્રપતિને ઇચ્છામૃત્યુની અરજી કરનારો દલિત પરિવાર

ઇમેજ સ્રોત, piyush sarvaiya

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિને ઇચ્છામૃત્યુની અરજી કરનારો દલિત પરિવાર
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

"મારા ભાઈને જીવતો સળગાવી દીધો. એ વાતને હું ભૂલી ન જઉં તે માટે મારા વ્હૉટ્સઍપના ડિસ્પ્લે પિકચર તરીકે રાવણને રાખ્યો છે. એ લોકોએ અમારી સોનાની દુનિયાને આગ ચાંપી દીધી." આ શબ્દો છે 29 વર્ષના દલિત યુવક પિયુષ સરવૈયાના.

ગીર-સોમનાથ જિલ્લાના દેલવાડાના સરવૈયા પરિવારના 14 સભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઇચ્છામૃત્યુ આપવા માગ કરી છે.

પરિવારનું કહેવું છે કે તેઓ 'હિજરતી' જાહેર થયા હોવા છતાંય રાજ્ય સરકાર તેમના 'પુનઃવસનની કામગીરી' કરવામાં નિષ્ફળ રહી છે.

રાજ્ય સરકારે સમગ્ર કિસ્સાને 'સંવેદનશીલતાપૂર્વક' વિચારવાની વાત કહી છે.

બીજી બાજુ, ઇચ્છામૃત્યુની અરજીને કારણે રાજ્યમાં ફરી એક વખત દલિતોની સ્થિતિ અંગે સવાલ ઊભા થયા છે.

line

શા માટે રાષ્ટ્રપતિને અરજી કરવી પડી?

પોતાના હક માટે પરિવારે ઉપવાસ પણ કર્યા હતા

ઇમેજ સ્રોત, piyush sarvaiya

ઇમેજ કૅપ્શન, પોતાના હક માટે પરિવારે ઉપવાસ પણ કર્યા હતા

દલિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ ઇચ્છામૃત્યુ આપવાની માગ કરતા સરવૈયા પરિવારના 14 સભ્યોનું કહેવું છે કે તેમના પુનઃવસનની કામગીરી કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે.

પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ નકલ રવાના કરી છે અને જણાવ્યું છે કે છે કે મૃત્યુ બાદ તેમની સંપત્તિમાંથી જે રકમ મળે તેને 'સૌનો સાથ, સૌનો વિકાસ' અભિયાન માટે ખર્ચવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સૌથી નાના અરજદાર પ્રિન્સની ઉંમર સાડા ચાર વર્ષની છે.

અરજદાર પિયુષ સરવૈયાનો પરિવાર ઉનાના આંકોલાલીમાં રહેતો એકમાત્ર દલિત પરિવાર હતો પરંતુ હવે હિજરતી તરીકે જીવવા માટે મજબૂર છે.

15 વીઘા ઉપજાઉ જમીન, પાણીવાળો કૂવો, લાઇટ કનેકશન તથા દૂધાળાં પશુ હોવાને કારણે 1500 લોકોના ગામમાં સરવૈયા પરિવારની ગણતરી 'સંપન્ન પરિવાર' તરીકે થતી હતી.

પરંતુ 13 સપ્ટેમ્બર 2012ના દિવસે કોળી બહુમતી ધરાવતા ગામમાં રહેતા સરવૈયા પરિવારનું ભવિષ્ય હંમેશાં માટે બદલાઈ ગયું.

line

એ ભયાનક દિવસ

હુમલો થયો એ ઘર

ઇમેજ સ્રોત, piyush sarvaiya

ઇમેજ કૅપ્શન, હુમલો થયો એ ઘર

આંકોલાલીમાં ટોળાંએ સરવૈયા પરિવારના ઘર પર હુમલો કર્યો અને લાલજી સરવૈયાને જીવતા સળગાવી દીધા.

હુમલાખોરોનો આરોપ હતો કે લાલજીએ 'સમાજની દીકરી'ને ઘરમાંથી નાસી છૂટવામાં મદદ કરી હતી.

આ આરોપને સરવૈયા પરિવાર નકારે છે. તેમનું માનવું છે કે 'ઇર્ષ્યા'થી પ્રેરાઈને આ કૃત્ય કરવામાં આવ્યું હતું.

હુમલાને કારણે ભયભીત સરવૈયા પરિવારે ગામ છોડી દેવું પડ્યું અને ઉનામાં ભાડાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા.

હાલ લાલજી સરવૈયા મર્ડર કેસમાં 11 આરોપીઓ જેલમાં છે, છ વર્ષના સંઘર્ષ બાદ કેસ અંતિમ તબક્કામાં છે. સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સમયમાં કોર્ટ ચુકાદો જાહેર કરશે.

line

'હિજરતી' બનવાનો સંઘર્ષ

વિજય રૂપાણીને રજૂઆત કરતો પરિવાર

ઇમેજ સ્રોત, cmo

ઇમેજ કૅપ્શન, મુખ્ય મંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરતો પરિવાર

અનેક ધરણાં, ઉપવાસ અને આમણરણાંત અનશન બાદ જુલાઈ 2015માં વહીવટી તંત્રે સરવૈયા પરિવારને તેમના જ જિલ્લામાં 'હિજરતી' તરીકે સ્વીકાર્યો, પરંતુ તેમના પુનઃવસન માટે કોઈ પગલાં ન લેવાયાં.

લગભગ બે વર્ષ સુધી 'વૈકલ્પિક જમીન' મેળવવા માટે સરવૈયા પરિવારે તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તર સુધી રજૂઆતો કરી. છતાં કોઈ ઉકેલ ન આવ્યો.

જુલાઈ-2016માં ઉનાકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લા વહીવટી તંત્રને દલિતોની પડતર માંગણીઓ અંગે તત્કાળ નિર્ણય લેવા જણાવવામાં આવ્યું.

આને પગલે સરવૈયા પરિવારની 'ફાઇલ' આગળ વધી અને ઑગસ્ટ-2016માં સરવૈયા પરિવારને જમીન ફાળવવાનો નિર્ણય લેવાયો.

પિયુષ કહે છે કે આમ છતાંય અમારો સંઘર્ષ પૂરો થવાને બદલે જાણે કે શરૂ જ થયો હતો.

એ દિવસોને યાદ કરતા પિયુષભાઈ કહે છે, "જિલ્લાનું વહીવટીતંત્ર અમને ગામેગામે સરવે કરવા લઈ જતું, જેથી કરીને અમે 5.33 એકરની વૈકલ્પિક જમીન પસંદ કરી શકીએ."

"પરંતુ જે ગામમાં જઈએ તે ગામમાં અમારા આગમનનો વિરોધ કરવામાં આવતો તથા અમને જમીનની ફાળવણી કરવા સામે ગ્રામ પંચાયતમાં ઠરાવ થતા."

"આ રીતે અમે લગભગ નવેક ગામમાં જમીનો જોઈ હતી."

અંતે જૈનોના દેરાસર માટે વિખ્યાત દેલવાડામાં રાજ્ય સરકારની માલિકીની ગૌચરની જમીન ફાળવવાનો પ્રસ્તાવ મુકાયો, જેને સરવૈયા પરિવારે કમને સ્વીકાર્યો.

line

રહેવા, ખાવા-પીવાના સાંસાં

પરિવાર

ઇમેજ સ્રોત, piyush sarvaiya

ઇમેજ કૅપ્શન, હવે આ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે

પિયુષ કહે છે, "આંકોલાસીની ફળદ્રુપ ખેતીલાયક જમીનની સામે અમને ગૌચરની જમીન ફાળવી છે. જે અસમથળ છે, તેની ઉપર ઝાડીઝાંખરા ઉગેલાં છે."

"જ્યોતિગ્રામ તથા કૃષિના કનેકશન પાસે-પાસે આવેલાં હોવા છતાં અમને માત્ર ખેતીનું કનેકશન અપાયું છે. જેથી દિવસ દરમિયાન માત્ર આઠ કલાક જ વીજળી મળે છે."

"પીવાના પાણી માટે કનેકશન નથી અપાયું અને ડંકી (હેન્ડ-પંપ) ઉપર આધારિત છીએ."

"અનેક રજૂઆતો કરવા છતાં અમારી માગો સ્વીકારાઈ નથી. અત્યારે મજૂરીકામ કરીને આજીવિકા રળીએ છીએ."

પરિવારના છ બાળકો ભણે છે પરંતુ સ્કૂલ તેમને ફાળવવામાં આવેલી જમીનથી બે કિલોમીટર દૂર છે. પરિવહન માટે કોઈ વાહન ન હોવાના કારણે બાળકોએ દરરોજ પગે ચાલીને સ્કૂલે જવું પડે છે."

line

સરવૈયા પરિવારનો સંઘર્ષ

પિયુષ સરવૈયા

ઇમેજ સ્રોત, Ashwin sardiya

ઇમેજ કૅપ્શન, ઇચ્છામૃત્યુની અરજી કરનારા પરિવારના સભ્ય પિયુષ સરવૈયા

હિજરત અને પછીના સંઘર્ષને કારણે પરિવાર વિખેરાઈ ગયો. હુમલાના અમુક દિવસ બાદ ઘટનાક્રમને નજરે જોનારા સરવૈયા પરિવારના પુત્રવધૂ જયાબહેનનું નિધન થયું.

તેઓ છ માસની દૂધ પીતી દીકરી ધર્મિષ્ઠાને મૂકી ગયાં. દાદી કમળાબહેન તથા પરિવારની અન્ય મહિલાઓએ તેમનો ઉછેર કર્યો. આજે ધર્મિષ્ઠા છ વર્ષનાં થઈ ગયાં છે.

આર્થિક અસ્થિરતા અને કોર્ટના ચક્કરને કારણે પિયુષભાઈનાં લગ્ન નથી થઈ શક્યાં.

નિરાશ સ્વરે તેઓ કહે છે, 'સાહેબ, છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ. તમે જ કહો કોણ દીકરી આપે?'

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પિયુષભાઈનું કહેવું છે કે કે જો એક મહિનામાં જવાબ નહીં મળે તો સાતમી ડિસેમ્બરથી અમદાવાદ (પશ્ચિમ)ના સાંસદ કિરીટ સોલંકીના દિલ્હી ખાતેના નિવાસસ્થાનની બહાર આમરણ અનશન હાથ ધરીશું.

નોંધનીય છે કે સોલંકી સંસદની અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષપદે છે.

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારતા પ્રધાન ઇશ્વરભાઈ પરમારના કહેવા પ્રમાણે, "આ પ્રકારના કોઈ અહેવાલ મારા ધ્યાને નથી આવ્યો. હું તપાસ કરાવું છું. જો આવું કંઈ હશે તો અમારો વિભાગ સંવેદનશીલતાથી વિચાર કરશે."

line

ગુજરાતમાં દલિતો પર દમન

ઘર

ઇમેજ સ્રોત, piyush sarvaiya

જુલાઈ-2016માં ઉના તાલુકાના ઉના તાલુકામાં કથિત ગૌરક્ષકો દ્વારા મૃત પશુઓનાં ઢોરનું ચામડું ઉતારીને આજીવિકા રળવાનું કામ કરતા સાત દલિતોને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.

આ દમન વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. એ ઘટનાક્રમને કારણે ગુજરાત જ નહીં પરંતુ ભારતભરના દલિતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

એ ઘટનાના બે વર્ષ બાદ પીડિત બાલુભાઈ સરવૈયાના પરિવારે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો હતો.

એ પછી ગુજરાતમાં મૂછ રાખવી, ગરબા જોવા, પગમાં મોજડી પહેરવી, નામ સાથે 'સિંહ' ઉમેરવું, વગેરે જેવા મુદ્દે દલિતોને ધમકી આપવી તથા મારામારીના કિસ્સા નોંધાયા છે.

આવી ઘટનાઓને પગલે રાજ્યની ભાજપ સરકાર ઉપર દલિતો પ્રત્યે અસંવેદનશીલ હોવાના આરોપ લાગે છે, જેને ઇશ્વર પરમાર નકારે છે અને વિરોધીઓનો 'અપપ્રચાર' ગણાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો