You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એમ. જે. અકબર સામે મહિલાઓ પાસે કયા કયા કાનૂની વિકલ્પ છે?
- લેેખક, સર્વપ્રિયા સાંગવાન
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય વિદેશ રાજ્યમંત્રી મોબશર જાવેદ અકબરે પોતાના સામે લાગેલા યૌન શોષણના આરોપ લગાવનારી મહિલા પત્રકાર પ્રિયા રમાણી પર ક્રિમિનલ માનહાનીનો કેસ દાખલ કર્યો છે.
67 વર્ષના એમ. જે. અકબરે તેમના વિરુદ્ધ આરોપ લગાવનારી અન્ય મહિલાઓ સામે પણ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
દરમિયાન એમ. જે. અકબરે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે.
એમ. જે. અકબરની કાર્યવાહીના કેલટલાક કલાકો બાદ પ્રિયા રમાણીએ નિવેદન જારી કર્યું હતું.
તેમાં પ્રિયાએ લખ્યું હતું કે,"હું મારી સામેના માનહાનિના આરોપો સામે લડવા માટે તૈયાર છું. માત્ર સત્ય જ મારો બચાવ છે."
બીજી તરફ અભિનેતા આલોકનાથ પર વિંતા નંદાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેમણે પણ વિંતા નંદા સામે એક રૂપિયાનો સિવિલ માનહાની કેસ દાખલ કર્યો છે અને લેખિતમાં માફીની માંગણી કરી છે.
પરંતુ કાનૂની રીતે પ્રિયા રમાણી અને વિંતા નંદા પાસે કયા વિકલ્પ છે? જે પણ મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે તેમની પાસે ન્યાય મેળવવા કોઈ કાનૂની માર્ગ છે?
મહિલાઓ પાસે કયા વિકલ્પ છે?
વરિષ્ઠ વકીલ રમાકાંત ગૌડ જણાવે છે કે આ મહિલાઓ પાસે બે વિકલ્પ હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રથમ વિકલ્પ એ છે કે મહિલા મેજિસ્ટ્રેટ અથવા પોલીસને તેમની સાથે થયેલા યૌન શોષણની ઘટનાની ફરિયાદ આપી શકે છે.
જ્યાં સુધી આ મામલો કોર્ટમાં પડતર રહે અથવા ફરિયાદ પત્ર રજૂ કરવામાં આવે, ત્યાં સુધી માનહાનિના દાવાની કાર્યવાહી શરૂ ન થઈ શકે.
તમે આ વાંચ્યું કે નહીં?
કેમ કે જો કોર્ટમાં એ સાબિત થઈ જાય છે કે યૌન શોષણની ઘટના બની છે, તો માનહાનિનો દાવો આપમેળે જ રદ થઈ જાય છે.
બીજો વિકલ્પ છે, પણ રમાકાંત આ વિકલ્પને નબળો ગણાવે છે.
બીજો વિકલ્પ એ છે કે મહિલાઓ કોર્ટમાં સમન્સ આવવાની રાહ જુએ અને ત્યાર બાદ ફરિયાદી પક્ષની ઉલટતપાસ થાય.
પરંતુ આ નબળો વિકલ્પ એટલા માટે છે, કેમ કે દેશમાં ઉલટતપાસ કરનારા પ્રભાવી વકીલ ઘણા ઓછા છે.
તદુપરાંત જાણીતા વકીલ વૃંદા ગ્રોવર કહે છે કે આ મહિલાઓ પાસે ઘણા વિકલ્પ છે. સૌથી પહેલા તો ફરીયાદી પક્ષે સાબિત કરવું પડે કે તેમની માનહાનિ થઈ છે અને આ એક લાંબી પ્રક્રિયા છે.
જ્યારે તેઓ આ વાત સાબિત કરી લે છે પછી અન્ય વિકલ્પોની જરૂર પડે છે.
વળી અવધ બાર ઍસોસિયેશનના વર્તમાન અધ્યક્ષ ડૉ. એલ. પી. મિશ્રા કહે છે કે ત્યાર પછી પણ મહિલાઓને એ પુરવાર કરવું પડે કે તેમના આરોપ સાચા છે અને ત્યારે તેમને અન્ય સાક્ષીઓ અને પુરાવાઓની જરૂર પડશે.
પરંતુ એવા કેસમાં તેમના પોતાના સાક્ષીનું મહત્ત્વ પણ કાયદાકીય દૃષ્ટિએ ઘણું વધારે હોય છે.
સિવિલ અને ક્રિમિનલ માનહાનિમાં તફાવત શું?
ભારતમાં બે રીતે માનહાનિ કેસ થઈ શકે છે. સિવિલ માનહાનિ અને ક્રિમિનલ માનહાનિ. આ બન્ને એક સાથે દાખલ કરી શકાય છે. બન્ને અલગ અલગ રીતે ચાલી શકે છે.
સિવિલ માનહાનિમાં વળતર માટે કેસ દાખલ કરી શકાય છે, જ્યારે ક્રિમિનલ માનહાનિમાં સજા અને દંડ બન્ને થઈ શકે છે.
ક્રિમિનલ માનહાનિ માટે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ થઈ શકે છે.
કોઈ વ્યક્તિ વિશે તેના સન્માનને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી કોઈ વાત લખીને અથવા બોલીને અથવા ઇશારો કરીને અથવા તસવીર મારફતે કહેવામાં આવે તો માનહાનિનો કેસ થઈ શકે છે.
સિવિલ કેસમાં માનહાનિનો દાવો કરનારે સાબિત કરવાનું હોય છે કે કથિત નિવેદને તેમના સન્માનને ઠેસ પહોંચાડી છે અને એ નિવેદન પ્રકાશિત થયું છે.
ક્રિમિનલ કેસમાં પણ પહેલી જવાબદારી ફરિયાદી પક્ષ પર હોય છે કે તેઓ સાબિત કરે કે તેમની માનહાનિ થઈ છે અને આવું ઇરાદાપૂર્વક કરાયું છે.
પ્રક્રિયા શું?
જે વ્યક્તિ માનહાનિનો કેસ દાખલ કરવા માંગે છે, તેમને આ ફરિયાદ પુરાવા સાથે કોર્ટમાં સુપરત કરવાની હોય છે.
કોર્ટમાં ફરિયાદ મળતા અને નિવેદન નોંધવામાં આવતા જો કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા અને આધાર હોય તો અદાલત સમન્સ પાઠવે છે.
આ સમન્સ જેના પર માનહાનિ કરવાનો આરોપ કરવામાં આવે છે તેના વિરુદ્ધ થાય છે.
જો આ વ્યક્તિ તેની ભૂલ ન સ્વીકારે તો કોર્ટ ફરીથી ફરિયાદી અને અન્ય સાક્ષીઓને બોલાવે છે.
જો માનહાનિને લઈને વળતર જોઈએ તો તેના માટે પહેલા કાનૂની નોટિસ આપવામાં આવે છે અને ત્યાર બાદ કોર્ટમાં માંગવામાં આવેલા વળતરની દસ ટકા રકમ કોર્ટમાં જમા કરાવવી પડે છે.
બચાવ પક્ષ જો પુરવાર કરે કે નિવેદન સાચું છે અથવા જનહિતમાં છે અથવા ફરીથી કોઈ કોર્ટની કાર્યવાહી અથવા સંસદની કાર્યવાહીનો ભાગ છે તો માનહાનિના દાવાથી બચી શકે છે.
રમાણી સામે 97 વકીલ લડશે?
સોશિયલ મીડિયા પર એમ. જે. અકબરના વકીલોનું એક વકીલાતનામું વાઇરલ થયું છે.
કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે એક મહિલા સામે 97 વકીલો ઊભા છે.
જોકે, આ વકીલાતનામું એમ. જે. અકબરના વકીલોની ફર્મનું છે. મોટાભાગે કેસમાં એક કરતાં વધુ વકીલો હસ્તાક્ષર કરતા હોય છે, જેથી કોઈ હાજર ન રહી શકે તો કોઈ બીજો વકીલ હાજર રહી શકે.
પરંતુ રમાકાંત ગૌડ કહે છે કે આ અનિવાર્ય નથી અને 97 વકીલોનું વકીલાતનામું રજૂ કરવું એક રીતે મહિલા પર દબાણ ઊભું કરવાની રીત છે.
ભારતમાં માનહાની કાનૂન
બીજા કેટલાક દેશોમાં માનહાની કાનૂન ક્રિમિનલ પરિભાષામાં આવરી નથી લેવાયો. ભારતમાં પણ બદનક્ષીને ક્રિમિનલ પરિભાષાની શ્રેણીમાંથી બહાર કરવાની કોશિશ થઈ રહી છે.
ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં તેને ક્રિમિનલ શ્રેણીની બહાર કરવા માટે અરજી કરી હતી.
બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ આ અરજીમાં પાર્ટી બન્યા હતા.
ત્રણેય પક્ષના નેતા ઇચ્છતા હતા કે આ માનહાનિને ક્રિમિનલ શ્રેણીની બહાર રાખવામાં આવે.
પરંતુ વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો કે માનહાનિનો દાવો ક્રિમિનલ શ્રેણી હેઠળ પણ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો